ટેક્નોલોજી પર આંધળો વિશ્વાસ જીવનભરની મહેનત પાણીમાં ફેરવી શકે છે, જેનું જીવંત ઉદાહરણ ચીનમાં સામે આવ્યું છે
યુઝોઉ
ચીનના ચુઝોઉ શહેરમાં એક આશ્ચર્યજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. 67 વર્ષીય એક વૃદ્ધ ખેડૂતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એપ પર વધારે પડતો ભરોસો રાખ્યો, જેના કારણે તેમની આખી ખેતી નષ્ટ થઈ ગઈ. AI દ્વારા આપવામાં આવેલા ખોટા પેસ્ટીસાઇડ (દવા) ફોર્મ્યુલાના કારણે આશરે 24 એકર જમીનમાં ઉગેલા તલના છોડ રાતોરાત સુકાઈને મરી ગયા. આ ઘટના ખેતી ક્ષેત્રે ટેક્નોલોજીના ઉપયોગ સામે ગંભીર સવાલો ઊભા કરે છે.
એક વર્ષથી કરી રહ્યા હતા AI નો ઉપયોગ
ચીની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વૂ (Wu) નામના 67 વર્ષીય ખેડૂત છેલ્લા લગભગ એક વર્ષથી ખેતીના કાર્યો માટે એક AI એપનો ઉપયોગ કરી રહ્યા હતા. શરૂઆતમાં તેમને આ ટેક્નોલોજી પર શંકા હતી, પરંતુ સમય જતાં એપ દ્વારા આપવામાં આવેલા જવાબો તેમને ઉપયોગી લાગવા લાગ્યા. ધીમે-ધીમે તેમનો વિશ્વાસ વધી ગયો અને તેમણે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવાનું બંધ કરી દીધું અને દરેક નાના-મોટા નિર્ણય માટે AI પર નિર્ભર થઈ ગયા.
ખોટી દવાના છંટકાવથી તારાજી
જ્યારે વૂ ના ખેતરોમાં નીંદણ (ઘાસ) અને જીવાતોની સમસ્યા વધી, ત્યારે તેમણે મદદ માટે ફરી AI એપનો સંપર્ક કર્યો. એપ દ્વારા તેમને ‘હાઇ-એફિશિયલ ફ્લુપિરિમેથાલિન’, ‘ફ્લુસલ્ફસલ્ફાએથર’, ‘થિયામેથોક્સાજિન’ અને ‘મિટાઇલ સોલ્ટ’ જેવા રસાયણોના મિશ્રણનો છંટકાવ કરવાની સલાહ આપવામાં આવી. વૂ એ કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વગર આ સલાહ માની લીધી અને પોતાના 150 મ્યૂ (આશરે 24.7 એકર) જમીનમાં ફેલાયેલા તલના ખેતરમાં તેનો છંટકાવ કરી દીધો.
રાતોરાત મરવા લાગ્યા છોડ
આ દવા છાંટ્યાના બીજા જ દિવસે વૂ ને મોટો આઘાત લાગ્યો. નીંદણની સાથે-સાથે તેમના તલના છોડ પણ ખૂબ જ ઝડપથી મરવા લાગ્યા. જ્યારે તેમણે આ બાબતે ફરીથી AI એપ પાસે સ્પષ્ટતા માંગી, ત્યારે એપએ સ્વીકાર્યું કે નુકસાન પાછળનું મુખ્ય કારણ ‘ફ્લુસલ્ફસલ્ફાએથર’ કેમિકલ હતું. આ કેમિકલનો મુખ્ય ઉપયોગ સોયાબીન જેવા ખેતરોમાં પહોળા પાંદડાવાળા નીંદણને નાશ કરવા માટે થાય છે. તલના છોડ પણ પહોળા પાંદડાવાળા હોવાથી આ દવાની ઝેરી અસર તેમના પર સીધી થઈ અને આખી ફસલ નાશ પામી.
AI ના ઉપયોગમાં સાવધાની જરૂરી
આ ઘટના દર્શાવે છે કે ટેક્નોલોજી ગમે તેટલી એડવાન્સ હોય, પરંતુ ખેતી, મેડિકલ કે અન્ય સંવેદનશીલ ક્ષેત્રોમાં તેના પર આંખ બંધ કરીને ભરોસો કરવો જોખમી સાબિત થઈ શકે છે. જો કે, AI ચેટ ઇન્ટરફેસ પર અગાઉથી જ ચેતવણી આપવામાં આવી હતી કે ‘AI દ્વારા આપવામાં આવેલી માહિતી ખોટી હોઈ શકે છે, કૃપા કરીને તેની પુષ્ટિ કરો,’ પરંતુ ખેડૂત આ ચેતવણીને નજરઅંદાજ કરી બેઠા, જે તેમને ખૂબ મોંઘું પડ્યું.
