કચ્છને હરાવી બનાસકાંઠાની ટીમ વિજેતા; વડનગર ખાતે યોજાયેલી ટુર્નામેન્ટમાં રોમાંચક મુકાબલો જોવા મળ્યો
વડનગર
ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા ઝાયડસ કપ-2026 જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન એસ.એ.જી. કોમ્પ્લેક્સ, વડનગર ખાતે તારીખ ૦૭.૦૮.૨૦૨૬ થી કરવામાં આવ્યું હતું. આ રોમાંચક ટુર્નામેન્ટમાં રાજ્યભરની યુવા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ફાઇનલ મેચનો રોમાંચક મુકાબલો
આજ રોજ રમાયેલી ફાઇનલ મેચમાં બનાસકાંઠાની ટીમ શરૂઆતથી જ મેચ પર પોતાની પકડ જમાવીને રમી રહી હતી. મેચ શરૂ થયાની માત્ર બીજી જ મિનિટમાં બનાસકાંઠાના અંજલિ ચૌધરી દ્વારા આપવામાં આવેલા પાસ પર રક્ષા ચૌધરીએ બોલને ડ્રીબલ કરી પેનલ્ટી એરિયામાં લઈ જઈને રાઇટ ફૂટથી શાનદાર કીક મારી ટીમનું ખાતું ખોલાવ્યું હતું અને ૧-૦ ની લીડ અપાવી હતી.
ત્યારબાદ, મેચની ચોથી મિનિટે મેઘા ફળદુના પાસને લક્ષ્મી ચૌધરીએ સુંદર રીતે ગોલમાં પરિવર્તિત કરી ટીમનો સ્કોર ૨-૦ કર્યો હતો. કચ્છની ટીમ દ્વારા પણ ગોલ કરવાના કેટલાક પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ બનાસકાંઠાના મજબૂત રક્ષણને કારણે તેમને સફળતા મળી ન હતી. પ્રથમાર્ધ (હાફ ટાઇમ) સુધી સ્કોર ૨-૦ નો રહ્યો હતો.

દ્વિતીયાર્ધની રમત અને વિજય
બીજા હાફમાં પણ બનાસકાંઠાની ખેલાડીઓનું પ્રભુત્વ યથાવત રહ્યું હતું. મેચની ૬૨મી મિનિટે બનાસકાંઠાના લક્ષ્મી ચૌધરીએ વધુ એક શાનદાર ગોલ કરીને ટીમનો સ્કોર ૩-૦ કરી દીધો હતો. મેચના અંત સુધી આ જ સ્કોર જળવાઈ રહ્યો હતો અને અંતે બનાસકાંઠાની ટીમ ૩-૦ થી વિજયી બની હતી. મેચ પૂર્ણ થયા બાદ અસોશિએશનના પદાધિકારીઓ દ્વારા વિજેતા અને રનરઅપ બનેલી બંને ટીમોને ટ્રોફી અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
નેશનલ ટીમ માટે ખેલાડીઓની પસંદગી
આ ટુર્નામેન્ટનું મુખ્ય આકર્ષણ ગુજરાતની નેશનલ ટીમ માટેનું સિલેક્શન પણ હતું. આ સ્પર્ધા દરમિયાન પ્રદર્શનના આધારે ગુજરાતની નેશનલ ટીમ માટેના પ્રશિક્ષણ કેમ્પ માટે ૩૦ મુખ્ય ખેલાડીઓ અને ૫ સ્ટેન્ડબાય ખેલાડીઓની પસંદગી પણ કરવામાં આવી હતી.
