દિલ્હી અક્ષરધામ બન્યું ‘આધ્યાત્મિક અને વારસાગત પર્યટન સંમેલન 2026’નું સાક્ષી: મુખ્યમંત્રી રેખા ગુપ્તા સહિત અનેક મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
નવી દિલ્હી
દિલ્હીની સમૃદ્ધ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસતને વૈશ્વિક પર્યટનના નકશા પર વધુ મજબૂત સ્થાન અપાવવાના હેતુથી એક મહત્વપૂર્ણ પહેલરૂપે મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે અક્ષરધામ મંદિર પરિસરમાં ચાર નવા ટૂરિઝમ સર્કિટનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે સંબંધિત મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, વરિષ્ઠ પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
આયોજન અને વિશેષ ‘હેરીટેજ વૉક’
‘આધ્યાત્મિક અને વારસાગત પર્યટન સંમેલન 2026’ અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમનું આયોજન દિલ્હી સરકારના પર્યટન વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ સદ્ગુરુ શ્રી જગ્ગી વાસુદેવજીએ પણ સંમેલનમાં સહભાગી બની કાર્યક્રમની શોભા વધારી હતી. સંમેલનના ભાગરૂપે અક્ષરધામ પરિસરમાં વિશેષ ‘હેરીટેજ વૉક’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સહભાગીઓને દિલ્હીની સમૃદ્ધ સાંસ્કૃતિક અને સ્થાપત્ય વિરાસતની ઝીણવટભરી વિશેષતાઓથી પરિચિત કરાવવામાં આવ્યા હતા.
નવા ટૂરિઝમ સર્કિટ્સનો હેતુ
સવારે 10 વાગ્યે શરૂ થયેલા આ કાર્યક્રમમાં પર્યટન વિભાગ દ્વારા શરૂ કરાયેલા ચાર નવા સર્કિટમાં દિલ્હીનાં પ્રમુખ મંદિરો, અન્ય ધાર્મિક સ્થળો ઉપરાંત અત્યાર સુધી પર્યટનના નકશા પર ઓછાં ચર્ચાયેલા ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોને પણ આવરી લેવામાં આવ્યા છે. પર્યટન વિભાગનો હેતુ એક જ પ્રવાસ દરમિયાન પ્રવાસીઓને દિલ્હીની સમૃદ્ધ ધાર્મિક અને ઐતિહાસિક વિરાસતનો અનુભવ કરાવવાનો છે.
આગામી 12 ઓગસ્ટના રોજ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ અને યુટ્યુબર્સને આ નવા પર્યટન રૂટ્સની મુલાકાત કરાવવામાં આવશે, ત્યારબાદ તેઓ વીડિયો અને રીલ્સ દ્વારા તેનો પ્રચાર કરશે.
આર્થિક તકો અને રોજગારમાં વધારો
અગાઉ ફેબ્રુઆરી 2026માં દિલ્હી સરકારે ‘દિલ્હીની ધરોહર’, ‘દિલ્હીનું દિલ અને વિરાસત’, ‘દિલ્હીનું રહસ્ય’ અને ‘દિલ્હી જુઓ દિલથી’ નામે ચાર હેરિટેજ-કલ્ચરલ સર્કિટ શરૂ કર્યા હતા. સરકારનું માનવું છે કે આ સર્કિટ લોકપ્રિય બનવાથી સ્થાનિક ગાઇડ, પરિવહન સંચાલકો, રેસ્ટોરાં, વેપારીઓ તેમજ અન્ય નાના વ્યવસાયકારો માટે રોજગાર અને આર્થિક તકોમાં વધારો થશે. સાથે જ પ્રવાસીઓ દિલ્હીમાં વધુ સમય રોકાય તે માટે પણ પ્રોત્સાહન મળશે.
અક્ષરધામ અને બીએપીએસ સંસ્થાનું યોગદાન
ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમનું સ્થળ અક્ષરધામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા ‘વિશ્વનું સૌથી મોટું સંપૂર્ણ હિન્દુ મંદિર’ તરીકે માન્યતા પ્રાપ્ત છે. દિલ્હીના અક્ષરધામ સહિત વિશ્વભરમાં 1,800થી વધુ મંદિરો અને આધ્યાત્મિક કેન્દ્રોનું નિર્માણ કરનાર બીએપીએસ સંસ્થાના વડા અને આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે સૌના ઉત્કર્ષ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આ સમગ્ર કાર્યક્રમના આયોજન અને સંકલનમાં અક્ષરધામના પ્રભારી સંત મુનિવત્સલ સ્વામીની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.
