સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ, તા. ૦૯/૧૦/૨૦૨૬ સુધી જાહેરનામું અમલમાં રહેશે
રાજપીપલા,
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના પ્રખ્યાત એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) અને તેની આસપાસના વિસ્તારોની સુરક્ષાને વધુ મજબૂત અને ચુસ્ત બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરક્ષા અને સલામતીના ભાગરૂપે આ સમગ્ર વિસ્તારના કેટલાંક ભાગોને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સત્તાવાર રીતે ‘NO DRONE ZONE’ (નો ડ્રોન ઝોન) જાહેર કરવામાં આવ્યા છે.
‘NO DRONE ZONE’ હેઠળ આવતા મુખ્ય વિસ્તારો
તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર જાહેરનામા મુજબ, નીચે જણાવેલા વિસ્તારોમાં રીમોટ કંટ્રોલથી સંચાલિત થતા કોઈપણ પ્રકારના ડ્રોન (Drone) કે માનવરહિત હવાઈ વાહનો ચલાવવા અથવા ઓપરેટ કરવા પર સખત પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે:
- નર્મદા માતાજીની મૂર્તિનો સમગ્ર પરિસર વિસ્તાર
- ન્યુ ગોરા બ્રીજ અને મોખડી ડેમ સાઈટ વિસ્તાર
- CHPH અને RBPH પાવર હાઉસ વિસ્તાર
- ડાઇક નં. ૧ એરોડ્રામથી ડાઇક નં. ૪ સુધીનો વિસ્તાર
- ટેન્ટ સીટીથી ભુમલીયા ઝીરો પોઇન્ટ થઈને નર્મદા માતાજીની મૂર્તિ સુધીનો સમગ્ર પટ
- ગુરૂકુલ હેલીપેડ અને તેની આસપાસનો વિસ્તાર
- નર્મદા ઘાટ અને તેની નજીકનો સંવેદનશીલ વિસ્તાર
જાહેરનામાની મુદત અને કડક અમલવારી
વહીવટી તંત્ર દ્વારા જારી કરાયેલા આ સુરક્ષાલક્ષી આદેશોની અમલવારી જાહેરનામાની બહાર પાડ્યાની તારીખથી લઈને તા. ૦૯/૧૦/૨૦૨૬ સુધી અવિરતપણે ચાલુ રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓની સુરક્ષા તેમજ રાષ્ટ્રીય મહત્ત્વના આ પ્રોજેક્ટની અતિ-સંવેદનશીલ સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે.
નિયમભંગ બદલ કાયદાકીય કાર્યવાહીની ચેતવણી
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીના આ જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જો કોઈ ઈસ્યુ કે વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરીને પ્રતિબંધિત વિસ્તારોમાં ડ્રોન ઉડાડતા ઝડપાશે, તો તે વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ (BNS) ની કલમ – ૨૨૩ ની જોગવાઈઓ અનુસાર કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર દ્વારા નાગરિકો અને પ્રવાસીઓને આ નિયમનું પાલન કરવા ખાસ અપીલ કરવામાં આવી છે.
