રાજ્યભરમાં ‘નમો સ્વચ્છતા અભિયાન’ અને ‘અમૃતપાન અભિયાન’નો પ્રારંભ

Spread the love


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વચ્છતાને જનઆંદોલન બનાવવાનું આહવાન; 1થી 7 જુલાઈ દરમિયાન 11,935 સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સઘન સફાઈ ઝુંબેશ


ગાંધીનગર

રાજ્યની તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા અને સુવ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસથી રાજ્યવ્યાપી ‘નમો સ્વચ્છતા અભિયાન’ અને ‘અમૃતપાન અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે સ્વચ્છતાને માત્ર એક સપ્તાહ પૂરતી મર્યાદિત પ્રવૃત્તિ નહીં, પરંતુ સમાજનો સહજ સ્વભાવ અને દરેક વ્યક્તિના દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવાનો સંદેશ આપ્યો હતો.

સ્વચ્છતા જીવનશૈલીનો ભાગ બને : મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે “પહેલું સુખ તે જાતે નર્યા” અને “પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર”નો સંદેશ દરેક વ્યક્તિએ જીવનમાં ઉતારવો જરૂરી છે. સ્વચ્છતા અને સ્વાસ્થ્ય એકબીજા સાથે સીધા જોડાયેલા હોવાનું જણાવી તેમણે જાહેર સ્થળોએ ગંદકી ન ફેલાવવા અને સ્વચ્છતા જાળવવાની સામૂહિક જવાબદારી નિભાવવાની અપીલ કરી હતી.

સાત દિવસ સુધી વિશેષ સ્વચ્છતા અભિયાન

મુખ્યમંત્રીએ જણાવ્યું કે 1થી 7 જુલાઈ દરમિયાન રાજ્યની તમામ સરકારી હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓમાં વિશેષ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ અભિયાન હેઠળ જૂનું ફર્નિચર, આઉટડેટેડ મેડિકલ સાધનો, ભંગાર સામગ્રી તેમજ બિનજરૂરી દસ્તાવેજોનો યોગ્ય નિકાલ કરીને હોસ્પિટલ પરિસરોને વધુ સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવવામાં આવશે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ માત્ર એક સપ્તાહનું અભિયાન નહીં, પરંતુ રોજિંદી કામગીરીનો હિસ્સો બનવું જોઈએ.

અમૃતપાન અભિયાનથી માતા-બાળકના આરોગ્ય પર ભાર

મુખ્યમંત્રીએ જણાવ્યું કે ‘અમૃતપાન અભિયાન’ માતા અને બાળકના આરોગ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ છે. જન્મથી જ બાળકને માતાનું દૂધ અને યોગ્ય પોષણ મળે તે માટે વ્યાપક જનજાગૃતિ લાવવી સમયની જરૂરિયાત છે. સ્વસ્થ બાળક જ સ્વસ્થ સમાજ અને વિકસિત રાષ્ટ્રનો પાયો બની શકે છે તેમ તેમણે જણાવ્યું હતું.

આરોગ્ય સેવાને માનવસેવાનું શ્રેષ્ઠ માધ્યમ ગણાવ્યું

આરોગ્ય સેવા માત્ર વ્યવસાય નહીં પરંતુ માનવસેવાનું શ્રેષ્ઠ માધ્યમ હોવાનું જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ હોસ્પિટલજન્ય ચેપ ઘટાડવા સંક્રમણ નિયંત્રણને પ્રાથમિકતા આપવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા સરકાર સતત કાર્યરત છે. રાષ્ટ્રીય ડોક્ટર દિવસ નિમિત્તે તેમણે રાજ્યના તમામ ડોક્ટરોને શુભેચ્છા પાઠવી તેમના યોગદાનને બિરદાવ્યું હતું.

11,935 આરોગ્ય સંસ્થાઓમાં કામગીરી

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે રાજ્યની 11,935 સરકારી આરોગ્ય સંસ્થાઓમાં કેમ્પસથી લઈને અગાશી સુધી સઘન સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે. હોસ્પિટલોમાં વર્ષોથી પડેલા ભંગાર સામાન, જૂના કમ્પ્યુટરો, ભંગાર એમ્બ્યુલન્સ અને અન્ય નકામી વસ્તુઓનો નિકાલ કરવામાં આવશે. સાથે જ તૂટેલી ટાઇલ્સ, દરવાજા, બારીઓ, લાઇટ, પંખા અને ટોયલેટમાં લીકેજ જેવી ખામીઓનું પણ યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવશે.

માર્ગદર્શિકાનું વિમોચન અને સ્વચ્છતા સંકલ્પ

કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે ‘અમૃતપાન અભિયાન માર્ગદર્શિકા’ અને ‘ફ્લિપ ચાર્ટ’નું વિમોચન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં સફાઈ કરીને બંને મહાઅભિયાનોનો રાજ્યવ્યાપી શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે ગાંધીનગરના મેયર મીરાબે પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશકુમાર પટેલ, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનો, ગ્રામ્ય આરોગ્ય કમિશનર ડૉ. રતનકંવર ગઢવી ચારણ, કલેક્ટર રવીન્દ્ર ખતાલે સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને GMERS મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *