એકતા અને ‘વિકસિત ભારત ૨૦૪૭’નો બુલંદ સૂર

Spread the love

ના જ્ઞાતિવાદ, ના પ્રાંતવાદ, ના ભાષાવાદ; માત્ર રાષ્ટ્રવાદ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ : પ્રભારીમંત્રી પ્રફુલ પાનશેરીયા

ઝઘડિયા ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી; તેજસ્વી તારલાઓ, શ્રેષ્ઠ કર્મયોગીઓ અને માનવતાવાદી સેવા આપનાર વ્યક્તિઓનું સન્માન, વિકાસ માટે રૂ.૨૫ લાખનો ચેક અર્પણ

ભરૂચ

૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે દેશભક્તિસભર વાતાવરણમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી તથા ભરૂચ જિલ્લાના પ્રભારીમંત્રી પ્રફુલ પાનશેરીયાએ રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપી હતી. તેમણે પરેડનું નિરીક્ષણ કરી જિલ્લાના લોકોને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

અમર શહીદો અને ભરૂચની વિભૂતિઓને શ્રદ્ધાંજલિ

પ્રાસંગિક પ્રવચનમાં પ્રભારીમંત્રીએ ૧૮૫૭ના વિપ્લવથી લઈને ૧૯૪૭ સુધી દેશ માટે બલિદાન આપનાર શહીદો અને કર્મવીરોને ભાવાંજલિ અર્પણ કરી હતી. સાથે ભરૂચની ધરતીના ગૌરવ સમાન કનૈયાલાલ માણેકલાલ મુનશી, પંડિત ઓમકારનાથ ઠાકુર અને ચંદુલાલ દેસાઈ જેવા મહાનુભાવોના રાષ્ટ્રપ્રદાનને યાદ કરીને નમન કર્યું હતું.

‘વસુધૈવ કુટુંબકમ્’ સાથે એકતાનો સંકલ્પ

પ્રભુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે ભારત ‘રાષ્ટ્રીય સૌહાર્દ’ અને ‘વસુધૈવ કુટુંબકમ્’ના મંત્ર સાથે આગળ વધી રહ્યું છે. ૧૪૦ કરોડ દેશવાસીઓએ એક દિશામાં અને એક હૃદય સાથે આગળ વધી રાષ્ટ્રને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ કરવો જોઈએ. તેમણે જ્ઞાતિવાદ, પ્રાંતવાદ અને ભાષાવાદથી ઉપર ઊઠીને રાષ્ટ્રવાદને પ્રાથમિકતા આપવા આહ્વાન કર્યું હતું.

ડિજિટલ વ્યવસ્થાથી ગરીબો સુધી સીધો લાભ

તેમણે જણાવ્યું કે ડિજિટલ પેમેન્ટ અને Direct Benefit Transfer (DBT) જેવી વ્યવસ્થાઓના કારણે સરકારી યોજનાઓનો લાભ સીધો લાભાર્થીઓ સુધી પહોંચી રહ્યો છે. ભારત ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે વિશ્વમાં અગ્રેસર બન્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.

આત્મનિર્ભર સંરક્ષણ ક્ષેત્ર પર ભાર

સંરક્ષણ ક્ષેત્રની આત્મનિર્ભરતાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે ભારત હવે રક્ષા સાધનો માટે માત્ર આયાત પર નિર્ભર રહેતું નથી. દેશમાં જ આધુનિક સંરક્ષણ સાધનો અને ફાઇટર પ્લેનના નિર્માણ તરફ ભારત આગળ વધી રહ્યું છે. આંતરિક સુરક્ષાને મજબૂત બનાવવાના પ્રયાસોની પણ તેમણે વાત કરી હતી.

યુવાનોને વ્યસનમુક્ત બનવા હાકલ

‘વિકસિત ભારત ૨૦૪૭’ના સંકલ્પને સાકાર કરવા યુવા શક્તિને રાષ્ટ્રનિર્માણમાં જોડાવા આહ્વાન કરતાં પ્રભારીમંત્રીએ કહ્યું કે યુવાનોમાં અખૂટ શક્તિ અને ઊર્જા છે. યુવાનો વ્યસનમુક્ત બની પોતાની શક્તિનો યોગ્ય ઉપયોગ કરે અને દેશની સમૃદ્ધિમાં યોગદાન આપે એ સાચી રાષ્ટ્રસેવા છે.

Vocal for Localનો સંદેશ

તેમણે સ્થાનિક સ્તરે ઉત્પાદિત વસ્તુઓનો વધુમાં વધુ ઉપયોગ કરવા અને ‘Vocal for Local’ની ભાવનાને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી. તેમના જણાવ્યા મુજબ ‘વિકસિત ભારત ૨૦૪૭’ માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ નહીં, પરંતુ એકતા, રાષ્ટ્રવાદ અને સામાજિક-આર્થિક સમૃદ્ધિનો સંકલ્પ છે.

તેજસ્વી તારલાઓ અને કર્મયોગીઓનું સન્માન

સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર તેજસ્વી તારલાઓ, શ્રેષ્ઠ કર્મયોગીઓ તથા અંગદાન અને ચક્ષુદાન જેવી માનવતાવાદી સેવા આપનાર વ્યક્તિ વિશેષોનું સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના બાળકો અને પોલીસ જવાનો દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા.

પોલીસના સાહસિક કરતબોએ મોહ્યા

કાર્યક્રમમાં પોલીસ ડોગ દ્વારા ગુનાશોધનની કામગીરીનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું. પોલીસ વિભાગના માઉન્ટેડ ઈવેન્ટ, ટેન્ટ પેગિંગ અને ઈન્ડેક્સ ફાઈલ ટેન્ટ પેગિંગના સાહસિક કરતબોએ ઉપસ્થિતોને આકર્ષ્યા હતા.

ઝઘડિયા તાલુકાના વિકાસ માટે રૂ.૨૫ લાખ

પ્રભારીમંત્રી પ્રફુલ પાનશેરીયાએ ભરૂચ જિલ્લાના વિકાસ માટે રૂ.૨૫ લાખનો ચેક ઝઘડિયા તાલુકા વિકાસ અધિકારીને અર્પણ કર્યો હતો. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગાન બાદ ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ વૃક્ષરથને લીલીઝંડી આપવામાં આવી હતી.

ઘન કચરા વ્યવસ્થાપન માટે રૂ.૨.૦૪ કરોડનાં સાધનો

દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે ઘન કચરા વ્યવસ્થાપન માટે રૂ.૨.૦૪ કરોડના ખર્ચે કુલ આઠ સેટ મિની જેસીબી મશીન અને ટ્રેક્ટર વિથ ટ્રોલીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભરૂચ અને અંકલેશ્વર તાલુકા પંચાયતને બે-બે, હાંસોટ અને જંબુસર તાલુકા પંચાયતને એક-એક તથા આમોદ અને જંબુસર નગરપાલિકાને એક-એક સેટ ફાળવવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ડીમ્પલબેન રાજ, ધારાસભ્યો રિતેશભાઈ વસાવા, રમેશ મિસ્ત્રી અને અરૂણસિંહ રણા, પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર નવનાથ ગવ્હાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સહિતના મહાનુભાવો, અધિકારીઓ, પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *