ગીરના ગૌરવ સમાન સિંહ બેલડીના અવિસ્મરણીય વારસાને જીવંત રાખવા અનોખી પહેલ; સિંહસદન અને દેવાળીયા સફારી પાર્ક ખાતે સ્મૃતિચિહ્ન સ્થાપિત
સાસણ ગીર
ગીરના જંગલમાં પોતાની નીડરતા, ભવ્યતા અને અતૂટ સાથ માટે જાણીતી દંતકથારૂપ સિંહ બેલડી ‘જય-વીરુ’ને અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં રાજ્યસભાના સાંસદ અને જાણીતા સિંહપ્રેમી પરિમલ નથવાણીએ સાસણ ગીર ખાતે સિંહસદન અને દેવાળીયા સફારી પાર્કમાં ‘જય-વીરુ’ને દર્શાવતા બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું હતું. આ પહેલનો હેતુ ગીરની મુલાકાતે આવતા પ્રવાસીઓ અને વન્યજીવન પ્રેમીઓને આ ઐતિહાસિક સિંહજોડીના ગૌરવશાળી વારસાથી પરિચિત કરાવવાનો છે.
સિંહપ્રેમમાંથી જન્મેલી ભાવનાત્મક પહેલ
આ પ્રસંગે વન સંરક્ષક (વાઇલ્ડલાઇફ સર્કલ, જૂનાગઢ) શ્રી રામ રતન નાલા તથા વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અનાવરણ બાદ પરિમલ નથવાણીએ જણાવ્યું કે, ગીરમાં અત્યાર સુધી થયેલી સૌથી ભવ્ય અને અવિભાજ્ય સિંહ બેલડીઓમાં ‘જય-વીરુ’નું સ્થાન વિશિષ્ટ રહ્યું છે. તેઓ માત્ર ગીરના સિંહો નહોતા, પરંતુ સમગ્ર ગીરનું ગૌરવ હતા. આ સ્મૃતિચિહ્ન દ્વારા તેમની યાદને ચિરંજીવ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
નામકરણ સાથે જોડાયેલી વ્યક્તિગત લાગણી
પરિમલ નથવાણીએ જણાવ્યું કે ‘જય-વીરુ’ સાથે તેમનો સંબંધ માત્ર એક સિંહપ્રેમીનો નહોતો. તેમણે વન વિભાગના અધિકારીઓ સાથે મળીને આ સિંહજોડીનું નામકરણ કરવામાં પણ સક્રિય ભૂમિકા ભજવી હતી. તેથી આ શ્રદ્ધાંજલિ તેમના માટે અત્યંત ભાવનાત્મક અને વ્યક્તિગત મહત્વ ધરાવે છે.
ગીરના જંગલના અદ્વિતીય શાસકો
‘જય’ અને ‘વીરુ’એ વર્ષો સુધી ગીરના માલણકા, કેનેડીપુર, નતાડિયા, ઇટાડી અને લિમદ્રા સહિતના વિસ્તારોમાં પ્રભુત્વ જમાવ્યું હતું. બંને સિંહો વચ્ચે ક્યારેક નાના-મોટા સંઘર્ષ થયા હોવા છતાં તેમનું પરસ્પરનું બંધન ક્યારેય નબળું પડ્યું નહોતું. તેઓ હંમેશાં સાથે રહેતા અને પોતાના વિસ્તારની રક્ષા માટે સંયુક્ત રીતે લડતા હોવાથી વન્યજીવન પ્રેમીઓમાં તેમની જોડી એક દંતકથા બની ગઈ હતી.
અથડામણમાં અંત, પરંતુ યાદોમાં અમર
ગયા વર્ષે પોતાના વિસ્તારની રક્ષા દરમિયાન અન્ય સિંહો સાથે થયેલી અથડામણમાં ‘જય-વીરુ’નું દુઃખદ અવસાન થયું હતું. 7 ઓગસ્ટ, 2025ના રોજ બંનેના અવસાન બાદ પરિમલ નથવાણીએ તેમની સ્મૃતિમાં ‘જય-વીરુની જોડી’ નામનું લોકશૈલીનું ભાવસભર ગાયન અને ‘જય-વીરુની અમર ગાથા’ નામની દસ્તાવેજી ફિલ્મ રજૂ કરી હતી. આ બંને સર્જનોમાં તેમની મિત્રતા, શૌર્ય અને અવિસ્મરણીય વારસાને જીવંત રીતે રજૂ કરવામાં આવ્યા હતા.
‘શોલે’ના જય-વીરુ જેવી અમર જોડીને ગીરની સલામી
બોલિવૂડની લોકપ્રિય ફિલ્મ શોલેના અમર પાત્રો ‘જય’ અને ‘વીરુ’ની યાદ અપાવતી આ સિંહજોડીએ વાસ્તવિક જીવનમાં પણ મિત્રતા અને સાથનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ગીરના ટ્રેકર્સ અને વન્યજીવન રસિકો આજે પણ તેમના અસંખ્ય સાહસો અને શૌર્યની કથાઓ ગૌરવપૂર્વક વર્ણવે છે. હવે સાસણ ગીર ખાતે સ્થાપિત બેકલાઇટ બોર્ડ દ્વારા ‘જય-વીરુ’ની ગાથા નવી પેઢીના પ્રવાસીઓ સુધી પણ પહોંચશે અને ગીરના ગૌરવ સમાન આ દંતકથારૂપ સિંહ બેલડીની યાદને લાંબા સમય સુધી જીવંત રાખશે.
