19 વર્ષ જૂનો ફોટો ફરી થયો વાયરલ; બાળપણની યાદો બાદ હવે મેદાનમાં સ્પેન-આર્જેન્ટિના વચ્ચે ખિતાબી ટક્કર
નવી દિલ્હી
ફિફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલ પહેલાં ફૂટબોલ જગતમાં એક 19 વર્ષ જૂનો ફોટો ફરીથી ચર્ચામાં આવ્યો છે. આ ફોટોમાં આર્જેન્ટિનાના મહાન ખેલાડી લિયોનેલ મેસ્સી પાંચ મહિનાના બાળકને બાથટબમાં નવડાવતા જોવા મળે છે. આશ્ચર્યજનક વાત એ છે કે તે બાળક આજે સ્પેનનો સ્ટાર ફૂટબોલર લામિન યમાલ છે. હવે બંને ખેલાડીઓ વર્લ્ડ કપની ફાઇનલમાં આમને-સામને ટક્કર આપવા જઈ રહ્યા છે.
આર્જેન્ટિના સામે સ્પેનની ખિતાબી ટક્કર
ફિફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાનો મુકાબલો સ્પેન સાથે થશે. સ્પેને સેમિફાઇનલમાં ફ્રાન્સને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે આર્જેન્ટિનાએ ઇંગ્લેન્ડને પરાજય આપીને સતત બીજી વખત ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. આ ઐતિહાસિક મુકાબલા પહેલાં મેસ્સી અને યમાલનો જૂનો ફોટો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.
પાંચ મહિનાના યમાલને મેસ્સીએ નવડાવ્યો હતો
વાયરલ તસવીર તે સમયની છે જ્યારે લામિન યમાલ માત્ર પાંચ મહિનાના હતા અને લિયોનેલ મેસ્સીની ઉંમર લગભગ 20 વર્ષની હતી. તસવીરમાં મેસ્સી પ્લાસ્ટિકના બાથટબમાં યમાલને નવડાવતા જોવા મળે છે. આ ફોટો પ્રથમ વખત 2024ની યુરો ચેમ્પિયનશિપ દરમિયાન યમાલના પિતાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને હવે વર્લ્ડ કપ ફાઇનલ પહેલાં ફરી ચર્ચામાં આવ્યો છે.
ફોટો પાછળની રસપ્રદ કહાની
આ તસવીર એસોસિયેટેડ પ્રેસ માટે ફ્રીલાન્સ ફોટોગ્રાફર જોન મોનફોર્ટે ખેંચી હતી. યુનિસેફ અને સ્થાનિક રમતગમત અખબાર ‘ડાયરિયો સ્પોર્ટ’ દ્વારા આયોજિત ચેરિટી કાર્યક્રમ અંતર્ગત બાર્સેલોનાના ખેલાડીઓ સાથે ફોટોશૂટ માટે સ્થાનિક પરિવારોની પસંદગી કરવામાં આવી હતી. ડ્રોમાં યમાલના પરિવારની પસંદગી થતાં તેમને મેસ્સી સાથે ફોટોશૂટ કરવાની તક મળી હતી.
ફોટોગ્રાફરે યાદો તાજી કરી
ફોટોગ્રાફર જોન મોનફોર્ટના જણાવ્યા અનુસાર, મેસ્સી સ્વભાવથી ખૂબ શરમાળ હતા. ડ્રેસિંગ રૂમમાંથી બહાર આવ્યા બાદ તેમને અચાનક એક બાળકને બાથટબમાં નવડાવવાનું કહેવામાં આવ્યું હતું. શરૂઆતમાં તેઓ થોડા સંકોચાયા હતા, કારણ કે બાળકને કેવી રીતે પકડવું તેની પણ તેમને ખાસ જાણ નહોતી. તેમ છતાં આ ક્ષણ કેમેરામાં કેદ થઈ ગઈ અને આજે તે ફૂટબોલ ઇતિહાસની સૌથી યાદગાર તસવીરોમાં સામેલ છે.
મેસ્સીની નંબર-10 જર્સી હવે યમાલ પાસે
લિયોનેલ મેસ્સી 2020-21 સીઝન સુધી બાર્સેલોના માટે નંબર-10 જર્સી પહેરીને રમ્યા હતા. વર્ષ 2023માં લામિન યમાલે બાર્સેલોના માટે ડેબ્યૂ કર્યું અને હાલમાં તેઓ પણ ક્લબ માટે નંબર-10 જર્સી પહેરે છે. આ કારણે બંને વચ્ચેનો આ સંબંધ વધુ ખાસ માનવામાં આવે છે.
યમાલના આદર્શ નેમાર, પરંતુ મેસ્સી સર્વશ્રેષ્ઠ
લામિન યમાલે અનેક પ્રસંગે જણાવ્યું છે કે તેમના આદર્શ બ્રાઝિલના સ્ટાર નેમાર જુનિયર છે. જોકે તેમણે એ પણ સ્વીકાર્યું છે કે લિયોનેલ મેસ્સી ફૂટબોલ ઇતિહાસના સર્વશ્રેષ્ઠ ખેલાડી છે. હવે પોતાના જ બાળપણના ફોટોમાં જોવા મળેલા મેસ્સી સામે વિશ્વ કપની ફાઇનલ રમવાની તક યમાલ માટે ઐતિહાસિક ક્ષણ બની છે.
સ્પેન માટે લકી ચાર્મ બન્યો યમાલ
માત્ર 19 વર્ષની ઉંમરે લામિન યમાલ સ્પેનની ટીમના સૌથી મહત્વના ખેલાડીઓમાં સામેલ થઈ ગયા છે. યુરો કપ અને ફિફા વર્લ્ડ કપમાં તેઓ સ્ટાર્ટિંગ ઇલેવનમાં રહ્યા હોય એવા તમામ 12 મુકાબલામાં સ્પેને જીત મેળવી છે. હવે ફાઇનલમાં પણ સ્પેનને તેમની પાસેથી નિર્ણાયક પ્રદર્શનની અપેક્ષા રહેશે.
