પ્રથમ બે વર્લ્ડ કપ વિજેતા ટીમના બોર્ડને ભારે નુકસાન બાદ નાણાકીય સહાય; ICCની વાર્ષિક બેઠકમાં મોટા નિર્ણયો
નવી દિલ્હી
એક સમય એવો હતો જ્યારે વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમનું નામ સાંભળતા જ વિશ્વની મોટી ટીમો પણ ગભરાઈ જતી હતી. સતત પ્રથમ બે ICC વર્લ્ડ કપ જીતનાર કેરેબિયન ટીમ આજે ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહી છે. ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝ (CWI)ને પોતાના વહીવટ અને વધતા નાણાકીય નુકસાનને પહોંચી વળવા માટે ICC પાસેથી 12.82 મિલિયન અમેરિકન ડોલર (અંદાજે ₹123 કરોડથી વધુ)ની લોન લેવી પડી છે.
ICCએ આપી મોટી નાણાકીય રાહત
સ્કોટલેન્ડના એડિનબર્ગમાં યોજાયેલી ICCની વાર્ષિક બેઠક બાદ ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝને આ લોન મંજૂર કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી બોર્ડ સતત નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું હતું. પૂર્વ ખેલાડીઓ દ્વારા પણ બોર્ડની આર્થિક સ્થિતિ અંગે અનેક વખત ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી, જેના પગલે CWIએ ICC પાસે સત્તાવાર રીતે નાણાકીય સહાય માગી હતી.
ભારે નુકસાનથી બોર્ડ પર સંકટ
ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝના ઓડિટેડ નાણાકીય અહેવાલ મુજબ 30 સપ્ટેમ્બર 2025એ પૂર્ણ થયેલા વર્ષમાં બોર્ડને 28 મિલિયન ડોલરનું નુકસાન થયું હતું. તેની સરખામણીએ અગાઉના વર્ષે બોર્ડને 24 મિલિયન ડોલરનો નફો થયો હતો. ઉપરાંત 2026ના નાણાકીય ચક્રમાં પણ આશરે 26 મિલિયન ડોલરના વધારાના નુકસાનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ નાણાકીય ખાધને દૂર કરવા માટે બોર્ડ ICC લોન અને બેંકિંગ ક્રેડિટની શોધમાં હતું.
આ પહેલાં પણ મળી હતી મદદ
વેસ્ટ ઇન્ડીઝને આ પ્રકારની નાણાકીય મદદ પહેલીવાર મળી નથી. વર્ષ 2012માં ICCએ વેસ્ટ ઇન્ડીઝ અને ઝિમ્બાબ્વેને પણ આર્થિક સહાય આપી હતી. ત્યારબાદ 2020માં કોરોના મહામારી દરમિયાન ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે વેસ્ટ ઇન્ડીઝને 3 મિલિયન ડોલરની લોન આપી હતી, જે બાદમાં પરત કરવામાં આવી હતી.
ICCમાં મોરિશસને નવી સભ્યતા
ICCની બેઠક દરમિયાન વૈશ્વિક ક્રિકેટને લઈને અનેક મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા. મોરિશસને ICCના 111મા સભ્ય દેશ તરીકે માન્યતા આપવામાં આવી છે. હવે ICCમાં કુલ 12 પૂર્ણ સભ્ય અને 98 એસોસિયેટ સભ્યો છે. કેનેડા ક્રિકેટ બોર્ડ પર લાગેલું સસ્પેન્શન દૂર કરવા માટેની શરતોને પણ મંજૂરી આપવામાં આવી છે.
શ્રીલંકા અને ફ્રાન્સ અંગે મહત્વના નિર્ણયો
ICCએ જણાવ્યું છે કે શ્રીલંકા ક્રિકેટનું સુધારેલ બંધારણ અને નવા ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી શ્રીલંકાને ICC બોર્ડની બેઠકોમાં પ્રતિનિધિત્વ નહીં મળે. બીજી તરફ સભ્યપદના નિયમોના ભંગ બદલ ફ્રાન્સ ક્રિકેટને ICC દ્વારા નોટિસ પર રાખવામાં આવ્યું છે.
ICCએ રચી બે નવી ઉપસમિતિઓ
ક્રિકેટના વહીવટી અને લીગ સુધારાઓને ધ્યાનમાં રાખીને ICCએ બે નવી ઉપસમિતિઓની રચના કરી છે. તેમાં BCCIના દેવજીત સૈકિયા, ક્રિકેટ સાઉથ આફ્રિકાના ડૉ. મહમ્મદ મૂસાજી અને ICCના ડિરેક્ટર ડૉ. રોસ રિવાજનો સમાવેશ કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન તમીમ ઇકબાલને આ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સમિતિમાં નામીબિયાના ડૉ. રૂડી વાન વુરેન, ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના રિચર્ડ ગોલ્ડ અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ટોડ ગ્રીનબર્ગ પણ સામેલ છે.
