સોનમ વાંગચુકની ભૂખ હડતાળનો 19મો દિવસ: વજન 9 કિલોથી વધુ ઘટ્યું, દિલ્હી હાઈકોર્ટે સરકારી ડોક્ટરોને નિયમિત તપાસ કરવા અને જરૂર પડ્યે યોગ્ય પગલાં લેવા નિર્દેશ આપ્યા
નવી દિલ્હી:
લદ્દાખને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે છેલ્લા 19 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા જાણીતા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના સ્વાસ્થ્યને લઈને દિલ્હી હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. એક જનહિત અરજી પર સુનાવણી કરતા દિલ્હી હાઈકોર્ટે મહત્વનો આદેશ આપતા કહ્યું છે કે દેશના દરેક નાગરિકનું જીવન કિંમતી છે. અદાલતે સરકારને આદેશ આપ્યો છે કે સરકારી ડોક્ટરોની ટીમ દ્વારા સોનમ વાંગચુકના સ્વાસ્થ્યની નિયમિત તપાસ કરવામાં આવે અને તબીબોની સલાહ અનુસાર જરૂર પડ્યે યોગ્ય તબીબી હસ્તક્ષેપ કરવામાં આવે.
સોલિસિટર જનરલના આશ્વાસન બાદ હાઈકોર્ટે અરજીનો નિકાલ કર્યો
દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને ન્યાયમૂર્તિ તેજસ કરિયાની ખંડપીઠ સમક્ષ આ મામલાની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન કેન્દ્ર અને દિલ્હી સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર થયા હતા. અદાલતે જ્યારે પૂછ્યું કે શું સરકારી ડોક્ટરો વાંગચુકના સ્વાસ્થ્યની તપાસ કરી રહ્યા છે? ત્યારે સોલિસિટર જનરલે જણાવ્યું કે, અત્યાર સુધી સોનમ વાંગચુક તરફથી પરવાનગી ન મળવાને કારણે સરકારી તબીબો તપાસ કરી શક્યા ન હતા, પરંતુ હવે જ્યારે પણ મંજૂરી મળશે ત્યારે સરકારી ડોક્ટરો તેમની નિયમિત તપાસ શરૂ કરી દેશે.
તુષાર મહેતાએ કોર્ટને ખાતરી આપી હતી કે સરકારી ચિકિત્સકોની ટીમ સોનમ વાંગચુકના સ્વાસ્થ્ય પર સતત નજર રાખશે અને તબીબી જરૂરિયાત ઊભી થવા પર યોગ્ય પગલાં લેશે. સોલિસિટર જનરલના આ આશ્વાસનથી સંતુષ્ટ થઈને હાઈકોર્ટે ટિપ્પણી કરી કે, “દરેક નાગરિકનું જીવન અમૂલ્ય છે. કોઈ પણ વ્યક્તિને આ પ્રકારે પોતાના જીવનનો અંત લાવતા જોઈ શકાય નહીં.” આ સાથે જ કોર્ટે આ જનહિત અરજીનો નિકાલ કર્યો હતો.
કેવું છે સોનમ વાંગચુકનું સ્વાસ્થ્ય? વજનમાં મોટો ઘટાડો
લાંબા સમયથી ચાલી રહેલી ભૂખ હડતાળના કારણે સોનમ વાંગચુકના સ્વાસ્થ્યમાં ભારે નબળાઈ જોવા મળી રહી છે. 19 દિવસના ઉપવાસના કારણે તેમનું વજન 9 કિલોગ્રામથી વધુ ઘટી ગયું છે. તેમના સ્વાસ્થ્યની દેખરેખ રાખી રહેલા ડોક્ટર સતીશ લાંબાએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે, સતત ઉપવાસના કારણે વાંગચુકનું બ્લડ શુગર લેવલ સતત ઘટી રહ્યું છે, જે સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. જો કે, આટલી નબળાઈ છતાં સોનમ વાંગચુક માનસિક રીતે ખૂબ જ સક્રિય છે. ડોક્ટરોની ટીમે તેમને અગાઉ પણ ઘણી વખત ભૂખ હડતાળ પૂરી કરવા વિનંતી કરી છે, પરંતુ તેઓ પોતાની માંગ પર અડગ છે.
સોનમ વાંગચુકે વીડિયો શેર કરીને કરી અપીલ
પોતાની માંગણીઓ પર સરકાર તરફથી કોઈ સકારાત્મક કાર્યવાહી ન થવા સુધી ભૂખ હડતાળ ચાલુ રાખવાની જાહેરાત કરતા સોનમ વાંગચુકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો સંદેશમાં તેમણે દેશવાસીઓને મોટી અપીલ કરી છે. તેમણે પોતાના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપતા કહ્યું કે, અત્યારે તેમની સ્થિતિ બહુ સારી પણ નથી અને બહુ ખરાબ પણ નથી. ડોક્ટરોની ટીમ ટૂંક સમયમાં ફરી એકવાર તેમના સ્વાસ્થ્યની તપાસ કરશે.
