ગાંધીધામમાં શરૂ થયેલી ત્રણ દિવસીય સ્પર્ધામાં મેન્સ, અંડર-19 અને અંડર-15 ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ખેલાડીઓનું પ્રભુત્વ; 2.90 લાખના ઇનામો માટે જામશે જંગ
ગાંધીધામ
ગાંધીધામના સ્વ. એમ.પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે ડીપીએ બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ-2026નો ભવ્ય પ્રારંભ થયો છે. 17થી 19 જુલાઈ દરમિયાન યોજાનારી આ રાજ્યસ્તરીય સ્પર્ધાના પ્રથમ દિવસે મેન્સ ક્વોલિફાઈંગ રાઉન્ડમાં રાજકોટના ચિંતન ઓઝા, અમદાવાદના હિમાંશ દહિયા અને રાજકોટના હેત ઠાકરે એકતરફી જીત સાથે મેઇન ડ્રો તરફ મજબૂત દાવેદારી નોંધાવી હતી.
મેન્સ ક્વોલિફાઈંગમાં ચિંતન, હિમાંશ અને હેતનો દબદબો
પ્રથમ દિવસની મેન્સ ક્વોલિફાઈંગ મેચોમાં અનેક મુકાબલા એકતરફી રહ્યા હતા. રાજકોટના અનુભવી ખેલાડી ચિંતન ઓઝાએ વલસાડના મુર્તુઝા રંગવાલાને સીધી 3-0થી હરાવી પોતાની શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કર્યું હતું. અમદાવાદના હિમાંશ દહિયાએ ભાવનગરના પ્રથમ બચાણીને 12-10, 11-2 અને 11-4ના સ્કોરથી હરાવ્યો હતો. રાજકોટના હેત ઠાકરે પણ ભાવનગરના કહાન ગોહેલ સામે 3-0થી જીત મેળવી હતી. સુરતના રિયાન શાહે રાજકોટના પવન દેત્રોજાને સીધી ગેમમાં હરાવી આગામી રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.
અંડર-19માં યુવા ખેલાડીઓની શાનદાર શરૂઆત
અંડર-19 બોયઝ ક્વોલિફાઈંગ રાઉન્ડમાં પણ યુવા ખેલાડીઓએ પોતાની પ્રતિભા દર્શાવી હતી. ભાવનગરના સાગર મકવાણા, સૌમ્ય દેસાણી, કચ્છના આરવ સિંઘવી અને સુરતના અનય બચાવતે જીત મેળવી આગળ વધ્યા હતા. ખાસ કરીને સૌમ્ય દેસાણીએ પાંચ ગેમ સુધી ખેંચાયેલા રોમાંચક મુકાબલામાં શિવમ દાધણીયાને હરાવી પોતાની લડાયક ક્ષમતાનો પરિચય આપ્યો હતો.
અંડર-15માં જય, નિહાન અને નક્શનો વિજય
અંડર-15 બોયઝ ક્વોલિફાઈંગમાં સુરતના જય મુન્દાદા અને નિહાન લિંબાચીયાએ સીધી ગેમમાં જીત મેળવી હતી. અમદાવાદના નક્શ પટેલે વડોદરાના રક્શ મેહુલ સિંઘવી સામે સરળ જીત નોંધાવી હતી. કચ્છના પૂન્ય મહેતાએ પ્રથમ ગેમ ગુમાવ્યા બાદ શાનદાર વાપસી કરતાં ભાવનગરના ક્રિષ્ણા જેઠવાને 3-1થી હરાવી આગામી રાઉન્ડમાં સ્થાન મેળવ્યું હતું.
મેઇન ડ્રોમાં મોખરાના ખેલાડીઓની એન્ટ્રી
મેન્સ કેટેગરીમાં જયનિલ મહેતા, પ્રથમ માદલાણી, જન્મેજય પટેલ અને નુતાંશુ દયામા જેવા ટોચના સીડેડ ખેલાડીઓ સીધા મેઇન ડ્રોમાં પોતાની ઝુંબેશ શરૂ કરશે. જ્યારે અંડર-19માં જન્મેજય પટેલ, વેદ પંચાલ, હિમાંશ દહિયા અને માલવ પંચાલ પર સૌની નજર રહેશે. અંડર-15માં અનય બચાવત, ધ્રુવ ભાંબાણી, રિયાન શાહ અને રાજવીર માધવાણી ટોચના ચાર ક્રમાંકિત ખેલાડીઓ તરીકે રમી રહ્યા છે.
2.90 લાખના ઇનામો માટે ત્રણ દિવસીય સ્પર્ધા
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટમાં કુલ રૂ. 2.90 લાખના રોકડ પુરસ્કારો ઉપરાંત વિજેતા ખેલાડીઓને વિશેષ ગિફ્ટ પણ એનાયત કરવામાં આવશે.
