રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના Q1 FY27 પરિણામો: આવકમાં 24.5%નો ઉછાળો, જિયોની EBITDA અને સબસ્ક્રાઇબર બંનેએ બનાવ્યા નવા રેકોર્ડ

Spread the love

₹3.40 લાખ કરોડથી વધુની આવક, ₹23,196 કરોડનો વિક્રમી નફો; જિયો IPO તરફ મહત્વનું પગલું, રિટેલ અને O2C બિઝનેસે પણ દર્શાવી મજબૂત વૃદ્ધિ

મુંબઈ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)એ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક (30 જૂન, 2026ના રોજ પૂર્ણ થયેલા) પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ આવક, EBITDA અને નફામાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી છે. જિયો પ્લેટફોર્મ્સ, રિલાયન્સ રિટેલ અને ઓઈલ-ટુ-કેમિકલ્સ (O2C) સહિતના તમામ મુખ્ય બિઝનેસે મજબૂત પ્રદર્શન કરતાં કંપનીએ વિક્રમી નાણાકીય પરિણામો હાંસલ કર્યા છે.

કન્સોલિડેટેડ પરિણામોમાં નોંધપાત્ર વૃદ્ધિ

રિલાયન્સનું કન્સોલિડેટેડ રેવન્યુ વર્ષદર વર્ષ (Y-o-Y) 24.5 ટકા વધીને ₹3,40,257 કરોડ પર પહોંચ્યું છે. રિકરિંગ EBITDA 10.1 ટકા વધીને વિક્રમી ₹54,067 કરોડ થયું છે, જ્યારે રિકરિંગ PAT (કર બાદનો નફો) 6.1 ટકા વધીને ₹23,196 કરોડના નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે.

જિયોએ જાળવી રાખી મજબૂત વૃદ્ધિ

જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ (JPL)એ પ્રથમ ત્રિમાસિકમાં ₹45,961 કરોડનું રેવન્યુ નોંધાવ્યું, જે વર્ષદર વર્ષ 12 ટકા વધુ છે. કંપનીનું EBITDA 15.1 ટકા વધીને ₹20,865 કરોડના વિક્રમી સ્તરે પહોંચ્યું છે. EBITDA માર્જિન પણ 53.3 ટકા રહ્યો, જે ગયા વર્ષની સરખામણીએ 150 બેસિસ પોઈન્ટ્સ વધુ છે.

જિયોના કુલ સબસ્ક્રાઇબરની સંખ્યા 533 મિલિયનને પાર પહોંચી છે, જેમાંથી 285 મિલિયન ગ્રાહકો Jio True5G સેવા સાથે જોડાયેલા છે. કંપનીના ડેટા ટ્રાફિકમાં પણ 26.9 ટકાનો વધારો નોંધાયો છે અને તે 69 એક્સાબાઈટ સુધી પહોંચ્યો છે.

જિયો IPO તરફ આગળ વધ્યું

ત્રિમાસિક દરમિયાન જિયો પ્લેટફોર્મ્સે સેબી સમક્ષ DRHP દાખલ કર્યું છે, જે તેના પ્રસ્તાવિત IPO માટેનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. કંપનીનું કહેવું છે કે આ IPO દ્વારા રોકાણકારોને ભારતની ડિજિટલ ગ્રોથ સ્ટોરીમાં ભાગીદાર બનવાની તક મળશે.

રિલાયન્સ રિટેલનો ગ્રાહક આધાર વધ્યો

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)નું ત્રિમાસિક રેવન્યુ ₹90,408 કરોડ રહ્યું, જે વર્ષદર વર્ષ 7.4 ટકા વધુ છે. કંપનીના નોંધાયેલા ગ્રાહકોની સંખ્યા 39.6 કરોડને વટાવી ગઈ છે, જ્યારે કુલ ટ્રાન્ઝેક્શન 56.8 કરોડ રહ્યા, જેમાં 46 ટકા વૃદ્ધિ નોંધાઈ છે.

O2C બિઝનેસે પણ નોંધાવ્યો રેકોર્ડ દેખાવ

ઓઈલ ટુ કેમિકલ્સ (O2C) સેગમેન્ટે ₹2,01,803 કરોડનું રેકોર્ડ રેવન્યુ નોંધાવ્યું, જે વર્ષદર વર્ષ 30.4 ટકા વધુ છે. EBITDA પણ 17.2 ટકા વધીને ₹17,010 કરોડ પર પહોંચ્યું છે. જિયો-બીપીનું દેશભરમાં 2,221 ફ્યુઅલ રિટેલ આઉટલેટ્સનું નેટવર્ક કાર્યરત છે.

મુકેશ અંબાણી: વૈવિધ્યસભર બિઝનેસ મોડલે સાબિત કરી મજબૂતી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ ડી. અંબાણીએ જણાવ્યું કે વૈશ્વિક ભૂરાજકીય તણાવ અને કોમોડિટી બજારની અસ્થિરતા વચ્ચે પણ કંપનીના વિવિધ બિઝનેસે મજબૂત કામગીરી દર્શાવી છે. તેમણે કહ્યું કે જિયો IPO અને ન્યૂ એનર્જી પ્રોજેક્ટ્સ આગામી સમયમાં કંપની માટે મૂલ્ય સર્જનના નવા દ્વાર ખોલશે.

આકાશ અંબાણી: જિયો ડીપ ટેક કંપની તરીકે ઉભરી રહ્યું છે

જિયો પ્લેટફોર્મ્સના મેનેજિંગ ડિરેક્ટર આકાશ અંબાણીએ જણાવ્યું કે જિયોએ ડીપ ટેક કંપની તરીકે પોતાની ઓળખ મજબૂત બનાવી છે અને વૈશ્વિક સ્તરે તેના પેટન્ટ અને નવીનતાને માન્યતા મળી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કંપની ભારતમાં અને વૈશ્વિક સ્તરે ડિજિટલ સેવાઓને વધુ સુલભ બનાવવાનું કાર્ય ચાલુ રાખશે.

ઈશા અને અનંત અંબાણીએ વ્યક્ત કર્યો વિશ્વાસ

રિલાયન્સ રિટેલની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઈશા અંબાણીએ જણાવ્યું કે ડિજિટલ કોમર્સ અને ઓમ્ની-ચેનલ ક્ષમતાના આધારે કંપની વધુ ઝડપથી વિકાસ કરી રહી છે. જ્યારે અનંત અંબાણીએ જણાવ્યું કે વૈશ્વિક ઊર્જા બજારમાં પડકારો છતાં O2C બિઝનેસે મજબૂત પરિણામો આપ્યા છે અને ન્યૂ એનર્જી ક્ષેત્રમાં પણ કંપનીની સંભાવનાઓ ઉજ્જવળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *