મુંબઈ
શ્રાાવણ મહિનાની પંચમી એટલે કે નાગપંચમીના પાવન અવસરે દેશભરમાં તહેવારની ઉજવણી કરવામાં આવી રહી હતી, ત્યારે જ બોલિવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાનના મુંબઈ સ્થિત પ્રખ્યાત બંગલા ‘મન્નત’માંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા. નાગપંચમીની રાત્રે શાહરૂખ ખાનના ઘરના પરિસરમાં સાપ જોવા મળતા ભારે હલચલ મચી ગઈ હતી.
‘મન્નત’ના આંગણામાં સીડીઓ નીચે કુંડળી મારીને બેઠો હતો સાપ
સોમવારે રાત્રે આ લગભગ 8 વાગ્યાની આસપાસની ઘટના છે. બાન્દ્રા વેસ્ટમાં આવેલા શાહરૂખ ખાનના બંગલા ‘મન્નત’ના પરિસરમાં બે સાપ નજરે પડ્યા હતા. આ અંગેની જાણ થતાં જ તાત્કાલિક સાપ રેસ્ક્યુ કરનાર નિષ્ણાત વિક્કી દુબેને બોલાવવામાં આવ્યા હતા. વિક્કી દુબેએ ઘટનાની ગંભીરતા સમજીને વન વિભાગના રાઉન્ડ ઓફિસર દીપક દાદા ગાયકવાડ અને મુંબઈ રેન્જ ઓફિસ, થાણેના કંટ્રોલ રૂમને આ બાબતની સત્તાવાર માહિતી આપી હતી અને ત્યારબાદ તેઓ તાત્કાલિક મન્નત પહોંચ્યા હતા.
લગભગ 8 ફૂટ લાંબો હતો સાપ, વન વિભાગે સુરક્ષિત રીતે પકડ્યો
રિપોર્ટ્સ મુજબ, મન્નતની અંદર આંગણામાં સીડીઓની બરાબર નીચે એક સાપ કુંડળી વાળીને બેઠો હતો. આશરે 8 ફૂટ લાંબો દેખાતો આ સાપ ડરામણો જરૂર લાગતો હતો, પરંતુ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તે ‘ધામણ’ એટલે કે ઇન્ડિયન રેટ સ્નેક (Indian Rat Snake) હતો, જે બિલકુલ ઝેરી હોતો નથી. રેસ્ક્યુ ટીમ દ્વારા ખૂબ જ સાવચેતીપૂર્વક આ સાપને પકડી લેવામાં આવ્યો અને વન વિભાગની સૂચના મુજબ તેને સુરક્ષિત રીતે નજીકના જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો. આ દરમિયાન ત્યાં હાજર લોકોને પણ સાપ અંગે સમજ આપવામાં આવી હતી કે તેનાથી ઘબરાવાની કોઈ જરૂર નથી.
બીજો સાપ ભાગી છૂટ્યો, લોકોએ લીધી મજા
આ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન સ્થળ પરથી બીજો સાપ ભાગવામાં સફળ રહ્યો હતો અને તે મન્નત પરિસરમાંથી બહાર નીકળી ગયો હતો. ઘણી શોધખોળ કરવા છતાં તે હાથ લાગ્યો ન હતો. સોશિયલ મીડિયા પર આ સમાચાર વાયરલ થતાં જ લોકોએ અનેક પ્રકારની રમુજી કોમેન્ટ્સ કરી હતી. કેટલાક યુઝર્સે હસતા હસતા કહ્યું કે, “લાગે છે આ સાપ પણ શાહરૂખ ખાનનો મોટો ફેન હશે.” અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા આ વર્ષની શરૂઆતમાં સલમાન ખાનના બાન્દ્રા સ્થિત ગેલેક્સી અપાર્ટમેન્ટમાંથી પણ એક સાપનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘કિંગ’
આ ઘટનાની સાથે શાહરૂખ ખાનના વર્કફ્રન્ટની ચર્ચા કરીએ તો, તે હાલમાં પોતાની આગામી એક્શન ફિલ્મ ‘કિંગ’ને લઈને ભારે ચર્ચામાં છે. આ ફિલ્મની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં તેમની લાડલી પુત્રી સુહાના ખાન પણ મોટા પડદે ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં શાહરૂખ અને સુહાના ઉપરાંત દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન, અરશદ વારસી, રાઘવ જુયાલ અને જયદીપ અહલાવત જેવા દિગ્ગજ કલાકારો પણ મહત્વની ભૂમિકાઓમાં નજરે પડશે.
