ડુપ્લિકેટ ‘રોયલ સ્ટેગ’ના સેવનથી દુર્ઘટના; 4 બુટલેગર ઝડપાયા, SPની અપીલ- દારૂ પીધો હોય તો તાત્કાલિક હોસ્પિટલમાં તપાસ કરાવો
ભાવનગર:
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખરકડી ગામમાં ડુપ્લિકેટ દારૂ પીવાના કારણે ગંભીર ઘટના સામે આવી છે. 16 ઓગસ્ટની રાત્રે વાડી વિસ્તારમાં યોજાયેલી દારૂની પાર્ટી બાદ અનેક લોકોની તબિયત લથડી હતી. બનાવમાં અત્યાર સુધીમાં ત્રણ વ્યક્તિઓનાં મોત થયા છે, જ્યારે કુલ 17 દર્દીઓ વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટનામાં બનાવટી ‘રોયલ સ્ટેગ’ દારૂના સેવનનો મામલો સામે આવ્યો છે.
ત્રણ વ્યક્તિઓનાં મોતથી ખળભળાટ
મૃતકોમાં ભાવનગરના તળાજા રોડના કાર્તિક અશ્વિનભાઈ મકવાણા (40), ખરકડીના ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલ (25) અને મધ્યપ્રદેશના ઈન્દોરના નરેન્દ્રસિંહ યાદવનો સમાવેશ થાય છે. જિલ્લા વહીવટી તંત્રના જણાવ્યા મુજબ, સિવિલ હોસ્પિટલમાં 8 અને વિવિધ ખાનગી હોસ્પિટલોમાં 9 મળીને કુલ 17 દર્દીઓ સારવાર હેઠળ છે. હાલ તેમની સ્થિતિ સામાન્ય હોવાનું જણાવાયું છે.
અમદાવાદમાં ઉચ્ચસ્તરીય બેઠક બાદ તપાસ SMCને સોંપાઈ
ઘટનાની ગંભીરતાને પગલે રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે. 18 ઓગસ્ટની મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર રાજ્યના નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્ય પોલીસ વડા જી. એસ. મલિક, આઈબીના વડા અને અમદાવાદ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. સમગ્ર કેસની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ને સોંપવામાં આવી છે અને SMCના એસપી મયુર ચાવડાને ભાવનગર મોકલવામાં આવ્યા છે.
ચાર બુટલેગર ડિટેઈન, 90 ટકા જથ્થો રિકવર
પોલીસે ડુપ્લિકેટ દારૂ સપ્લાય કરવાના આરોપસર ગૌતમ સોલંકી સહિત ચાર બુટલેગરોને ડિટેઈન કર્યા છે. જિલ્લા પોલીસવડા મુજબ, છેલ્લા ત્રણથી ચાર દિવસ દરમિયાન આ ડુપ્લિકેટ દારૂ વરતેજ પોલીસ મથક વિસ્તાર તથા ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં પહોંચાડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં આશરે 90 ટકા જથ્થો રિકવર કરવામાં આવ્યો છે, જ્યારે બાકીનો જથ્થો કોને વેચાયો હતો તેની તપાસ ચાલી રહી છે.
દારૂ ક્યાંથી આવ્યો તેની તપાસ તેજ
પોલીસ હવે ડુપ્લિકેટ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને તેના પાછળ કોણ જવાબદાર છે તે દિશામાં તપાસ કરી રહી છે. પોલીસ દ્વારા સપ્લાય ચેઇન સાથે સંકળાયેલા અન્ય લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. મૃતકના પરિવારજનોએ પણ દારૂમાં ઝેરી પદાર્થ હોવાની આશંકા વ્યક્ત કરી છે. મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ અને અન્ય તબીબી તપાસના રિપોર્ટ બાદ વધુ સ્પષ્ટ થશે.
શ્વાસ લેવામાં તકલીફ બાદ યુવકનું મોત
ખરકડી ગામમાં યોજાયેલી પાર્ટીમાં ઉપેન્દ્રસિંહ ગોહિલ સહિત ચાર યુવકોએ દારૂનું સેવન કર્યું હતું. ત્યારબાદ ઉપેન્દ્રસિંહને અચાનક શ્વાસ લેવામાં તકલીફ તેમજ ઊલટી-ઉબકા શરૂ થયા હતા. સ્થિતિ ગંભીર બનતાં તેમને ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
પોલીસની મહત્વની અપીલ
જિલ્લા પોલીસવડાએ ખાસ અપીલ કરી છે કે છેલ્લા કેટલાક દિવસોમાં ડુપ્લિકેટ દારૂનું સેવન કરનાર વ્યક્તિઓએ તબિયત સારી હોવા છતાં એક વખત તબીબી તપાસ કરાવવી જોઈએ. ખાસ કરીને શ્વાસ લેવામાં તકલીફ, ઊલટી, ઉબકા કે અન્ય અસામાન્ય લક્ષણો જણાય તો વિલંબ કર્યા વિના હોસ્પિટલમાં સારવાર લેવી જરૂરી છે. પોલીસ બાકી રહેલા ડુપ્લિકેટ દારૂના જથ્થાને શોધી રહી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
