વન્યજીવોની સારવાર અને સંરક્ષણ માટે નવી પહેલો: 10 ‘હોસ્પિટલ્સ ઑન વ્હીલ્સ’ અને વે કેમ્બાસ એલિફન્ટ હોસ્પિટલનું આધુનિકીકરણ
જકાર્તા
ઈન્ડોનેશિયાના વન મંત્રી રાજા જુલી અંતોનીએ જકાર્તામાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં દેશમાં વન્યજીવ આરોગ્ય અને કુદરતી પરિસ્થિતિમાં (In Situ) સંરક્ષણને મજબૂત બનાવવા માટેની મહત્વપૂર્ણ નવી પહેલોની જાહેરાત કરી છે. આ કાર્યક્રમને અનંત અંબાણી દ્વારા સ્થાપિત વન્યજીવ સંરક્ષણ સંસ્થા વાન્તારા (Vantara) અને ઈન્ડોનેશિયાની જાણીતી વન્યજીવ સંસ્થા PT Fauna Land Groupનો સહયોગ મળી રહ્યો છે.
સરકારની આગેવાની હેઠળ સંરક્ષણ માળખું મજબૂત બનશે
મંત્રી રાજા જુલી અંતોનીએ જણાવ્યું હતું કે વન્યજીવ સંરક્ષણ સૌની જવાબદારી છે અને ઈન્ડોનેશિયામાં વન્યજીવોની સંભાળ માટે જરૂરી સુવિધાઓ, નિષ્ણાત જ્ઞાન અને સંસાધનો ઉપલબ્ધ કરાવવાની જરૂર છે. આ ભાગીદારી દ્વારા દેશની પોતાની વન્યજીવ આરોગ્ય અને સંરક્ષણ વ્યવસ્થાને મજબૂત કરવામાં આવશે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ સહયોગ હેઠળની તમામ સુવિધાઓ અને કાર્યક્રમો ઈન્ડોનેશિયા સરકાર તથા સંબંધિત સત્તાધિકારીઓની માલિકી, સંચાલન અને વ્યવસ્થાપન હેઠળ રહેશે.
વાન્તારા આપશે નિષ્ણાતી અને ટેકનિકલ સહયોગ
વાન્તારાના CEO વિવાન કરાણીએ જણાવ્યું કે ઈન્ડોનેશિયાની સરકાર અને ભાગીદારો દ્વારા મળેલા વિશ્વાસ બદલ સંસ્થા આભારી છે. ઈન્ડોનેશિયા વિશ્વની અસાધારણ જૈવવિવિધતા ધરાવતા દેશોમાંનું એક છે અને આ કુદરતી વારસાના સંરક્ષણમાં યોગદાન આપવું ગૌરવની વાત છે. વાન્તારા વન્યજીવ આરોગ્ય, વેટરિનરી કેર, એનિમલ હસબન્ડરી અને સંરક્ષણ ક્ષેત્રે વિકસાવેલી નિષ્ણાતી ઈન્ડોનેશિયા સાથે વહેંચશે.
હાથી સંભાળ માટે વિશેષ તાલીમ કાર્યક્રમ
આ ભાગીદારી હેઠળ ઈન્ડોનેશિયામાં હાથીઓના કેરટેકર્સ, પશુચિકિત્સકો અને વન્યજીવ વ્યવસ્થાપન સાથે સંકળાયેલા અધિકારીઓ માટે ક્ષમતાવર્ધન તાલીમ યોજાશે. આ તાલીમનો હેતુ વન્યજીવોની સારવાર, સંભાળ અને વ્યવસ્થાપન માટે સ્થાનિક સ્તરે નિષ્ણાત માનવબળ તૈયાર કરવાનો છે.
10 ‘હોસ્પિટલ્સ ઑન વ્હીલ્સ’ની મોટી પહેલ
વન્યજીવો સુધી સારવારની સુવિધા પહોંચાડવા માટે 10 ‘હોસ્પિટલ્સ ઑન વ્હીલ્સ’ શરૂ કરવાની યોજના છે. આ મોબાઇલ હોસ્પિટલો ઈન્ડોનેશિયાના વિવિધ વિસ્તારોમાં કુદરતી પરિસ્થિતિમાં રહેતા વન્યજીવોની સારવાર અને તબીબી જરૂરિયાતોને પહોંચી વળવામાં મદદરૂપ બનશે.
વે કેમ્બાસ એલિફન્ટ હોસ્પિટલનું આધુનિકીકરણ
ઈન્ડોનેશિયાની Way Kambas Elephant Hospitalને આધુનિક સાધનો, ઉપકરણો અને ટેકનોલોજીથી સજ્જ કરીને Elephant Treatment and Care Centreમાં અપગ્રેડ કરવામાં આવશે. આ કેન્દ્ર માનવ સંભાળ હેઠળના 62 સુમાત્રન હાથીઓ ઉપરાંત આસપાસના કુદરતી વિસ્તારમાં રહેતા લગભગ 100 જંગલી સુમાત્રન હાથીઓ માટે પણ સારવાર અને સંભાળની સુવિધા પૂરી પાડશે.
સંરક્ષણના અનેક ક્ષેત્રોમાં સહયોગ
સરકાર અને વાન્તારા વચ્ચેના હાલના MoU હેઠળ વન્યજીવ આરોગ્ય, વેટરિનરી કેર, In Situ અને Ex Situ સંરક્ષણ, પશુ કલ્યાણ, સંરક્ષણ પ્રજનન, પુનર્વસન, રીવાઇલ્ડિંગ અને ક્ષમતાવર્ધન સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહયોગ કરવામાં આવશે. PT Fauna Land પણ આ કાર્યક્રમમાં મહત્વપૂર્ણ ભાગીદાર તરીકે કાર્ય કરશે.
વૈશ્વિક સંરક્ષણ ક્ષેત્રે વાન્તારાનું વિસ્તરણ
વાન્તારાની પાંચ વર્ષની યોજનાના અનુસંધાનમાં ઈન્ડોનેશિયા સાથેની આ ભાગીદારી તેના આંતરરાષ્ટ્રીય સંરક્ષણ પ્રયાસોના વિસ્તરણ તરીકે જોવામાં આવી રહી છે. જામનગરમાં વિકસાવેલી વેટરિનરી, પ્રાણી સંભાળ અને સંરક્ષણ ક્ષેત્રની ક્ષમતાને હવે વિશ્વના અન્ય દેશોમાં પણ વન્યજીવ સંરક્ષણ માટે ઉપયોગમાં લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
સ્થાનિક પ્રજાતિઓના સંરક્ષણ અને પુનઃસ્થાપન પર ભાર
વાન્તારા ભારતમાં અને વૈશ્વિક સ્તરે યોગ્ય કુદરતી આવાસમાં વન્યજીવોની વસ્તીના પુનઃસ્થાપન માટે સંરક્ષણ પ્રજનન અને રીવાઇલ્ડિંગ કાર્યક્રમો પણ હાથ ધરે છે. તેની In Situ સંરક્ષણ કામગીરીમાં સ્થાનિક પ્રજાતિઓનું પુનઃસ્થાપન, આવાસનું સંરક્ષણ, સ્થાનિક સમુદાયોની ભાગીદારી અને માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડવા જેવા પ્રયાસોનો સમાવેશ થાય છે. ઈન્ડોનેશિયા સાથેની ભાગીદારી દ્વારા આ અનુભવને વધુ વ્યાપક સ્તરે ઉપયોગમાં લેવાની દિશામાં મહત્વનું પગલું ભરાયું છે.
