કચ્છની નમ્રતા ભુડિયાની રગ્બીમાં ગૌરવપૂર્ણ સિદ્ધિ : ભારતીય અંડર-18 ટીમમાં સ્થાન મેળવનારી રાજ્યની પ્રથમ ખેલાડી

Spread the love

ચીનમાં યોજાનારી ‘Asia Rugby Emirates U-18 Sevens 2026’માં નમ્રતા ટીમ ઇન્ડિયા તરફથી રમશે — હૈદરાબાદ નેશનલ ચેમ્પિયનશિપમાં સર્વોચ્ચ સ્કોરર બનીને પસંદગી મેળવી

નેહા તલાવિયા દ્વારા

અમદાવાદ

ગુજરાતના રમતગમત ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. કચ્છ જિલ્લાની પ્રતિભાશાળી રગ્બી ખેલાડી નમ્રતા ભુડિયાની ભારતીય અંડર-18 ગર્લ્સ રગ્બી ટીમમાં પસંદગી થઈ છે. આ સાથે નમ્રતા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરનાર ગુજરાતની પ્રથમ રગ્બી ખેલાડી બની છે. આગામી 5 અને 6 સપ્ટેમ્બર 2026ના રોજ ચીનના ક્વિંગદાઓ ખાતે યોજાનારી ‘Asia Rugby Emirates U-18 Sevens 2026’ આંતરરાષ્ટ્રીય રગ્બી સ્પર્ધામાં તે ટીમ ઇન્ડિયા તરફથી મેદાનમાં ઉતરશે.

કચ્છના ગ્રાસરૂટથી ટીમ ઇન્ડિયા સુધીની સફર

નમ્રતાની રગ્બીની સફર વર્ષ 2019માં કચ્છની શાળામાં યોજાયેલી ગ્રાસરૂટ સ્તરની પસંદગીથી શરૂ થઈ હતી. તે સમયે કોચ વેદાંત ધાનાણીએ નમ્રતાની પ્રતિભાને ઓળખી તેને રગ્બી રમતનું પ્રાથમિક માર્ગદર્શન આપ્યું હતું. પિતા દિનેશ ભુડિયા અને પરિવારના સતત પ્રોત્સાહનથી નમ્રતાએ રગ્બી પ્રત્યે વધુ સમર્પણ સાથે મહેનત શરૂ કરી હતી.

2021થી ગાંધીનગરમાં સઘન તાલીમ

વર્ષ 2021થી નમ્રતા ગાંધીનગર ખાતે રહીને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ માટે વિશેષ અને સઘન તાલીમ મેળવી રહી છે. રાષ્ટ્રીય કક્ષાએ સતત સારું પ્રદર્શન કરવાની સાથે છેલ્લા ત્રણ વર્ષથી તે ભારતીય રાષ્ટ્રીય ટીમના ટ્રેનિંગ કેમ્પનો પણ ભાગ રહી છે. તેની આ સફળ સફરમાં રગ્બી ગુજરાત એસોસિએશનના સ્થાપક અને સેક્રેટરી ડૉ. દીપ રાવલનું માર્ગદર્શન અને કોચિંગ પણ મહત્વપૂર્ણ રહ્યું છે.

U-18 નેશનલ ચેમ્પિયનશિપમાં સર્વોચ્ચ સ્કોરર

તાજેતરમાં હૈદરાબાદ ખાતે યોજાયેલી U-18 ઇન્ડિયન નેશનલ રગ્બી ચેમ્પિયનશિપમાં નમ્રતાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. સમગ્ર ટુર્નામેન્ટમાં પોતાની રમતથી પ્રભાવ પાડીને તે સર્વોચ્ચ સ્કોરર બની હતી. તેના આ ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે ભારતીય અંડર-18 ટીમમાં સ્થાન મેળવવાનો માર્ગ વધુ મજબૂત બન્યો હતો.

ગુજરાતની ટીમનું પણ કરી ચૂકી છે નેતૃત્વ

નમ્રતા માત્ર એક પ્રતિભાશાળી ખેલાડી જ નહીં, પરંતુ એક સફળ સુકાની તરીકે પણ પોતાની ઓળખ બનાવી ચૂકી છે. તેણે ગુજરાતની જુનિયર ગર્લ્સ તેમજ સિનિયર વિમેન્સ રગ્બી ટીમનું કેપ્ટન તરીકે નેતૃત્વ કર્યું છે. મેદાન પરના તેના પ્રદર્શન ઉપરાંત ટીમને સાથે લઈને આગળ વધવાની તેની ક્ષમતાને પણ નોંધપાત્ર માનવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય મંચ પર ગુજરાતનું પ્રતિનિધિત્વ

નમ્રતાની ભારતીય ટીમમાં પસંદગી ગુજરાતની રગ્બી માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સમાન છે. કચ્છના ગ્રાસરૂટ સ્તરેથી શરૂ થયેલી તેની સફર હવે આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચી છે. ચીનના ક્વિંગદાઓમાં યોજાનારી સ્પર્ધામાં નમ્રતા ભારત માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ગુજરાતનું નામ રોશન કરવા ઉતરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *