બોયઝમાં સમર્થ શ્રીનિવારિયા અને ગર્લ્સમાં અર્પિતા પાઠણકર પ્રથમ; બંને કેટેગરીના ટોચના બે ખેલાડીઓ વેસ્ટ બંગાળમાં યોજાનારી નેશનલ ચેસ ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે
અમદાવાદ
ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન દ્વારા નેશનલ ચેસ ચેમ્પિયનશિપ-2026 માટે ગુજરાત સ્ટેટ અંડર-19 (બોયઝ અને ગર્લ્સ) સિલેક્શન ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. 29 અને 30 ઓગસ્ટ દરમિયાન અમદાવાદના સ્પોર્ટ્સ ક્લબ ખાતે બોયઝ અને રાઈફલ ક્લબ ખાતે ગર્લ્સ વિભાગની સ્પર્ધા યોજાઈ હતી. બે દિવસ સુધી ચાલેલી સ્પર્ધાના અંતે બંને વિભાગમાં ટોચના પાંચ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી.
સમર્થ શ્રીનિવારિયા બોયઝમાં પ્રથમ
બોયઝ વિભાગમાં સમર્થે શાનદાર પ્રદર્શન કરતાં કુલ 6.5 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તેણે સમગ્ર સ્પર્ધા દરમિયાન સાતત્યપૂર્ણ રમતનું પ્રદર્શન કરી અન્ય ખેલાડીઓ સામે શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. ક્રિશવ શાહ 6 પોઈન્ટ સાથે બીજા ક્રમે રહ્યો હતો.
બોયઝ વિભાગમાં વંશ અડાલજા 5.5 પોઈન્ટ સાથે ત્રીજા, જિહાન શાહ 5.5 પોઈન્ટ સાથે ચોથા અને વિહાન પરીેખ 5.5 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને રહ્યા હતા. ટોચના ખેલાડીઓએ ટુર્નામેન્ટમાં પોતાના ચેસ કૌશલ્ય અને વ્યૂહાત્મક ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું.
ગર્લ્સ વિભાગમાં અર્પિતા પાઠણકર વિજેતા
ગર્લ્સ વિભાગમાં અર્પિતા પાઠણકરે 5.5 પોઈન્ટ મેળવી પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. જ્યારે ફલક જોની નાઈક 4.5 પોઈન્ટ સાથે બીજા ક્રમે રહી હતી. અદિત્રી શોમ 4.5 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને, શિલ્વી રણાવત 4.5 પોઈન્ટ સાથે ચોથા અને માહી મારવણિયા 4.5 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને રહી હતી.
વિજેતાઓને ટ્રોફી અને રોકડ ઈનામ
સ્પર્ધાના બંને વિભાગમાં પ્રથમ પાંચ સ્થાન મેળવનાર ખેલાડીઓને ટ્રોફી સાથે કુલ રૂ.18,000ના રોકડ ઈનામો એનાયત કરવામાં આવ્યા હતા. ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશનના ભાવેશ પટેલના હસ્તે વિજેતા ખેલાડીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. ખેલાડીઓના ઉત્સાહ અને પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે આયોજકો દ્વારા આ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.
ટોચના બે ખેલાડીઓ રાષ્ટ્રીય સ્પર્ધામાં રમશે
આ સિલેક્શન ટુર્નામેન્ટનું સૌથી મહત્વનું પાસું એ રહ્યું કે બંને કેટેગરીમાં પ્રથમ બે સ્થાન મેળવનારા ખેલાડીઓને આગામી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે. બોયઝ અને ગર્લ્સ વિભાગના ટોચના બે ખેલાડીઓ વેસ્ટ બંગાળ ખાતે યોજાનારી નેશનલ અંડર-19 ચેસ ચેમ્પિયનશિપ-2026માં ગુજરાત રાજ્ય તરફથી ભાગ લેશે.
આ પસંદગીથી ગુજરાતના યુવા ચેસ ખેલાડીઓને રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા સાબિત કરવાની મહત્વપૂર્ણ તક મળશે. રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યા બાદ હવે ખેલાડીઓ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ગુજરાતનું નામ રોશન કરવા માટે મેદાનમાં ઉતરશે.
