શ્રમદાન સાથે સ્વચ્છતા અને સૌંદર્યકરણની કામગીરી; બાલાચડી બીચ પર કચરાનું સેગ્રિગેશન અને નિકાલ કરી નાગરિક જવાબદારીનો સંદેશ અપાયો
વડોદરા/જામનગર#SwachhataHiSeva2026 અભિયાન અંતર્ગત ભારતીય વાયુસેનાના વડોદરા અને જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિને કેન્દ્રમાં રાખીને વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. બંને સ્થળોએ એર વોરિયર્સે સક્રિય ભાગ લઈ સ્વચ્છતા, જવાબદાર કચરા વ્યવસ્થાપન અને જનભાગીદારીનો સંદેશ વધુ મજબૂત બનાવ્યો હતો.
એરફોર્સ સ્ટેશન વડોદરા ખાતે સ્ટેશન પરિસરમાં સ્વચ્છતા અને સૌંદર્યકરણ માટે વિશેષ અભિયાન હાથ ધરાયું હતું. એર વોરિયર્સે શ્રમદાનમાં સક્રિયપણે જોડાઈ પરિસરની સફાઈ કરી હતી. આ કામગીરીનો હેતુ આસપાસના વિસ્તારોને વધુ સ્વચ્છ બનાવવા સાથે રહેવા માટે સ્વચ્છ અને સુઘડ વાતાવરણ ઊભું કરવાનો હતો.
અભિયાન દરમિયાન જનભાગીદારી, જવાબદાર કચરા વ્યવસ્થાપન, કચરાનું વિભાજન તથા ‘રિડ્યુસ–રીયુઝ–રીસાયકલ’ (RRR) જેવી પર્યાવરણલક્ષી પદ્ધતિઓના મહત્વ પર ભાર મૂકાયો હતો.
આ પહેલ દ્વારા સતત સ્વચ્છતા જાળવવા અને સ્વસ્થ પર્યાવરણના નિર્માણ માટે સામૂહિક જવાબદારીની ભાવનાને વધુ પ્રોત્સાહન મળ્યું હતું.
#SwachhataHiSeva2026ના ભાગરૂપે એરફોર્સ સ્ટેશન જામનગર દ્વારા જામનગરના બાલાચડી બીચ ખાતે પણ સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. એર વોરિયર્સે બીચ પર એકત્રિત થયેલા કચરાનું સંગ્રહ, વિભાજન અને યોગ્ય નિકાલ કરવાની કામગીરીમાં ભાગ લીધો હતો.
આ અભિયાન દ્વારા સ્વચ્છ પર્યાવરણ જાળવવામાં નાગરિક જવાબદારી અને સામૂહિક ભાગીદારીના મહત્વનો સંદેશ આપવામાં આવ્યો હતો.
બાલાચડી બીચ ખાતે સ્વચ્છતા અભિયાન સાથે જાગૃતિ કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં ‘કૅરી યોર ઓન બેગ’ એટલે કે પોતાની સાથે કાપડની કે પુનઃઉપયોગી બેગ રાખવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
સાથે જ ગુટખા-પાન મસાલાની પડીકીઓ, મલ્ટી-લેયર પ્લાસ્ટિક્સ (MLPs) અને સિગારેટના ઠૂંઠા જેવા કચરાને જાહેર સ્થળોએ ન ફેંકવા અંગે પણ લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.
બંને એરફોર્સ સ્ટેશનોની આ પ્રવૃત્તિઓ દ્વારા સ્વચ્છતા માત્ર એક દિવસનું અભિયાન નહીં પરંતુ દૈનિક જીવનનો ભાગ બને અને સ્વચ્છ, હરિયાળું તથા સ્વસ્થ પર્યાવરણ જાળવવામાં સૌની ભાગીદારી રહે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.
સ્વચ્છતા માટે ત્રણ મહત્વના સંદેશ
- કચરાનું યોગ્ય વિભાજન અને નિકાલ
- Reduce–Reuse–Recycle (RRR)ને પ્રોત્સાહન
- પ્લાસ્ટિક અને જાહેર સ્થળોએ કચરો ફેંકવાનું ટાળવા જાગૃતિ
