2026માં મેલેરિયાના કેસોમાં 22 ટકા અને ડેન્ગ્યુના કેસોમાં 39.6 ટકાનો ઘટાડો; 1.35 લાખથી વધુ સીરમ સેમ્પલની તપાસમાં 2,099 કેસ પોઝિટિવ
ગાંધીનગર
રાજ્યમાં વાહકજન્ય રોગોના અટકાયતી પગલાં વધુ સઘન બનાવવાના ભાગરૂપે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના તમામ જિલ્લા તેમજ મહાનગરપાલિકા વિસ્તારોમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની સ્થિતિની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે ગત વર્ષની સરખામણીએ વર્ષ 2026માં રાજ્યમાં મેલેરિયાના કેસોમાં 22 ટકા, જ્યારે ડેન્ગ્યુના કેસોમાં 39.6 ટકાનો ઘટાડો નોંધાયો છે. તેમણે રાજ્યમાં મેલેરિયા સંપૂર્ણ નિયંત્રણ હેઠળ હોવાનું પણ જણાવ્યું હતું.
ડેન્ગ્યુના ઝડપી નિદાન માટે રાજ્યની મેડિકલ કોલેજો સાથે સંલગ્ન 42 હોસ્પિટલોમાં ઉપલબ્ધ નિદાન કેન્દ્રોની કામગીરી અને સીરમ સેમ્પલના ટેસ્ટિંગની સ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ કેન્દ્રો દ્વારા ડેન્ગ્યુના શંકાસ્પદ 1.35 લાખથી વધુ સીરમ સેમ્પલની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 2,099 કેસ પોઝિટિવ નોંધાયા છે.
રાજ્યભરમાં વાહકજન્ય રોગોના અટકાયતી પગલાંરૂપે ચાલી રહેલી ‘હાઉસ ટુ હાઉસ’ સર્વેલન્સ ઝુંબેશની પણ મંત્રીએ માહિતી મેળવી હતી. મચ્છરજન્ય રોગોના ફેલાવાને અટકાવવા માટે સર્વેલન્સ, નિદાન અને સારવારની કામગીરી સતત સઘન રાખવા અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશો આપવામાં આવ્યા હતા.
આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનોને તમામ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી (DDO) અને મ્યુનિસિપલ કમિશનરો સાથે બેઠક યોજવા માટે પણ સૂચના આપવામાં આવી હતી.
શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ડેન્ગ્યુના મચ્છરો અને તેમના પ્રજનન સ્થાનો (બ્રીડિંગ સાઇટ્સ) શોધી તેનો નાશ કરવા માટે સઘન ઝુંબેશ ચલાવવા મહાનગરપાલિકાઓ અને સંબંધિત તંત્રોને કડક સૂચના આપવામાં આવી હતી. મચ્છરોના પ્રજનન માટે અનુકૂળ સ્થળો દૂર કરવા તેમજ સ્વચ્છતા જાળવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
રાજ્યમાં ડેન્ગ્યુના કેસોને ધ્યાનમાં રાખીને તમામ CHC અને PHC ખાતે તાવ તથા ડેન્ગ્યુના યોગ્ય નિદાન અને સારવારની સુવિધાઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી. દરેક આરોગ્ય કેન્દ્ર પર દવાનો પૂરતો જથ્થો અને જરૂરી નિદાન કિટ્સ ઉપલબ્ધ છે કે નહીં તેની ચકાસણી કરવા સૂચના અપાઈ હતી. જ્યાં કોઈ સુવિધા કે જથ્થાની અછત જણાય ત્યાં તાત્કાલિક વ્યવસ્થા કરવા આદેશ આપવામાં આવ્યા હતા.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે રાજ્યમાં મેલેરિયા અને ડેન્ગ્યુની સ્થિતિ કાબૂમાં છે. તેમણે નાગરિકોને અફવાઓથી ગભરાઈ ન જવા અને મચ્છરજન્ય રોગોથી બચવા ઘર તથા આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખી પૂરતી સાવચેતી રાખવા અપીલ કરી હતી.
