કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં ભારતની શાનદાર શરૂઆત, પારસ ગુપ્તા અને ધ્વજ હરિયાનો દબદબો

Spread the love

અમદાવાદમાં પ્રથમ દિવસે ભારતીય ક્યૂઈસ્ટ્સનો દમદાર દેખાવ; હેબોલ, સ્નૂકર, 10-બોલ, બિલિયર્ડ્સ અને બ્લેકબોલમાં અનેક ખેલાડીની આગેકૂચ

અમદાવાદ

અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ગુરુવારથી શરૂ થયેલી કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ-2026માં ભારતીય ક્યૂઈસ્ટ્સે શાનદાર શરૂઆત કરી હતી. વિવિધ કેટેગરીમાં રમાયેલી શરૂઆતની મેચોમાં ભારતના અનેક ખેલાડીઓએ જીત મેળવીને આગામી રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. પ્રથમ દિવસની રમતમાં ખાસ કરીને પુરુષોના હેબોલ અને સ્નૂકર વિભાગમાં ભારતીય ખેલાડીઓએ પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું.

પુરુષોના હેબોલમાં પારસ ગુપ્તાએ સમોઆના રિવેલેશન ટાગાલોઆને 8-3થી હરાવીને આગળની સફર શરૂ કરી હતી. ઉઝૈર ખાને પણ શાનદાર રમતનું પ્રદર્શન કરતાં હુસૈન અબ્દલ્લાહ સામે 9-4થી વિજય મેળવ્યો હતો. આગામી રાઉન્ડમાં પારસ ગુપ્તાનો મુકાબલો ક્રેગ બ્રાઉન સામે થશે. ક્રેગ બ્રાઉને અઝીમ બકરને 9-2થી પરાજય આપ્યો હતો. જ્યારે ઉઝૈર ખાન હવે તાન ઝોંગ વેઈ સામે રમશે.

પુરુષોના સ્નૂકરમાં પણ ભારતનો દબદબો જોવા મળ્યો હતો. ધ્વજ હરિયાએ આઈલ ઓફ મેનના ક્રિસ ડેગનાલને સીધી 3-0 ફ્રેમથી હરાવીને અસરકારક શરૂઆત કરી હતી. બીજી તરફ લક્ષ્મણ સિંહ રાવતે ઓસ્ટ્રેલિયાના ડેવિડ રાઈટ સામે કાંટાની ટક્કર બાદ 3-2થી જીત મેળવી હતી. ભારતના કેતન ચાવલા પણ આઈલ ઓફ મેનના માઈકલ કર્ફી સામે મેદાનમાં ઉતર્યા હતા.

મહિલા સ્નૂકરમાં પણ ભારતીય ખેલાડીઓએ પોતાની ક્ષમતા દર્શાવી હતી. સ્નેન્થ્રા બાબુએ નતાશા કેન્ટને 3-1થી હરાવી હતી. જ્યારે શ્રુતિ લક્ષ્મીનારાયણે ઓસ્ટ્રેલિયાની જેસિકા વુડ્સ સામે 3-1થી વિજય નોંધાવ્યો હતો. મહિલા બિલિયર્ડ્સમાં અનુપમા રામચંદ્રને ચિમ્બા ચિમ્ફ્વેમ્બે સામે જીત મેળવીને પોતાના અભિયાનની શરૂઆત કરી હતી.

ભારતના ખેલાડીઓએ 10-બોલ અને બિલિયર્ડ્સમાં પણ સફળતા મેળવી હતી. પુરુષોના 10-બોલમાં લાલરિના રેન્થલેઇએ કેલી યામ્બીને 9-3થી હરાવી હતી. દિવ્યા શર્માએ પણ ડાર્સી મેકગિનલી સામેની મેચમાં આગળ વધવામાં સફળતા મેળવી હતી. પુરુષોના બિલિયર્ડ્સમાં સિદ્ધાર્થ પારિખે ક્લાઇવ માર્શને હરાવીને જીત મેળવી હતી, જ્યારે રાયાન રઝમી કેનેડાના કેવિન ઑગસ્ટા સામે રમતો જોવા મળ્યો હતો. મહિલા બ્લેકબોલમાં જિઆના રેગોએ થાપેલો મોથાટેને 5-2થી હરાવી હતી.

જોકે, પ્રથમ દિવસે ભારતીય ટીમને કેટલીક મેચોમાં પરાજયનો સામનો પણ કરવો પડ્યો હતો. મહિલા હેબોલમાં જિયા સહગલને એગ્નેસ કિમુરા સામે 2-4થી હાર મળી હતી. જ્યારે વિદ્યા પિલ્લઈ દક્ષિણ આફ્રિકાની મરિના જેકોબ્સ સામે 2-7થી પરાજિત થઈ હતી. ઇંગ્લેન્ડની કેલી ફિશરે મોરિશિયસની વૈષ્ણવી જુગનારાયણને 7-1થી હરાવી હતી.

પુરુષોના બ્લેકબોલમાં ચેતન છાબરા અને આરવ સંચેતનીને પણ પરાજય મળ્યો હતો. ચેતન છાબરા રવાન્ડાના ફ્રેડરિક નગાબોયિસોંગા સામે 4-7થી અને આરવ સંચેતની લી શેફર્ડ સામે 2-7થી હાર્યા હતા. મહિલા 10-બોલમાં સાન્વી શાહને સિંગાપોરની અનરાન યુ સામે 1-7થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

ચેમ્પિયનશિપમાં હવે આગામી રાઉન્ડની મેચો શરૂ થશે. ભારત તરફથી શિવમ અરોરા, આદિત્ય મહેતા, ચિત્રા મગીમૈરાજ સહિતના અનેક જાણીતા ક્યૂઈસ્ટ્સ મેદાનમાં ઉતરવાના હોવાથી આગામી રાઉન્ડમાં પણ ભારતીય ટીમ પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *