ઓજસ દેવતાલે અને એલા ગિબ્સનના શાનદાર પ્રદર્શનથી રોયલ્સની જીત; સમયની દબાણભરી પળોમાં મેટે ગાઝોઝે સંયમ જાળવી રાખ્યું
હૈદરાબાદ
આર્ચરી પ્રીમિયર લીગ (એપીએલ)ની બીજી સિઝનની શરૂઆત રોમાંચક મુકાબલા સાથે થઈ છે. લીગના વર્તમાન ચેમ્પિયન રાજપૂતાના રોયલ્સે પ્રથમ મેચમાં પૃથ્વીરાજ યોધ્ધાસને 5-3થી હરાવીને પોતાના અભિયાનનો વિજયી પ્રારંભ કર્યો હતો. હૈદરાબાદના પીપલ્સ પ્લાઝા ખાતે રમાયેલી આ મેચમાં બંને ટીમો વચ્ચે અંતિમ તબક્કા સુધી જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. જોકે, નિર્ણાયક ક્ષણોમાં સંયમ અને સચોટ નિશાનના આધારે રાજપૂતાના રોયલ્સે બાજી મારી હતી.
રાજપૂતાના રોયલ્સની જીતમાં ભારતના સ્ટાર કમ્પાઉન્ડ તીરંદાજ ઓજસ દેવતાલે અને વિશ્વના નંબર-1 કમ્પાઉન્ડ તીરંદાજ એલા ગિબ્સને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. જ્યારે ટોક્યો ઓલિમ્પિકના રિકર્વ ચેમ્પિયન મેટે ગાઝોઝે સમયની મર્યાદા નજીક આવતી હોવા છતાં દબાણમાં શાનદાર પ્રદર્શન કરીને ટીમની જીતમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.
બીજી તરફ, અભિષેક વર્માની આગેવાની હેઠળની પૃથ્વીરાજ યોધ્ધાસે શરૂઆતમાં પાછળ રહ્યા બાદ જોરદાર વાપસી કરી હતી. અંતિમ તબક્કામાં મેચને શૂટઓફ સુધી લઈ જવાની તક પણ ટીમ પાસે હતી, પરંતુ મેક્સિકોના મેથિયાસ ગ્રાન્ડેનો છેલ્લો તીર માત્ર 8ના સ્કોર પર લાગતાં યોધ્ધાસની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું.
પ્રથમ સેટમાં રોયલ્સની સરસાઈ
મુકાબલાના પ્રથમ સેટમાં રાજપૂતાના રોયલ્સે 73-69થી જીત મેળવી હતી. પૃથ્વીરાજ યોધ્ધાસ તરફથી મેથિયાસ ગ્રાન્ડેનો પ્રથમ તીર 7ના સ્કોર પર લાગતાં ટીમ શરૂઆતથી જ દબાણમાં આવી ગઈ હતી. ઓજસ દેવતાલેએ ગયા વર્ષની જેમ આ સિઝનમાં પણ આક્રમક શરૂઆત કરીને ટીમમાં ઉત્સાહ જગાવ્યો હતો. એલા ગિબ્સને પણ ઊંચા સ્કોર સાથે ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. ભારતની અંકિતા ભકતે મેટે ગાઝોઝને સારો સાથ આપ્યો હતો.
બીજા સેટમાં યોધાસની વાપસી
બીજા સેટમાં અભિષેક વર્માએ 10ના સ્કોર સાથે શરૂઆત કરતાં યોધ્ધાસે વાપસીના સંકેત આપ્યા હતા. બંને ટીમોના ચારેય તીરંદાજોએ સારો દેખાવ કરતાં મધ્ય તબક્કે સ્કોર 37-37 રહ્યો હતો. અંતિમ તીર સાથે મેથિયાસ ગ્રાન્ડેએ સમય પૂરો થવાની નજીક હોવા છતાં શાનદાર 10નો સ્કોર નોંધાવ્યો હતો. ગાઝોઝ પાસે પણ 10ના સ્કોર સાથે સેટ જીતવાની તક હતી, પરંતુ તેમનો તીર 9ના સ્કોર પર લાગ્યો હતો. ત્યારબાદ એક તીરના સ્કોરમાં સુધારો થતાં યોધાસને સેટના પોઇન્ટ મળ્યા અને મુકાબલો 2-2ની બરાબરીએ પહોંચ્યો હતો.
ત્રીજા સેટમાં જોરદાર ટક્કર
ત્રીજા સેટ પહેલાં પૃથ્વીરાજ યોધાસે રાજ કૌરના સ્થાને એન્ડ્રિયા બેસેરાને મેદાનમાં ઉતારી હતી. ત્યારબાદ બંને ટીમોના કમ્પાઉન્ડ તીરંદાજોએ શાનદાર નિશાન સાધ્યાં હતાં. દેવતાલે અને વર્માએ એક્સ-રિંગ 10 સાથે શરૂઆત કરી હતી, જ્યારે ગિબ્સન અને બેસેરાએ પણ 10ના સ્કોર નોંધાવ્યા હતા. અંતિમ તીરો છોડતી વખતે સમયનું દબાણ હોવા છતાં ગાઝોઝ અને ગ્રાન્ડેએ સમયસર તીર છોડ્યાં હતાં. ગ્રાન્ડેએ 10નો સ્કોર કરીને સેટને બરાબરી પર સમાપ્ત કરાવ્યો હતો. આ સેટમાં બંને ટીમોનો સ્કોર 77-77 રહ્યો હતો.
અંતિમ સેટમાં રોયલ્સનો વિજય
ચોથા સેટમાં રાજપૂતાના રોયલ્સે ત્રણ 10ના સ્કોર સાથે શાનદાર શરૂઆત કરી હતી અને મધ્ય તબક્કે 39-37ની સરસાઈ મેળવી હતી. યોધાસ તરફથી 16 વર્ષની ગાથા આનંદરાવ ખડકેએ અંતિમ તીર પર 10નો સ્કોર નોંધાવીને મેચને શૂટઓફ સુધી લઈ જવાની આશા જીવંત રાખી હતી. જોકે, ગાઝોઝે અંતિમ તીર પર શાનદાર એક્સનો સ્કોર નોંધાવ્યો હતો, જ્યારે ગ્રાન્ડે માત્ર 8નો સ્કોર કરી શક્યા હતા. પરિણામે રાજપૂતાના રોયલ્સે 5-3થી મુકાબલો જીતી લીધો હતો.
છ ટીમો વચ્ચે ખિતાબ માટે જંગ
ભારતીય તીરંદાજી સંઘ દ્વારા શરૂ કરાયેલી આર્ચરી પ્રીમિયર લીગ વિશ્વની પ્રથમ ફ્રેન્ચાઇઝી આધારિત તીરંદાજી લીગ છે. તેમાં છ ટીમોના કુલ 48 તીરંદાજો ભાગ લઈ રહ્યા છે, જેમાં 36 ભારતીય અને 12 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનો સમાવેશ થાય છે. ટૂર્નામેન્ટનો સમાપન સમારોહ 18 ઑક્ટોબરે યોજાશે, જેમાં સેમિફાઇનલમાં ટોચની ચાર ટીમો વચ્ચે મુકાબલા બાદ ખિતાબ માટેની અંતિમ મેચ રમાશે.
ટૂર્નામેન્ટના બીજા દિવસે પ્રથમ મેચમાં કાકતિયા નાઇટ્સ અને ચોલા ચીફ્સ સામસામે થશે. ત્યારબાદ રાજપૂતાના રોયલ્સની ટક્કર ચેરો આર્ચર્સ સાથે થશે, જ્યારે દિવસની અંતિમ મેચમાં માઇટી મરાઠાસ અને પૃથ્વીરાજ યોધાસ વચ્ચે મુકાબલો રમાશે.
