ગુજરાતી અને અંગ્રેજી માધ્યમનાં ભૂલકાંઓએ વિવિધ આકર્ષક વેશભૂષા ધારણ કરી પ્રતિભા દર્શાવી; પર્યાવરણ સંરક્ષણ, જળસંચય અને રાષ્ટ્રપ્રેમનો આપ્યો સંદેશ
અમદાવાદ
હીરામણિ કે.જી. વિભાગના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં નાના ભૂલકાંઓની સર્જનાત્મકતા, કલાત્મક અભિવ્યક્તિ અને આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપવાના હેતુથી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન (વેશભૂષા સ્પર્ધા)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં બાળકોએ વિવિધ આકર્ષક વેશભૂષા ધારણ કરીને પોતાની અભિનયકળા અને પ્રતિભાનું સુંદર પ્રદર્શન કર્યું હતું.
સ્પર્ધામાં બાળકોએ ભગવાન શ્રીરામ જેવા પૌરાણિક પાત્રો તેમજ રાષ્ટ્રીય નેતાઓની વેશભૂષા ધારણ કરીને ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને રાષ્ટ્રપ્રેમની ઝાંખી રજૂ કરી હતી. આ ઉપરાંત, પોલીસ, ડૉક્ટર અને સૈનિક જેવા વિવિધ વ્યવસાયિક પાત્રો ભજવીને સમાજમાં આ વ્યવસાયોની મહત્તા દર્શાવી હતી. બાળકોએ ચંદ્રયાન, ‘ટ્રી બચાવો’, ‘સેવ વોટર’, ‘પર્યાવરણ બચાવો’ અને ‘બ્લડ ડોનેટ’ જેવા આધુનિક તથા સામાજિક જાગૃતિ સાથે સંકળાયેલા વિષયોને પોતાની વેશભૂષા દ્વારા રજૂ કર્યા હતા.
નાનકડાં ભૂલકાંઓએ વિવિધ પાત્રોને અનુરૂપ વેશભૂષા, હાવભાવ અને આત્મવિશ્વાસભર્યા અભિનયથી ઉપસ્થિત સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. તેમની નિર્દોષ રજૂઆતો અને સુંદર અભિવ્યક્તિએ સૌનાં દિલ જીતી લીધાં હતાં. સ્પર્ધા માત્ર મનોરંજન પૂરતી મર્યાદિત ન રહેતાં બાળકોમાં સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ, સામાજિક જાગૃતિ અને વિવિધ ક્ષેત્રો પ્રત્યેની સમજ વિકસાવવાનું માધ્યમ પણ બની હતી.
કાર્યક્રમના અંતે સ્પર્ધામાં વિજેતા બનેલા બાળકોને ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. આ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને પોતાની આંતરિક પ્રતિભા બહાર લાવવાની તક મળે છે અને તેમનામાં નાની ઉંમરથી જ સકારાત્મક વિચારો તથા સામાજિક મૂલ્યોનું સિંચન થાય છે.
હીરામણિ કે.જી. વિભાગ દ્વારા આયોજિત આ વેશભૂષા સ્પર્ધા બાળકો માટે આનંદ, ઉત્સાહ અને શીખવાની અનોખી તક બની રહી હતી.
