સરેરાશ 49 વર્ષની ઉંમરના ખેલાડીઓએ 22થી 23 વર્ષના યુવાનોને આપી ટક્કર; રોમાંચક ફાઇનલમાં પેનલ્ટી શૂટઆઉટથી 2–1થી મેળવી શાનદાર જીત
જામનગર:
ગુજરાતમાં 11મા ગુજરાત રમતગમત મહાકુંભ–2026 અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં અલગ-અલગ રમતોની સ્પર્ધાઓ યોજાઈ રહી છે. ત્યારે જામનગર જિલ્લા કક્ષાની ફૂટબોલ સ્પર્ધામાં વેટરન ફૂટબોલર્સ ક્લબ જામનગર (VFC જામનગર)એ શાનદાર પ્રદર્શન કરીને ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. ખાસ વાત એ છે કે આશરે 49 વર્ષની સરેરાશ ઉંમર ધરાવતી આ ટીમે 22થી 23 વર્ષની સરેરાશ ઉંમરના યુવા ખેલાડીઓ સામે ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરીને સાબિત કર્યું છે કે ફૂટબોલ પ્રત્યેનો જુસ્સો અને અનુભવ ઉંમરની મર્યાદાઓને પણ પડકાર આપી શકે છે.
ફાઇનલમાં 1–1ની બરાબરી બાદ પેનલ્ટી શૂટઆઉટમાં વિજય
જામનગર ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં VFC જામનગરનો મુકાબલો યુવા ખેલાડીઓની મજબૂત ટીમ HR મેડમ સામે થયો હતો. બંને ટીમો વચ્ચે શરૂઆતથી જ રસાકસીભર્યો મુકાબલો જોવા મળ્યો હતો. નિર્ધારિત સમય દરમિયાન HR મેડમના વિશેષ જાની (Vishesh Jani)એ ગોલ કરીને પોતાની ટીમને સરસાઈ અપાવી હતી. જોકે, VFC જામનગરના મેહુલ રાણાએ શાનદાર ગોલ કરીને ટીમને બરાબરી પર લાવી દીધી હતી.
નિર્ધારિત સમય પૂર્ણ થતાં બંને ટીમોનો સ્કોર 1–1 રહ્યો હતો. ત્યારબાદ વિજેતા નક્કી કરવા માટે પેનલ્ટી શૂટઆઉટ યોજાયો હતો, જેમાં VFC જામનગરની ટીમે 2–1થી વિજય મેળવ્યો હતો. આ સાથે જ ટીમે જામનગર જિલ્લા રમતગમત મહાકુંભ–2026ની ફૂટબોલ સ્પર્ધાનું ચેમ્પિયનપદ પોતાના નામે કર્યું હતું.
49 વર્ષની સરેરાશ ઉંમર છતાં યુવાનો સામે દમદાર રમત
VFC જામનગરની આ જીતનું સૌથી પ્રેરણાદાયી પાસું ખેલાડીઓની ઉંમર છે. ટીમના ખેલાડીઓની સરેરાશ ઉંમર આશરે 49 વર્ષ હતી, જ્યારે સામેની HR મેડમ ટીમના ખેલાડીઓની સરેરાશ ઉંમર આશરે 22થી 23 વર્ષ હતી. આમ, વયમાં નોંધપાત્ર તફાવત હોવા છતાં વેટરન ખેલાડીઓએ ફિટનેસ, અનુભવ, શિસ્ત, ટીમવર્ક અને દૃઢ મનોબળના આધારે યુવા ખેલાડીઓને જોરદાર ટક્કર આપી હતી.
ગુજરાત વેટરન ફૂટબોલર્સ એસોસિએશનનું પ્રેરક કાર્ય
VFC જામનગર, ગુજરાત વેટરન ફૂટબોલર્સ એસોસિએશન, અમદાવાદની એક શાખા છે. આ સંગઠન અનુભવી અને ભૂતપૂર્વ ફૂટબોલ ખેલાડીઓને એક મંચ પર લાવીને તેમને રમતગમત સાથે સક્રિય રીતે જોડાયેલા રહેવા માટે પ્રોત્સાહિત કરે છે. સામાન્ય રીતે ફૂટબોલની શારીરિક માંગ અને સ્પર્ધાત્મક પડકારોને કારણે અનેક ખેલાડીઓ 35થી 40 વર્ષની ઉંમર બાદ સક્રિય સ્પર્ધાત્મક રમતથી દૂર થઈ જાય છે. આવા સંજોગોમાં વેટરન ફૂટબોલર્સ એસોસિએશન ખેલાડીઓને પોતાની રમતની પ્રતિભા જાળવી રાખવાની, શારીરિક રીતે સક્રિય રહેવાની અને નવી પેઢીને પ્રેરણા આપવાની તક પૂરી પાડે છે.
