IITE ગાંધીનગર ખાતે ‘Gandhi Still Living in Us’ થીમ હેઠળ વિશેષ પ્રદર્શન યોજાયું

Spread the love

ગાંધીજીની ૧૫૭મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલા પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સર્જનાત્મક કૃતિઓ દ્વારા ગાંધીવિચારોને વાચા આપી; સહભાગીઓને પ્રશંસાપત્રો એનાયત કરાયા

ગાંધીનગર:

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન (IITE), ગાંધીનગરના સેન્ટ્રલ લાઇબ્રેરી એન્ડ મ્યુઝિયમ ડિવિઝન દ્વારા મહાત્મા ગાંધીજીની ૧૫૭મી જન્મજયંતીના પાવન અવસરે ‘Gandhi Still Living in Us’ થીમ હેઠળ તારીખ ૧ થી ૧૦ ઑક્ટોબર, ૨૦૨૬ દરમિયાન એક વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉજવણીના ભાગરૂપે ‘Pick a Book: Gandhi Edition’ સહિતની વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરાયું હતું. જેમાં સંસ્થાના વિદ્યાર્થીઓ, વહીવટી કર્મચારીઓ તેમજ ફેકલ્ટી સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સહભાગીઓએ પોસ્ટર, સુવિચાર, નિબંધ, પુસ્તક સમીક્ષા તથા અન્ય કલાત્મક કૃતિઓ દ્વારા પૂજ્ય બાપુના સત્ય, અહિંસા, સાદગી, સ્વચ્છતા અને માનવતા જેવા સદાબહાર મૂલ્યોને સુંદર રીતે અભિવ્યક્ત કર્યા હતા.

પ્રદર્શનની મુલાકાત દરમિયાન કાર્યાકારી કુલપતિ ડૉ. મુકેશ પટેલ, કુલસચિવશ્રી તથા જાણીતા શિક્ષણવિદ્ જ્યોતિબેન થાનકીએ પ્રદર્શન નિહાળીને આ વિશિષ્ટ પહેલની મુક્ત મને પ્રશંસા કરી હતી. સંસ્થાના અધ્યાપકો, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પણ આ પ્રદર્શનનો લાભ લીધો હતો.

કાર્યક્રમના અંતે, તારીખ ૧૨ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ સેન્ટ્રલ લાઇબ્રેરી એન્ડ મ્યુઝિયમ ડિવિઝનના હેડ પ્રો. દિવ્યા શર્મા દ્વારા તમામ સહભાગીઓને ઉત્સાહવર્ધક પ્રશંસાપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર આયોજને સંસ્થાનમાં વાંચન સંસ્કૃતિ, સર્જનાત્મક અભિવ્યક્તિ અને ગાંધીજીના વિચારો પ્રત્યેની જાગૃતિને નવું બળ પૂરું પાડ્યું હતું.

બોર્ડ પર પ્રદર્શિત સંદેશ અનુસાર: “ચાલો, બાપુના વિચારોને માત્ર યાદ જ નહીં કરીએ, પરંતુ આપણા વિચારો, વાણી અને વર્તનમાં તેમને જીવંત રાખીએ.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *