અમદાવાદ: ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા, લગ્નની લાલચ અને દુષ્કર્મના આરોપ; 10 દિવસ હોટેલમાં ગોંધી રાખનાર કાસમની ધરપકડ

Spread the love

26 વર્ષીય યુવતીને ઓઢવની હોટેલમાં રાખી ત્રણ વખત દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ; મોબાઇલ ફોન છીનવી પરિવારનો સંપર્ક પણ અટકાવ્યો હોવાની ફરિયાદ

અમદાવાદ:

સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી યુવતીને પ્રેમ અને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરવાના આરોપસર ઘાટલોડિયા પોલીસે કાસમ સમસુદ હસન અંસારી નામના યુવકની ધરપકડ કરી છે. આરોપીએ 26 વર્ષીય યુવતીને ઓઢવ વિસ્તારની એક હોટેલમાં 10 દિવસ સુધી રાખી તેની મરજી વિરુદ્ધ ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ છે. આ દરમિયાન યુવતીનો મોબાઇલ ફોન છીનવી લઈ તેને પરિવારનો સંપર્ક કરવા દીધો ન હોવાની પણ ફરિયાદમાં વિગતો સામે આવી છે. પોલીસે યુવતીની ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક, ત્યારબાદ વાતચીત શરૂ થઈ

પોલીસ ફરિયાદ મુજબ, યુવતી એપ્રિલ 2026માં ઇન્સ્ટાગ્રામ મારફતે ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લાના રહેવાસી કાસમ સમસુદ હસન અંસારીના સંપર્કમાં આવી હતી. આરોપી યુવતીના સોશિયલ મીડિયા એકાઉન્ટને ફોલો કરતો હતો અને તેને વારંવાર મેસેજ મોકલતો હતો.

શરૂઆતમાં યુવતીએ આરોપીના મેસેજનો જવાબ આપ્યો નહોતો. જોકે, આરોપીએ સતત સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે યુવતીને જણાવ્યું હતું કે તાજેતરમાં તેનો સંબંધ તૂટ્યો છે અને તેને એક મહિલા મિત્રની જરૂર છે. ત્યારબાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી અને તેમણે એકબીજાના મોબાઇલ નંબરની આપ-લે કરી હતી.

પ્રેમનો એકરાર કરી સંબંધ બાંધવાની માંગણી કરી

ફરિયાદમાં યુવતીએ આક્ષેપ કર્યો છે કે જૂન 2026માં કાસમે તેને પ્રેમ કરતો હોવાનું જણાવી શારીરિક સંબંધ બાંધવાની માંગણી કરી હતી. યુવતીએ આ માંગણીનો ઇનકાર કર્યો હતો. તેમ છતાં આરોપી વોટ્સએપ મારફતે તેનો સંપર્ક કરતો રહ્યો હતો અને માફી માંગતો હતો.

ત્યારબાદ બંને ભૂયંગદેવ ચાર રસ્તા પાસે આવેલી ભાગ્યોદય હોટેલમાં મળ્યાં હતાં. તે સમયે યુવતીની એક મિત્ર પણ તેની સાથે હતી. યુવતીના આક્ષેપ મુજબ, આ મુલાકાત દરમિયાન આરોપીએ તેની મરજી વિરુદ્ધ તેને ભેટીને ચુંબન કર્યું હતું. યુવતીએ તેના વર્તનનો વિરોધ કર્યો હતો અને પોતાની મિત્ર સાથે ત્યાંથી નીકળી ગઈ હતી.

ફરિયાદ મુજબ, 19 જુલાઈએ યુવતીના જન્મદિવસે પણ આરોપી તેને મળ્યો હતો. આ દરમિયાન ભૂયંગદેવ-કર્ણાવતી વિસ્તારમાં આવેલી દાબેલીની દુકાન પર બંનેએ કેક કાપી હતી.

પારસનગરથી ઓઢવની હોટેલમાં લઈ ગયો

યુવતીની ફરિયાદ અનુસાર, 3 ઓક્ટોબરની રાત્રે આશરે આઠ વાગ્યે કાસમે તેનો સંપર્ક કરી પારસનગર રોડ પર મળવા બોલાવી હતી. ત્યારબાદ આરોપી તેને ઓટોરિક્ષામાં બેસાડીને ઓઢવ વિસ્તારની એક હોટેલમાં લઈ ગયો હતો. યુવતીએ તેને ક્યાં લઈ જઈ રહ્યો છે તે અંગે પૂછ્યું હતું, પરંતુ આરોપી થોડો સમય રોકાવા માટે આગ્રહ કરતો રહ્યો હતો.

10 દિવસ સુધી પરિવારથી સંપર્ક વિહોણી રાખ્યાનો આક્ષેપ

ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીએ હોટેલમાં રૂમ બુક કરાવ્યો હતો અને 3 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર દરમિયાન યુવતીની મરજી વિરુદ્ધ ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન લગ્ન કરવાનું વચન આપીને યુવતીને રોકી રાખી હોવાનો આક્ષેપ છે.

યુવતીએ ઘરે પરત જવાની વારંવાર વિનંતી કરી હોવા છતાં તેને જવા દેવામાં આવી નહોતી. આરોપીએ તેનો મોબાઇલ ફોન પણ લઈ લીધો હતો, જેના કારણે તે પરિવારજનોનો સંપર્ક કરી શકી નહોતી. આખરે 13 ઓક્ટોબરે આરોપી તેને ઓટોરિક્ષામાં બેસાડીને પારસનગર વિસ્તારમાં પાછો લઈ આવ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

ગુમ થયેલી યુવતી ઘરે પરત ફર્યા બાદ ફરિયાદ

યુવતી 3 ઓક્ટોબરથી ગુમ હોવાથી તેની માતા અને ભાઈએ ઘાટલોડિયા પોલીસનો સંપર્ક કર્યો હતો. 13 ઓક્ટોબરે ઘરે પરત ફર્યા બાદ યુવતીએ પરિવારજનોને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ 14 ઓક્ટોબરે તેણે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આરોપી કાસમ સમસુદ હસન અંસારીની ધરપકડ કરી છે. હાલ આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *