અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશન દ્વારા આયોજિત શસ્ત્રપૂજનમાં ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશનના હોદ્દેદારો સહિત સભ્યો અને શૂટર્સ જોડાયા
અમદાવાદ:
અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશન (A.M. & R.T.A.) દ્વારા દર વર્ષની પરંપરા અનુસાર દશેરાના પાવન પર્વ નિમિત્તે અમદાવાદના ખાનપુર સ્થિત રાઇફલ ક્લબ ખાતે પરંપરાગત શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એસોસિએશનના સભ્યો અને શૂટર્સે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ પ્રસંગે ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશન (GSRA)ના બોર્ડ મેમ્બર અતુલ બારોટ, ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશનના ઉપપ્રમુખ ઋષિરાજ અતુલ બારોટ, A.M. & R.T.A.ના માનદ મહામંત્રી ભાવેશ પટેલ તથા એસોસિએશનના ઉપપ્રમુખ ભાવેશ પી. શાહ ઉપસ્થિત રહ્યા હતા.
દશેરાના શુભ અવસરે આયોજિત શસ્ત્રપૂજન દરમિયાન એસોસિએશનના સભ્યો અને શૂટર્સે શસ્ત્રોની પૂજા કરી સલામતી, શક્તિ, શિસ્ત, સમૃદ્ધિ અને સફળતા માટે પ્રાર્થના કરી હતી. આ પરંપરાગત કાર્યક્રમ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ પ્રત્યેની આસ્થા સાથે શૂટિંગ રમત સાથે જોડાયેલાં શિસ્ત, સમર્પણ અને સન્માન જેવા મૂલ્યોને પણ ઉજાગર કરવામાં આવ્યાં હતાં.
અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશન દ્વારા દર વર્ષે યોજાતો આ કાર્યક્રમ ભક્તિભાવ અને ઉત્સાહભેર સંપન્ન થયો હતો. આ આયોજન દ્વારા એસોસિએશને વર્ષોથી જાળવી રાખેલી પરંપરાને આગળ ધપાવવાની સાથે ભારતીય સંસ્કૃતિ અને શસ્ત્રપૂજનના મહત્ત્વને પણ જાળવી રાખ્યું હતું.
