બસ શ્રીનગરની કેન્દ્રીય જેલથી ભદ્રેવાહ જેલ જવા દરમિયાન બસ ટી2 ટનલ મરોગ રામવન નજીક આગળ જઈ રહેલા સેનાના વાહન સાથે અથડાઈ

ઉધમપુર
જમ્મુ-કાશ્મીરમાં આજે સેનાના વાહનને મોટો અકસ્માત થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે. અહીંના રામવનમાં આજે સૈન્ય વાહન અને બસ વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ છે. આ અકસ્માતમાં 17 પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે 3 મહિલા કેદીને પણ ઈજા થઈ છે.
અધિકારીઓએ જણાવ્યું કે, બસ શ્રીનગરની કેન્દ્રીય જેલથી ભદ્રેવાહ જેલ જઈ રહી હતી. આ દરમિયાન બસ ટી2 ટનલ મરોગ રામવન નજીક આગળ જઈ રહેલા સેનાના વાહન સાથે અથડાઈ હતી. તેમણે કહ્યું કે, પોલીસ કર્મચારીઓમાં મહિલા કોન્સ્ટેબલ પણ સામેલ છે. મહિલા કેદીઓ સહિત તમામ ઈજાગ્રસ્તોને જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
રામબનના એસએચઓએ અકસ્માતની પુષ્ટિ કરતા જણાવ્યું કે, તમામ ઈજાગ્રસ્તોની હાલત સ્થિર છે… તેમણે કહ્યું કે, તમામને સામાન્ય ઈજા પહોંચી છે. હાલ અકસ્માત અંગે ફરિયાદ નોંધવામાં આવી છે અને તેની તપાસ શરૂ કરી દેવાઈ છે.
