નરગીસ 1990ના દાયકાથી મહિલાઓના અધિકારો માટે અવાજ ઉઠાવી રહી છે, 2003માં તેહરાનમાં ડિફેન્ડર્સ ઑફ હ્યુમન રાઇટ્સ સેન્ટરમાં કામ શરૂ કર્યું

વોશિંગ્ટન
નોબલ પુરસ્કાર-2023 હેઠળ શાંતિ પુરસ્કારની ઘોષણા કરવામાં આવી છે. આ વર્ષે ઈરાનની એક્ટીવીસ્ટ નરગીસ મોહમ્મદીને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. મોહમ્મદીને આ પુરસ્કાર ઈરાનમાં મહિલાઓની સ્થિતિ સુધારવા માટેના તેમના સંઘર્ષ બદલ તેને એનાયત કરવામાં આવ્યો છે. મોહમ્મદીએ ઈરાનમાં લોકો માટે માનવ અધિકાર અને સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવા માટે લાંબા સમયથી લડત ચલાવી છે.
ઈરાનના કુર્દીસ્તાનના ઝાંજાન શહેરમાં તેમનો જન્મ થયો હતો. તેમણે ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યા પછી એન્જિનિયર તરીકે કામ કર્યું હતું. તેઓ એક કટારલેખક પણ છે. ઘણા અખબારો માટે તેમણે લેખ લખ્યા છે. નરગીસ 1990ના દાયકાથી મહિલાઓના અધિકારો માટે અવાજ ઉઠાવી રહી છે. 2003માં તેમણે તેહરાનમાં ડિફેન્ડર્સ ઑફ હ્યુમન રાઇટ્સ સેન્ટરમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.
જેમણે અધિકારોની વાત કરી અને એક-બાર નહીં પરંતુ 13 વખત ઘરપકડ કરવામાં આવી હતી. નોર્વેજીયન નોબેલ સમિતિના અધ્યક્ષે આજે ઓસ્લોમાં પુરસ્કારની જાહેરાત કરી હતી. તેમણે એવોર્ડ એનાયત કરતી વખતે કહ્યું કે, સૌ પ્રથમ આ એવોર્ડ ઈરાનમાં સમગ્ર ચળવળ અને તેના નિર્વિવાદ નેતા નરગીસ મોહમ્મદીના ખૂબ જ મહત્વપૂર્ણ કાર્યને માન્યતા આપવા માટે છે.
નોબેલ પુરસ્કાર વિજેતા નરગીસ હજુ પણ ઈરાનની જેલમાં બંધ છે. તેને 31 વર્ષની જેલ અને 154 કોરડા ફટકારવામાં આવ્યા હતો. તેના પર ઈરાન સરકાર વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવવાનો આરોપ લાગ્યો હતો. નોબેલ મળ્યા બાદ નરગીસને 8.33 કરોડ રૂપિયાનું ઈનામ અને ગોલ્ડ મેડલ મળશે.
