દંડમાંથી 63 કરોડ ડોલર લોકોમાં વહેંચવામાં આવશે અને બાકીના 7 કરોડ ડોલર એક ફંડમાં જમા થશે

વોશિંગ્ટન
વિશ્વની સૌથી મોટી ટેક કંપની ગૂગલને ફરી એક મોટો ઝટકો લાગ્યો છે. કંપની પર અમેરિકાની એક કોર્ટે 70 કરોડ ડોલરની દંડ ફટકાર્યો છે. જેમાંથી 63 કરોડ ડોલર લોકોમાં વહેંચવામાં આવશે અને બાકીના 7 કરોડ ડોલર એક ફંડમાં જમા થશે. આલ્ફાબેટની માલિકીની Google Inc. પર એન્ડ્રોઈડ પ્લે સ્ટોરનો દુરુપયોગ કરી યુઝર્સ પાસેથી વધુ ચાર્જ વસૂલવાનો આરોપ હતો.
કંપની એન્ડ્રોઇડ પ્લે સ્ટોર પર ઇન-એપ પરચેઝ અને અન્ય નિયંત્રણો લાદીને આ પૈસા વસૂલી રહી હતી. જો કે ગૂગલે આવી કોઈપણ ખોટી રીતનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો છે. પરંતુ તે લોકોને દંડ ભરવા સંમત થઈ હતી. તે પ્લે સ્ટોર પર હેલ્થી કોમ્પીટીશન માટે જગ્યા આપવા માટે પણ સંમત થઈ છે.
મળેલા અહેવાલો મુજબ કોર્ટે કંપનીને 70 કરોડ ડોલર ચુકવવા કહ્યું છે. જેમાંથી 63 કરોડ ડોલર અમેરિકાના 50 રાજ્યોમાં રહેતા 10 કરોડ લોકોમાં વહેંચવામાં આવશે. આ સિવાય ડીસી, પ્યુર્ટો રિકો અને યુએસ વર્જિન આઈલેન્ડમાં પણ પૈસા આપવામાં આવશે. સપ્ટેમ્બરમાં જ આ સમજૂતી થઈ હતી. પરંતુ આ સમાચાર હાલમાં જ સામે આવ્યા છે. હાલમાં આ સમાધાન ન્યાયાધીશની અંતિમ મંજૂરીની રાહ જોઈ રહ્યું છે.
અહેવાલો મુજબ કુલ 10 કરોડ યુઝર્સમાંથી 7 કરોડ યુઝર્સને ગૂગલ પાસેથી પૈસા લેવા માટે કોઈપણ પ્રકારના પેપરવર્ક કરવાની જરૂર પડશે નહીં. તેમને વળતરની રકમ આપોઆપ મળી જશે. જે લોકોએ 16 ઓગસ્ટ, 2016થી 30 સપ્ટેમ્બર, 2023 દરમિયાન પ્લે સ્ટોર પરથી આ એપ્સ ખરીદી છે અથવા કોઈપણ એપ ખરીદી છે તેમને આ વળતર આપવામાં આવશે. કોર્ટે સ્વીકાર્યું છે કે ગૂગલનો એપ બિઝનેસ સ્પર્ધાની વિરુદ્ધ હતો. જો કે ગૂગલનું કહેવું છે કે તેણે અમેરિકન ગ્રાહકો માટે ચોઈસ બિલિંગ રજૂ કર્યું હતું. અમે ગ્રાહકોને ગેમ અને અન્ય પ્લેટફોર્મ પર આ એપ્સ ખરીદવાનો વિકલ્પ આપ્યો હતો. ગૂગલ પર ડેવલપર્સને તેના પ્લે સ્ટોરનો ઉપયોગ કરવા દબાણ કરવાનો આરોપ હતો.
