
સુરત
ગુજરાતની કેપ્ટન ક્રિત્વિકા સિંહા રોયની શાનદાર રમતની મદદથી ગુજરાતની વિમેન્સ ટીમે અહીંના પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલી યુટીટી 86મી સિનિયર નેશનલ ઇન્ટર સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ઉંચા ક્રમની તામિલનાડુની ટીમને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. આમ તેણે એક મેડલ નિશ્ચિત કરી દીધો હતો.સિનિયર નેશનલ્સના 86 વર્ષના ઇતિહાસમાં ગુજરાતની વિમેન્સ ટીટી ટીમ પહેલી વાર મેડલ જીતશે.
રોય (સુકાની), ફ્રેનાઝ છિપીયા, ઓઇશિકી જોઆરદાર, ફિલઝાહ ફાતીમા કાદરી અને રિયા જયસ્વાલની બનેલી ગુજરાતની વિમેન્સ ટીમે ઓઇશિકીની મદદથી જોરદાર પ્રારંભ કર્યો હતો. તેણે ક્વાર્ટર ફાઇનલમાં અનુભવી એવી એસ. સેલેનાને સંઘર્ષપૂર્ણ રમતમાં 3-2થી હરાવી હતી.
ત્યાર બાદ ક્રિત્વિકાએ એસ. યાશિની સામે 3-1થી વિજય હાંસલ કરીને યજમાન ટીમને 2-0ની સરસાઈ અપાવી હતી.
ત્રીજી મેચમાં સ્થાનિક ખેલાડી ફ્રેનાઝ છિપીયા બે ગેમથી પાછળ હતી પરંતુ અહીંથી તેણે વળતો પ્રહાર કરીને બી. કાવ્યશ્રી સામે સ્કોર 2-2થી સરભર કર્યો હતો પરંતુ અંતે આ રોમાંચક મુકાબલામાં તેનો 2-3થી પરાજય થતાં તામિલનાડુએ 2-1નો સ્કોર કરીને થોડી આશા પેદા કરી હતી.
જોકે કપરા સંજોગોમાં ક્રિત્વિકાનો વર્ષોનો અનુભવ કામે લાગ્યો હતો. તેણે પાંચ પોઇન્ટ ગુમાવ્યા હોવા છતાં એસ. સેલેના સામે દબાણ ઘટાડીને 3-1થી વિજય હાંસલ કર્યો હતો જેને પરિણામે ગુજરાતની ટીમ અંતિમ ચાર ટીમમાં સ્થાન હાંસલ કરી શકી હતી. ટુર્નામેન્ટના ઇતિહાસમાં ગુજરાતે પહેલી વાર મેડલ નિશ્ચિત કર્યો હતો.
આ શાનદાર વિજય બાદ ક્રિત્વિકાએ જાણકારી આપી હતી કે ગુજરાતની ટીમ 2023માં પંચકુલા ખાતે યોજાયેલી 85મી સિનિયર નેશનલ્સમાં આ જ હરીફ સામે આ જ સ્કોરથી હારી ગઈ હતી. “અમે બંને એકબીજાની રમત સારી રીતે જાણતા હતા. બીજી મેચમાં મારી રણનીતિ રમતને ધીમી કરી દેવાની હતી જેનાથી મને થોડી મદદ મળી હતી.” તેમ 30 વર્ષીય રોયે જણાવ્યું હતું.
દરમિયાન ગુજરાતની મેન્સ ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશવામાં નિષ્ફળ રહી હતી કેમ કે પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં તેનો ટીટીએફઆઈ-1 ટીમ સામે 2-3થી પરાજય થયો હતો.
સ્કોર:
ગુજરાત વિમેન્સ ટીમ જીત્યા વિરુદ્ધ તામિલનાડુ વિમેન્સ ટીમ 3-1
ઓઇશિકી જોઆરદાર જીત્યા વિરુદ્ધ એસ. સેલેના 3-2 (8-11, 12-10, 7-11, 11-7, 11-6)
ક્રિત્વિકા સિંહા રોય જીત્યા વિરુદ્ધ એસ. યાશિની 3-1 (11-7, 11-6, 8-11, 12-10)
ફ્રેનાઝ છિપીયા હાર્યા વિરુદ્ધ બી. કાવ્યશ્રી 2-3 (9-11, 4-11, 12-10, 11-6, 10-12)
ક્રિત્વિકા સિંહા રોય જીત્યા વિરુદ્ધ એસ. સેલેના 3-1 (8-11, 11-8, 11-8, 11-8).
ફોટો કેપ્શનઃ ગુજરાતની વિમેન્સ ટીમના સદસ્ય (ડાબેથી) ફ્રેનાઝ છિપીયા, ફિલઝાહ ફાતીમા કાદરી, રિયા જયસ્વાલ, હ્રદય દેસાઈ (કોચ), ક્રિત્વિકા સિંહા રોય, ઓઇશિકી જોઆરદાર.