- ભારતના અર્થતંત્રના વિકાસ સાથે દાણચોરો માટેનું આકર્ષણ પણ વધ્યું, એજન્સીઓ આ જોખમ સામે નિર્ણયાત્મક રીતે કામ કરી રહી છે
- ઊંચા પરોક્ષ કરવેરાના લીધે ઊભી થતી કોસ્ટ આર્બિટ્રેજનું નિરાકરણ લાવવાની જરૂર
- અમદાવાદ કસ્ટમ્સે તાજેતરમાં 8 મિલિયન બનાવટી સિગારેટ્સ, સાયકોટ્રોફિક સબસ્ટન્સ અને લક્ઝરી ઘડિયાળો સહિતની વસ્તુઓ જપ્ત કરી હતી જેનું મૂલ્ય રૂ. 163 કરોડથી વધુનું છે
અમદાવાદ
ગેરકાયદેસર વેપારઃ બનાવટ કરવા અને દાણચોરી સામે રાજ્ય સ્તરની કામગીરી વિષય પર ફિક્કી કાસ્કેડ દ્વારા યોજાયેલા એક સેમિનારમાં અમદાવાદ ઝોનના કસ્ટમ્સના ચીફ કમિશ્નર અને આઈઆરએસ પ્રણેશ પાઠકે જણાવ્યું હતું કે “ભારતનું અર્થતંત્ર વિકસી રહ્યું છે અને વૈશ્વિક વ્યાપાર વધી રહ્યો છે ત્યારે આધુનિક દાણચોરી નેટવર્ક માટેઆપણો દેશ વધુને વધુ ગુનેગારો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. સોનું, દારૂ અને નાર્કોટિક્સથી માંડીને સિગારેટ્સ તથા મોંઘી લક્ઝરી વૉચીસ સુધીની માલસામાનની સીમા પારથી ગેરકાયદેસર હેરફેર માટેના પ્રયાસો વધી રહ્યા છે. આ પ્રવૃત્તિઓમાં ન કેવળ જકાતની ચોરી થાય છે પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા, જાહેર આરોગ્ય અને કાયદેસરના વ્યવસાયો સામે પણ ગંભીર જોખમ ઊભું થાય છે. તાજેતરના જ એક કિસ્સામાં ગોધરા કસ્ટમ્સે 8 મિલિયનથી વધુની બનાવટી સિગારેટ્સનો જથ્થો આંતર્યો હતો અને રૂ. 150 કરોડથી વધુના સાયકોટ્રોફિક પદાર્થો જપ્ત કર્યા હતા. આ ઉપરાંત, રૂ. 13 કરોડની લક્ઝરી વૉચીસ પણ જપ્ત કરવામાં આવી હતી. આ કાર્યવાહી સ્પષ્ટ દર્શાવે છે કે આપણા અર્થતંત્રને નિશાન બનાવતા ગેરકાયદેસર વેપારી નેટવર્કની વ્યૂહરચનાઓ અને નિર્ભયતા વધી રહી છે.”
“ભારતીય કસ્ટમ્સે ભૂમિ, હવાઇ અને સમુદ્રી માર્ગો પર તેની તકેદારી અને અમલીકરણની કામગીરીમાં નોંધપાત્ર વધારો કર્યો છે. અમે આપણી સરહદોની સુરક્ષા કરવા, ગેરકાયદેસર વેપારને નાથવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ રહીએ છીએ અને સુનિશ્ચિત કરીએ છીએ કે આર્થિક પ્રગતિ ગેરકાયદેસર વેપાર અને દાણચોરીથી અવરોધાય નહીં. હું આ સેમિનાર યોજવા માટે ફિક્કી કાસ્કેડને અભિનંદન આપું છું જેનાથી આ મુદ્દે જાહેર જાગૃતિમાં નિઃશંકપણે વધારો થશે અને વિવિધ હિતધારકોને નિર્ણયાત્મક રીતે કામ કરતા રહેવા માટે પ્રોત્સાહન મળશે”, એમ પાઠકે જણાવ્યું હતું.
ગુજરાતમાં અમદાવાદ શહેરના અધિક પોલીસ કમિશ્નર આઈપીએસ નીરજ કુમાર બડગુજરે જણાવ્યું હતું કે“ગેરકાયદેસર વેપાર માત્ર ગુનાહિત નેટવર્કને જ નહીં, પણ જાહેર સલામતી અને આર્થિક સ્થિરતાને પણ જોખમમાં મૂકે છે. કાયદાનો અમલ કરાવતી એજન્સીઓએ ગુપ્ત માહિતી આધારિત નીતિઓ, એજન્સી વચ્ચેનો સહયોગ અને સમુદાયના જોડાણ દ્વારા આગળ રહેવું જોઈએ. દાણચોરી અને બનાવટી વસ્તુઓ સામેની આપણી સામૂહિક લડાઈમાં જનજાગૃતિ એક શક્તિશાળી સાધન છે.”
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી)ના ભૂતપૂર્વ ચેરમેન અને ફિક્કી કાસ્કેડના સલાહકાર પી સી ઝાએ જણાવ્યું હતું કે “દાણચોરીની પ્રવૃત્તિઓ ઊંચા પરોક્ષ કરવેરા અને નિયમનકારી છીંડાના લીધે ઊભી થતી કોસ્ટ આર્બિટ્રેજ (એકથી વધુ બજારોમાં વસ્તુની કિંમતમાં રહેલા તફાવતનો લાભ લેવો) પર ધમધમે છે. તમાકુ, દારૂ અને સોના જેવી પ્રોડક્ટ્સ પરની જકાત નોંધપાત્ર રીતે વધુ હોય છે ત્યારે તેનો ગેરકાયદેસર વેપાર કરવાથી અઢળક લાભ મળે છે જેના લીધે કાયદેસર રીતે ચાલતા વ્યવસાયો નબળા પડે છે અને સરકારની આવકમાં નુકસાન થાય છે. કાયદેસર અને ગેરકાયદેસર બજારની કિંમતમાં રહેલા તફાવતથી ન્યાયી સ્પર્ધાને ખોરવી નાંખે છે, ઉપરાંત તે નકલી માલસામાન પણ નાગરિકો સામે લાવે છે જેનાથી જાહેર આરોગ્યની ગંભીર સમસ્યા ઊભી થઈ શકે છે. આ મુદ્દાનો નિવેડો લાવવા માટે સંતુલિત કરવેરા નીતિ ઉપરાંત મજબૂત અમલીકરણ અને એજન્સીઓ વચ્ચે વધુ સારા તાલમેલની જરૂર છે.”
બનાવટી વસ્તુઓઅને દાણચોરી અટકાવવા માટેની નીતિઓ પર એક પેનલ ડિસ્કશનનું અધ્યક્ષપદ સંભાળતા ફિક્કી કાસ્કેડના સલાહકાર અને નવી દિલ્હીના ભૂતપૂર્વ વિશેષ પોલીસ કમિશ્નર દીપ ચંદે જણાવ્યું હતું કે“બનાવટી વસ્તુઓ અને દાણચોરી ફક્ત આર્થિક ગુના નથી,તે રાષ્ટ્રીય સુરક્ષા, જાહેર આરોગ્ય અને ગ્રાહક વિશ્વાસ માટે ગંભીર જોખમો છે. આ તસ્કરોને રોકવા માટે આપણને સંકલિત નીતિ સુધારા, વાસ્તવિક સમયમાં ગુપ્ત માહિતીના આદાનપ્રદાન અને મજબૂત જાહેર-ખાનગી સહયોગની જરૂર છે. આ ઉપરાંત ગ્રાહક જાગૃતિ વધારવાની પણ જરૂર છે. નિવારણ અને અમલીકરણ બંનેમાં મૂળિયા ધરાવતો આવો અભિગમ કાયદેસર રીતે કામ કરતા વ્યવસાયોનું રક્ષણ કરવા અને ભારતના આર્થિક ભવિષ્યને સુરક્ષિત કરવા માટે મહત્વનો છે.”
સેમિનારમાં શ્રીકાંત અવાચર, આઈઆરએસ, એડિશનલ ડિરેક્ટર, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ, અમદાવાદ ઝોનલ યુનિટ,શ્રી આશિષ પૌલ, વાઇસ પ્રેસિડેન્ટ,કોર્પોરેટ અફેર્સ, આઈટીસી લિમિટેડ અને સુશ્રી અનિંદિતા મહેતા, સીઈઓ, કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર સહિતના જાણીતા વક્તા પણ સમાવિષ્ટ હતા.
સ્થાનિક પરિપ્રેક્ષ્ય જોડતા અને ઉદ્યોગ તથા સરકાર વચ્ચેના જોડાણને મજબૂત બનાવતા ફિક્કી ગુજરાત સ્ટેટ કાઉન્સિલના બંને સભ્યો પાર્થ દેસાઈ અને ડો. જૈમિન વસાએ સેમિનારના ઓપનિંગ સેશન્સ દરમિયાન મૂલ્યવાન આંતરદ્રષ્ટિ પૂરી પાડી હતી અને ગેરકાયદેસર વેપારના દૂષણને નાથવા માટે રાજ્ય સ્તરે સામૂહિકપણે કામગીરી કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
ફિક્કીની Committee Against Smuggling and Counterfeiting Activities Destroying the Economy (CASCADE)એ તેના‘Consuming The Illicit: How Changing Factors of Consumption Affect Illegal Markets in 5 Key Industries’ શીર્ષક હેઠળના તેના 2024ના વ્યાપક રિપોર્ટમાં અંદાજ મૂક્યો હતો કે વર્ષ 2022-23માં ભારતમાં ગેરકાયદેસર વસ્તુઓનું બજાર રૂ. 7,97,726 કરોડ હતું. આ બજારથી સૌથી વધુ અસરગ્રસ્ત પાંચ ક્ષેત્રો એફએમસીજી (પેકેજ્ડ ફૂડ્સ), એફએમસીજી (પર્સનલ એન્ડ હાઉસહોલ્ડ કેર), આલ્કોહોલ, ટોબેકો અને ટેક્સટાઇલ તથા એપરલ્સ હતા. તારણો મુજબ ગેરકાયદેસર વેપાર કાયદેસર રીતે કામ કરતા વ્યવસાયોને નુકસાન પહોંચાડે છે, ન્યાયી બજાર સ્પર્ધાત્મકતાને ખોરવે છે અને સરકારની કરવેરાની આવકમાં નોંધપાત્ર ઘટાડો કરે છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે ટેક્સટાઇલ્સ અને એપરલ્સનો આવા ગેરકાયદેસર વેપારમાં મહત્તમ હિસ્સો છે. 2022-23માં તેનો ગેરકાયદેસર બજારનો હિસ્સો રૂ. 4,03,915 કરોડ હતો જે કુલ ગેરકાયદેસર વેપારના અડધા કરતા વધુ છે. એફએમસીજી ક્ષેત્રને પણ નોંધપાત્ર અસર થઈ છે. પેકેજ્ડ ફૂડ્સનો હિસ્સો રૂ. 2,23,875 કરોડ અને પર્સનલ એન્ડ હાઉસહોલ્ડ કેર ગુડ્સનો રૂ. 73,813 કરોડનો હિસ્સો હતો જે સાથે મળીને કુલ ગેરકાયદેસર બજારમાં લગભગ 37 ટકાનો હિસ્સો ધરાવે છે. રિપોર્ટ ઊંચા કરવેરા અને ગેરકાયદેસર વેપારના ઊંચા ચલણ વચ્ચેનો સીધો સંબંધ દર્શાવે છે, ખાસ કરીને તમાકુ અને આલ્કોહોલ જેવા ક્ષેત્રોમાં જ્યાં ઐતિહાસિક રીતે ઊંચા કરવેરાનો બોજ હોય છે.ઉદાહરણ તરીકે, તમાકુમાં 50 ટકાથી વધુ ગેરકાયદેસર વેપાર દંડનીય કરવેરા નીતિઓના લીધે થાય છે જ્યારે આલ્કોહોલઆ બાબતે 46 ટકા જેટલો તુલનાત્મક આંકડો ધરાવે છે.
