સોમનાથ ટ્રસ્ટ દ્વારા આંગણવાડીના ભૂલકાઓ માટે લાડુના દૈનિક પોષણ પ્રસાદ વિતરણનો પ્રારંભ
સોમનાથ ટ્રસ્ટ અંદાજે ૧ કરોડના ખર્ચે લાડુ પ્રસાદના રૂપમાં ૨૮ ટન પોષણયુક્ત આહાર બાળકોને અપાશેઃ એક વર્ષમાં ૭ લાખ લાડુ વિતરણ
પ્રત્યેક લાડુ પ્રસાદ પેકિંગ ઇકોફ્રેન્ડલી મટીરીયલથી કરાય છેઃ “પોષણ ભી પઢાઈ ભી” મંત્રને સોમનાથ મંદિર ટ્રસ્ટે સાકાર કરાયું
સોમનાથ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક એવા ભગવાન સોમનાથ મહાદેવના ભાવપૂર્વક દર્શન-અર્ચન અને જલાભિષેક પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે કર્યા હતા.
મુખ્યમંત્રીએ આ શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે પૌરાણિક શિવ મંદિરોના દર્શન-પૂજનનો ઉપક્રમ શ્રદ્ધાપૂર્વક પ્રયોજયો છે. તદઅનુસાર, શ્રાવણ માસના પ્રથમ સોમવારે ગાંધીનગર નજીકના ધોળેશ્વર મહાદેવ, ત્યારબાદ બીજા સોમવારે ભરૂચના કાવી-કંબોઇ ખાતેના સ્તંભેશ્વર મહાદેવ અને ત્રીજા સોમવારે ઐતિહાસિક ધરોહર સમાન વડનગરના હાટકેશ્વર મહાદેવના દર્શ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના આંગણવાડીના નાના ભૂલકાઓ માટેના લાડુપોષણ પ્રસાદ વિતરણનો શુભારંભ પણ કરાવ્યો હતો.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા આગામી એક વર્ષ માટે ગીર સોમનાથ જિલ્લામાં ૭ લાખ લાડુ પ્રસાદ વિતરણનો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. અંદાજે ૧ કરોડ રૂપિયાના ખર્ચે સોમનાથ મહાદેવ ટ્રસ્ટ ૨૮ ટન લાડુનો પોષણક્ષમ આહાર આંગણવાડીના બાળકો સુધી પહોંચાડશે. આ દૈનિક પોષણ પ્રસાદ વિતરણમાં આપવામાં આવનારા લાડુના પેકિંગ માટે સોમનાથ ટ્રસ્ટે માનવ હસ્તક્ષેપ વિનાનું ઓટોમેટીક પેકેજીંગ મશીન વિકસાવ્યું છે. આ મશીનના ઉપયોગથી એર ટાઈટ રીતે અને સંપૂર્ણ સ્વચ્છતા સાથે લાડુ પેક કરવામાં આવે છે. આ લાડુના પેકિંગમાં બાયોડીગ્રેડેબલ મટીરીયલનો ઉપયોગ કરવામાં આવેલો છે. સોમનાથ દાદાના પોષણ પ્રસાદનું વિતરણ આગામી એક વર્ષ સુધી અવિરત કરવાનું આયોજન પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથ ટ્રસ્ટની બહુવિધ સેવાકીય પ્રવૃત્તિઓની પણ જાણકારી મેળવી હતી. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જે. ડી. પરમાર અને સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈએ મુખ્યમંત્રીશ્રીનું સોમનાથ મદિર પરિસરમાં સ્વાગત કર્યુ હતું.
મુખ્યમંત્રીની સોમનાથ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલા મૂછાર, ધારાસભ્ય પ્રદ્યુમન વાજા, ભગવાન બારડ, કાળુ રાઠોડ, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવી જાની, કલેક્ટર એન.વી.ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા, અગ્રણી ઝવેરી ઠકરાર, સંજય પરમાર, પૂર્વ ધારાસભ્યો જશા બારડ, રાજશી જોટવા, અગ્રણી મહેન્દ્ર પીઠિયા, માનસિંહ પરમાર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
