કે. અન્નામલાઈએ અબુ ધાબીના બી.એ.પી.એસ. હિન્દુ મંદિરની મુલાકાત લીધી

Spread the love

આ મંદિર 21 મી સદીમાં પારસ્પરિક સહયોગનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે ” – કે અન્નામલાઈ

અબુ ધાબી

૧૫ ઓગસ્ટ ૨૦૨૫, શુક્રવારના રોજ, ભારતના રાજકીય નેતા તથા સમાજસેવક શ્રી કે. અન્નામલાઈએ અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરની મુલાકાત લીધી હતી. ભારતના સ્વાતંત્ર્યદિનના અવસરે તેમની આ મુલાકાત ભારતના સમાનતા, નમ્રતા અને એકતાના શાશ્વત મૂલ્યોના પ્રતિબિંબ સમાન બની રહી હતી.

પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીએ તેઓનું મંદિરમાં ડોમ ઓફ હાર્મની સમક્ષ તેઓનું પુષ્પહાર દ્વારા સ્વાગત કર્યું હતું.

મંદિર પરિસરમાં વિશ્વમાં અનેકવિધ ધાર્મિક માન્યતાઓ વચ્ચે સહિષ્ણુતા અને સૌહાર્દનો સંદેશ આપતા એવોર્ડ વિજેતા ઑડિઓ-વિઝ્યુઅલ ઇમર્સિવ શૉ ‘ધ ફેરી ટેલ’ નિહાળીને તેઓ મંત્રમુગ્ધ થયા હતા. આ કાર્યક્રમ વૈશ્વિક નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોને આકર્ષક ગ્રાફિક્સ અને પ્રેરણાદાયી વાર્તાઓ દ્વારા રજૂ કરે છે. મંદિર પરિસરમાં વિવિધતામાં એકતાના સંદેશને રજૂ કરતાં ૬૫૦૦ વર્ષ જૂના સબ-ફોસિલ ‘ટોલરન્સ ટ્રીઝ’ (Tolerance Trees) નિહાળીને તેઓ પ્રભાવિત થયા હતા. મંદિરની અપ્રતિમ કળા, પવિત્રતા અને આધ્યાત્મિકતા તેઓને સ્પર્શી ગઈ હતી.

આ મંદિરના સંકલ્પમૂર્તિ એવા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અગાધ આધ્યાત્મિક વારસાને તેમણે અંજલિ અર્પી હતી. મંદિરના તમામ સાત ગર્ભગૃહોમાં પ્રતિષ્ઠિત અવતાર સ્વરૂપોના તેમણે દર્શન કર્યા હતા અને મંદિરની સૂક્ષ્મ કળા કારીગરી, વિશેષતઃ ‘પિલર ઑફ પિલર્સ’ નિહાળીને અચંબિત થયા હતા.

તેમણે જણાવ્યું કે મંદિર માત્ર ઉપાસનાનું સ્થાન જ નથી, પરંતુ ભારતના સહિષ્ણુતા, અહિંસા અને વિવિધતામાં એકતાના શાશ્વત મૂલ્યોનું જીવંત પ્રતિક છે.
તેમણે ઉમેર્યું:
“પ્રત્યેક વ્યક્તિએ અહીં આવવું જોઈએ અને આ મંદિર શું કાર્ય કરી રહ્યું છે તેની અનુભૂતિ કરવી જોઈએ.”

આ મંદિરની મુલાકાતથી ભાવવિભોર બનતા તેમણે કહ્યું,
“આ મંદિરની મુલાકાત લેતા દરેક વ્યક્તિએ અહીંના અનુભવને આત્મસાત કરવો જોઈએ. મને અહીં એક ગાઢ જોડાણનો અનુભવ થયો. મેં માત્ર આપણા ભારતના ભાઈ-બહેનોને સાતેય સુંદર દેવમૂર્તિઓની આરાધના કરતાં જ ન જોયા, પણ એવું લાગ્યું કે હું ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફરી રહ્યો છું. હૃદયની પવિત્રતા દ્વારા અને સત્પુરુષોના આશીર્વાદથી જ્યારે કોઈ કાર્ય કરવામાં આવે ત્યારે ચમત્કાર સર્જાય છે!”

સંતો અને સ્વયંસેવકોના નિઃસ્વાર્થ પરિશ્રમની પ્રશંસા કરતાં તેમણે જણાવ્યું:
“આ મંદિર સંતો અને સ્વયંસેવકોની તપસ્યા અને પરિશ્રમનું ફળ છે, સ્વામી બ્રહ્મવિહારીદાસ અને સેવારત નિષ્ઠાવાન અને કુશળ સંતો-સ્વયંસેવકોની ગુરુભક્તિ અને નિરંતર પ્રયાસો દ્વારા આ ચમત્કાર થયો છે. આ મંદિરને નિહાળીને હું અતિ આનંદિત છું અને આજે હિંદુ હોવાનો મને ગર્વ છે.”

મંદિરના સ્થાપત્ય અને શિલ્પકળાની સરાહના કરતાં તેમણે કહ્યું:
“આ મંદિર છેલ્લા ઘણા વર્ષોમાં મેં જોયેલા શ્રેષ્ઠ કળા-કોતરણી ધરાવતા સ્થાનો પૈકીનું એક છે. મને ક્યારેક થતું કે આ કક્ષાની કોતરણી આધુનિક મંદિરોમાં લુપ્ત થઈ રહી છે, પરંતુ આ મંદિરે તે કળાને પુનર્જીવિત કરી દીધી છે. આ મંદિર ભારતની પ્રાચીન ક્ષમતા અને કળાશક્તિનું જીવંત પ્રતિક છે.”

આ મંદિરને સાંપડેલ વૈશ્વિક સહકાર વિષે તેમણે જણાવ્યું,
“આ એક ઐતિહાસિક ગાથા છે, જેને 200 વર્ષ પછી પણ 21મી સદીના શ્રેષ્ઠ સહયોગ તરીકે યાદ કરવામાં આવશે — જેમાં બીએપીએસના એક સંત મોકળા હ્રદયે સંવાદ કરે છે અને અન્ય ધર્મના શાસકો તેને ઉદારતાથી પ્રતિસાદ આપે છે – જેના પરિણામે આ અદ્ભુત ચમત્કૃતિનું નિર્માણ થયું.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *