ભારત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓના આયોજન માટે સજ્જઃ ભૂપેન્દ્ર પટેલ

Spread the love

અમદાવાદના વીર સાવરકર સ્ટેડિયમ ખાતે ૧૧મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપનો પ્રારંભ

અમદાવાદ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે ૧૧મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપનો પ્રારંભ કરાવ્યો હતો. વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. ૨૦૦ મીટર ફ્રી સ્ટાઇલ સ્પર્ધાના વિજેતાઓને મુખ્યમંત્રીના હસ્તે મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.

ટૂર્નામેન્ટનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આજે દેશમાં સુઆયોજિત સ્પોર્ટ્સ કલ્ચર અને સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ પામ્યું છે. તાજેતરમાં દેશમાં યોજાયેલી હોકી એશિયા કપ, પેરા એથ્લેટિક્સ વર્લ્ડ ચેમ્પિયનશિપ, કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ સહિતની સ્પર્ધાઓનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીએ જણાવ્યું કે આજે ભારત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓના આયોજન માટે સજ્જ છે.

સ્પર્ધામાં ભાગ લેવા આવેલા ૨૯ દેશોના ખેલાડીઓને વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના આંગણે આવકારતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ભારતનો એથ્લેટિક્સ સાથેનો સંબંધ ખૂબ જૂનો અને ગૌરવપૂર્ણ રહ્યો છે. વર્ષ-૧૯૪૮માં લંડન ઓલિમ્પિકથી લઈને આજ સુધી દેશના તરવૈયાઓએ અનેકવિધ સ્પર્ધાઓમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે. મુખ્યમંત્રીએ દેશના શ્રેષ્ઠ સ્વિમર્સના યોગદાનને બિરદાવ્યું હતું.

ગુજરાતને ૧૧મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપની યજમાની કરવાનો અવસર પ્રાપ્ત થયો છે એ ગૌરવની વાત છે એમ મુખ્યમંત્રીએ કહ્યું હતું.

ભારતે તમામ પ્રકારની વર્લ્ડ ગેમ્સના આયોજન માટે પોતાની ક્ષમતા પુરવાર કરી છે. એશિયન ગેમ્સ ૨૦૨૯ માટે તાજેતરમાં એપ્લિકેશન કરવામાં આવી છે, જ્યારે ૨૦૩૬ના ઓલિમ્પિક માટે પણ દેશમાં યોગ્ય દિશામાં તૈયારીઓ થઈ રહી છે. ૨૦૨૯માં અમદાવાદમાં પોલીસ અને ફાયર વિભાગના જવાનોની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ થવાની છે એમ તેમણે ઉમેર્યું હતું.

રાજ્યમાં ઉપલબ્ધ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિશે વાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ઉત્તરોતર સ્પોર્ટ્સ સુવિધાઓ વિકસી છે. ગુજરાતમાં વિકસાવાયેલ એક્વાટિક્સ સ્પોર્ટ્સની સુવિધાઓ અને ખેલાડીઓની મહેનતના પરિણામે આપણે એક્વાટિક્સમાં રાજ્યના ખેલાડીઓ કાઠું કાઢી રહ્યા છે. છેલ્લા ૨ વર્ષમાં વિવિધ યોજનાઓમાંથી આંતરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ગુજરાતના ૭૩ ખેલાડીઓએ ૩૮ ગોલ્ડ, ૫૪ સિલ્વર અને ૪૬ બ્રોન્ઝ મેડલ જીતીને રાજ્યનું નામ રોશન કર્યું છે એમ તેમણે જણાવ્યું હતું.

રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉદ્ઘાટન સમારોહમાં પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે ભારતમાં સૌ પ્રથમ વખત યોજાઈ રહેલી એશિયન એક્વાટિક ચેમ્પિયનશિપની સ્પર્ધાની યજમાની ગુજરાતને મળી તે સમગ્ર રાજ્ય માટે ગર્વની પળ છે.

વર્ષ ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સ અને વર્ષ-૨૦૩૬ની ઓલિમ્પિક રમતો માટે ગુજરાતની દાવેદારીને મજબૂત કરતી આ ઈવેન્ટ છે તેમ ઉમેરી ગુજરાતને દેશનું સ્પોર્ટ્સ હબ બનાવવા આગળ આવવા સૌ ખેલાડીઓને અપીલ કરી હતી. આ તકે તેમણે વિવિધ ૨૯ દેશોના ૧૧૦૦થી વધુ એથ્લિટ્સ, કોચ તથા પ્રતિનિધિઓને વિશ્વના સૌથી લાંબા નૃત્ય મહોત્સવ એવા ગરબાનો લ્હાવો લેવા આમંત્રણ પણ પાઠવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ ચેમ્પિયનશીપ ૧૧ ઓક્ટોબર સુધી યોજાશે. ઉદ્ઘાટન સમારોહમાં સુંદર લાઇટ એન્ડ સાઉન્ડ શો તથા સાંસ્કૃતિક પ્રસ્તુતિએ ઉપસ્થિતોનું મનોરંજન કર્યું હતું. ઓફિશિયલ્સ અને પ્લેયર્સના માર્ચ ઈન સાથે સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી.

૧૧મી એશિયન એક્વાટિક્સ ચેમ્પિયનશિપના ઉદ્ઘાટન સમારોહમાં સાંસદ હસમુખ પટેલ અને દિનેશ મકવાણા, સ્થાનિક ધારાસભ્ય જીતેન્દ્ર પટેલ, ધારાસભ્ય દિનેશ કુશવાહ, ગોવાના પૂર્વ મુખ્યમંત્રી અને વર્લ્ડ એક્વાટિક્સના વર્તમાન બ્યુરો મેમ્બર દિગંબર કામત, એશિયન એક્વેટિક્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ફરીદ ફત્તાહિયાન, સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ આર.એન. જયપ્રકાશ, સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના જનરલ સેક્રેટરી મોનલ ચોકસી અને ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મુખ્ય સચિવ અશ્વની કુમાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ સંદીપ સાગલે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો સહિત ખેલાડીઓ, કોચિસ અને ચેમ્પિયનશિપ સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *