ભારતની ક્રાંતિકારી લાઈટ-આધારિત ઈન્ટરનેટ ટેકનોલોજી ઈન્સ્ટોલ કરવા સાથે સિલિકોન હાર્લેમ અમેરિકાની સૌપ્રથમ સ્માર્ટ ઑફિસ બની
ન્યૂયોર્ક/ગુજરાત
ન્યૂયોર્ક શહેરમાં અમેરિકાની સૌપ્રથમ LiFi (લાઈટ ફિડેલિટી) ઈન્ટરનેટ સિસ્ટમનો પ્રારંભ કરીને ગુજરાતસ્થિત નવ વાયરલેસ ટેક્નોલોજીસ પ્રા. લિ.એ ઇતિહાસ રચી દીધો છે. JESCO વેન્ચર્સ લેબના સહયોગમાં સિલિકોન હાર્લેમ ખાતે આ ઈન્સ્ટોલેશન સાથે ભારતીય ઇનોવેશને અમેરિકામાં કનેક્ટિવિટીના ક્ષેત્રમાં ઇતિહાસ રચી દીધો છે.
આ સિદ્ધિ સાથે LiFi ટેકનોલોજીની પેટન્ટ ધરાવનાર જૂજ વૈશ્વિક કંપનીઓમાં નવ વાયરલેસનો સમાવેશ થયો છે અને તે વિશ્વમાં સલામત, હાઈ-સ્પીડ તેમજ સૌથી આધુનિક-નેક્સ્ટ જનરેશન કમ્યુનિકેશન સિસ્ટમના ક્ષેત્રમાં આગેવાની કરી શકવાની ભારતની ક્ષમતા દર્શાવે છે.
નવ વાયરલેસ ટેકનોલોજીસના સીટીઓ અને સહ-સ્થાપક હાર્દિક સોનીએ જણાવ્યું કે, “ન્યૂયોર્કમાં LiFi લોન્ચ કરવું એ નવ વાયરલેસ માટે માત્ર એક માઈલસ્ટોન નહીં પરંતુ ભારત માટે ગૌરવની ક્ષણ છે. આ એ બાબતનો સ્પષ્ટ સંકેત છે કે મેઈડ ઈન ઈન્ડિયા ઇનોવેશન ઝડપી, સલામત તેમજ ઈન્ટરફેસ-મુક્ત ટેકનોલોજી દ્વારા વિશ્વના ડિજિટલ ભવિષ્યને નિર્ધારિત કરી શકે છે.”
ડેટા-કેન્દ્રિત બની રહેલી દુનિયામાં ક્રાંતિકારી ટેકનોલોજી
આ નવી વિકસાવેલી LiFi સિસ્ટમ અસાધારણ સ્પીડ, પૂર્ણ સલામતી તથા ઈન્ટરફેસ-મુક્ત કામગીરી આપે છે, પરિણામે સતત ડેટા-કેન્દ્રિત બની રહેલી દુનિયામાં તે વાયરલેસ કનેક્ટિવિટીનું ભવિષ્ય બની રહેશે. ગીચ બની ગયેલી રેડિયો ફ્રિક્વન્સી ઉપર આધારિત Wi-Fiને બદલે LiFi ટેકનોલોજી ડેટા ટ્રાન્ઝિટ માટે દૃશ્યમાન લાઈટ સ્પેક્ટ્રમનો ઉપયોગ કરે છે. તેને પરિણામે આ ટેકનોલોજી ઈલેક્ટ્રોમેગ્નેટિક ઈન્ટરફેસ સામે સુરક્ષિત રહે છે અને લાઈટ ઝોનની બહાર તેને હૅક કરવાનું લગભગ અશક્ય બનાવે છે.
આ લૉન્ચ સાથે LiFi મેશ નેટવર્કિંગનો અમેરિકામાં પ્રારંભ થયો છે, જેને કારણે ડેડ ઝોન અથવા સિગ્નલ ખોરવાઈ જવાની સંભાવના વિના સીમલેસ મોબિલિટી સુનિશ્ચિત થશે. અમેરિકામાં આ પ્રકારની સિદ્ધિ સૌપ્રથમ વખત હાંસલ થઈ છે.
ન્યૂયોર્ક ઉપરાંત અન્યત્ર પણ વિસ્તરણ
અમેરિકી ભાગીદાર JESCO વેન્ચર લેબ્સ મારફત નવ વાયરલેસ તેની LiFi ટેકનોલોજીનો વિસ્તાર ન્યૂયોર્ક ઉપરાંત અમેરિકામાં અન્યત્ર પણ કરશે અને મેઈડ ઈન ઈન્ડિયા ટેકનોલોજી સરકારી એજન્સીઓ, સંરક્ષણ સંસ્થાનો, હોસ્પિટલ, યુનિવર્સિટી, એરપોર્ટ તેમજ નાણાકીય સંસ્થાનો સુધી વિસ્તારશે. આ પહેલ સાથે 6G-યુક્ત ઓપ્ટિકલ વાયરલેસ ભવિષ્ય માટે પાયાનું કામ પણ થઈ ગયું છે.
JESCO વેન્ચર લેબ્સના સ્થાપક યશ રાવલે આ અંગે જણાવ્યું કે, “આ પ્રારંભ હર્લેમની ઑફિસને માત્ર સશક્ત બનાવવાની વાત નથી પરંતુ ભારતના LiFi સંશોધનને અમેરિકા સુધી લાવવાની આ ઐતિહાસક ક્ષણ છે—એ અમેરિકા જે પોતે વૈશ્વિક ટેકનોલોજીનું કેન્દ્ર છે. આ ઇન્સ્ટોલેશન સાથે રાષ્ટ્રવ્યાપી ક્રાંતિનો પ્રારંભ થયો છે.”
