ગાંધીધામ ખાતે 14 ઓક્ટોબરથી પ્રતિષ્ઠિત સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ શરૂ થશે

Spread the love

ગાંધીધામ

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે યોજાતી રાજ્યની સૌથી પ્રતિષ્ઠિત ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025નો મંગળવારથી આદિપુર, ગાંધીધામના સ્વ. એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે પ્રારંભ થશે.

14મી થી 18મી ઓક્ટોબર દરમિયાન યોજાનારી આ ટુર્નામેન્ટમાં વર્તમાન ટીટી કેલેન્ડરના મહત્તમ રેન્કિંગ પોઇન્ટ અહીંથી મળવાના છે.

પાંચ દિવસીય ટુર્નામેન્ટમાં 550 એન્ટ્રી મળી છે અને તેના માટે સ્ટિગાના નવ ટેબલનો ઉપયોગ કરાશે. ટુર્નામેન્ટમાં રાજ્યના ટોચના ખેલાડી ધૈર્ય પરમાર, ચિત્રાક્ષ ભટ્ટ, ફ્રેનાઝ છિપીયા, ઓઇશિકી જોઆરદાર, ફિલઝાહ ફાતીમા કાદરી, અભિલાષ રાવલ, નામના જયસ્વાલ અને જયનિલ મહેતા ભાગ લેનારા છે. જેના માટે 4,75000 રૂપિયાની ઇનામી રકમ વહેંચાશે. ભારતની આ એવી પ્રથમ ટુર્નામેન્ટ છે જેમાં ટીમ ઇવેન્ટમાં પણ ઇનામી રકમ અપાશે.

જુનિયર્સમાં વિવાન દવે, આયુષ તન્ના, રિયા જયસ્વાલ, પ્રથા પવાર, જન્મેજય પટેલ, ધ્યેય જાની, દાનિયા ગોદીલ, દેવ ભટ્ટ, હિમાંશ દહિયા, જિયા ત્રિવેદી અને મૌબોની ચેટરજી જેવા યુવાન અને પ્રતિભાશાળી ખેલાડીઓ પણ રમશે.

વ્યક્તિગત ઇવેન્ટ ઉપરાંત વિવિધ ખેલાડીઓને પોતાના જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવાની પણ તક મળી રહેશે. રાજ્યના 13 જિલ્લાની છ ટીમ ઇવેન્ટમાં ભાગ લેશે જેમાં મેન્સ અને વિમેન્સ, બોયઝ અને ગર્લ્સ અંડર-19 તેમજ બોયઝ અને ગર્લ્સ અંડર-15ની ટીમોનો સમાવેશ થાય છે.

જીએસટીટીએના પ્રમુખ પ્રમોદ ચૌધરીએ જણાવ્યું હતું કે “આ ચેમ્પિયનશિપ રાજ્યમાં આ રમતના વિકાસ અને મજબૂતીનું પ્રતિબિંબ છે કેમ કે આ વખતે ભારતીય ટેબલ ટેનિસના ઇતિહાસમાં પહેલી વાર ટીમ ચેમ્પિયનશિપ માટે પણ ઇનામી રકમ આપવામાં આવનારી છે. રાજ્યમાં ટેબલ ટેનિસની રમતના વિકાસમાં આ એક મોટી હરણફાળ છે.”

જીએસટીટીએના સેક્રેટરી હરિ પિલ્લાઈએ જણાવ્યું હતું કે “આ મહત્વની ટુર્નામેન્ટ માટે તમામ માળખાગત સવલતો તથા સ્ટેડિયમની સવલત પૂરી પાડવા માટે અમે કેડીટીટીએના આભારી છીએ.”

ટીમ ચેમ્પિયનશિપના ક્રમાંક:

મેન્સ :  પ્રથમ ક્રમ: અમદાવાદ —  બીજો ક્રમ : સુરત

વિમેન્સ: પ્રથમ ક્રમ: સુરત — બીજો ક્રમ : અમદાવાદ

બોયઝ અંડર-19: પ્રથમ ક્રમ: ભાવનગર — બીજો ક્રમ : અરાવલ્લી

ગર્લ્સ અંડર-19: પ્રથમ ક્રમ: ભાવનગર — બીજો ક્રમ : સુરત

બોયઝ અંડર-15: પ્રથમ ક્રમ: કચ્છ — બીજો ક્રમ : સુરત

ગર્લ્સ અંડર-15: પ્રથમ ક્રમ: સુરત — બીજો ક્રમ : ભાવનગર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *