બી.એ.પી.એસ. સ્વામિનારાયણસંસ્થાના અમદાવાદ શહેરના કુલ ૧૫૦૦ બાળકો અને બાલિકાઓએ સંસ્કૃત શ્લોકો મુખપાઠકરી પુરાણોની પરંપરાને જીવંત કરી બતાવી
અમદાવાદ
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના સંકલ્પ મુજબ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની બાળપ્રવૃત્તિ દ્વારા કુલ ૧૫,૬૬૬ બાળ-બાલિકાઓએ સત્સંગ દીક્ષા ગ્રંથના ૩૧૫ સંસ્કૃત શ્લોકોનો સંપૂર્ણ મુખપાઠ પૂર્ણ કરી અનોખો વિક્રમ સર્જી દીધો છે.આ મહત્વપૂર્ણ સિદ્ધિ બદલ દિલ્હીના ભારતીય કેન્દ્રીય સંસ્કૃત વિશ્વ વિદ્યાલયના કુલપતિએ મહંત સ્વામી મહારાજને અભિનંદન પાઠવતો પત્ર લખ્યો હતો, જેમાં તેઓએ જણાવ્યું હતું કે,સંભવતઃ આ એક વિશ્વવિક્રમ છે કે જેમાં ૩ વર્ષથી લઈને ૧૩ વર્ષ સુધીના ૧૫૦૦૦ થી વધુ બાળકોએ સમગ્ર સંસ્કૃત ગ્રંથનો મુખપાઠ એક વર્ષમાં પૂર્ણ કર્યો છે.
આ અભિયાનમાં સંસ્થાના સંતો અને કાર્યકરોની ટીમ દ્વારા વાલીઓ અને બાળકો માટે પ્રેરણા સભાઓ યોજવામાં આવી હતી. વિવિધ સેન્ટરોમાં ઉદ્દઘોષ સભાઓ દ્વારા સત્સંગદીક્ષા ગ્રંથને લગતું તમામ સાહિત્ય વિવિધ માધ્યમો દ્વારા બાળકો સુધી પહોંચાડવામાં આવ્યું હતું. આ આયોજનમાં નિઃસ્વાર્થભાવે જોડાયેલા સ્વયંસેવકોને બાળકોને મુખપાઠ કઈ રીતે કરાવવો, રીવીઝન ક્યારે, કેટલું અને કેવી રીતે લેવું તેની વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી. તે માટે ઓનલાઈન મિટિંગો અને ટ્રેનિંગ કલાસીસનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મુખપાઠ યજ્ઞમાં૩ વર્ષથી ૧૩ વર્ષ સુધીનાં બાળકો અને બાલિકાઓ જોડાયા હતા. આ બાળકો અને બાલિકાઓને મુખપાઠ કરાવવામાં તેઓના વાલીઓની પણ ખૂબ મહેનત જોવા મળી હતી. ઘણા બાળકો ખૂબ જ નાના હતા કે જેઓ હજુ લખી કે વાંચી શકતા નથી છતાં પણ તેમણે પોતાની માતાના સહયોગથી માત્ર સાંભળીને શ્લોક યાદ રાખી પોતાની કાલી ઘેલી ભાષામાં મુખપાઠ પૂર્ણ કર્યો હતો. વાલીઓ બાળકોના અભ્યાસની સાથે સમયની અનુકુળતા કરી, બાળકોને મુખપાઠ કરાવતા. આ સમગ્ર મુખપાઠ દરમિયાન વાલીઓને બાળકોમાં રહેલ પ્રતિભાનો પરિચય થયો હતો. વાલીઓએ એ પણ અનુભવ્યું હતું કે, મુખપાઠ કરવાથી બાળકોના અભ્યાસમાં પણ પ્રગતિ જોવા મળી હતી. મુખપાઠ દરમિયાન ઘણા બાળકોએ શારીરિક તકલીફોની વચ્ચે, સારા-નરસા પ્રસંગોની વચ્ચે પણ દ્રઢતાપૂર્વક, ગુરુને રાજી કરવાની ભાવનાથી મુખપાઠ પૂર્ણ કર્યો હતો. બાળકોની આવી ધગશ અને મહેનત જોઈ, કાર્યકરો અને વાલીઓએ પોતાની હથેળી અને સુશોભિત વસ્ત્રો પર બાળકોના પગલા પડાવી અભિવાદિત કર્યા હતા. બાળકોને મુખપાઠ પૂર્ણ થયા બાદ વિવિધ ઈનામો પણ અપાયાં હતાં.
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વાદમાં કહેલું હતું કે, ‘મુખપાઠથી સત્સંગ અને અભ્યાસ બન્નેમાં ખૂબ પ્રગતિ થશે.’ આજનું વિજ્ઞાન પણ સ્વીકારે છે કે મુખપાઠ દ્વારા અને તેમાં પણ સંસ્કૃત ભાષાના મુખપાઠ દ્વારા યાદશક્તિ અને બૌદ્ધિક ક્ષમતામાં ખૂબ વધારો થાય છે. આ મુખપાઠ અભિયાનમાં જોડાયેલ બાળકો અને બાલિકાઓના વાલીઓને મુખપાઠ દરમિયાન તેમના બાળકોમાં રહેલી ક્ષમતા વિવિધ પ્રસંગોએ પ્રત્યક્ષ રૂપે જોવા મળી હતી. મોટા ભાગના બાળકોએ મુખપાઠ એવી રીતે કર્યો છે કે તેઓ ફક્ત નંબર પરથી શ્લોકો મોઢે બોલી શકે છે, શ્લોકોના અર્થ પણ બોલી શકે છે, અને વિષય મુજબ શ્લોકોનું વર્ગીકરણ પણ કરી શકે છે.
આ મુખપાઠ અભિયાનની પૂર્ણાહુતિ પ્રસંગે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર,અમદાવાદ ખાતે તારીખ ૨૮ઓક્ટોબર, મંગળવારના રોજ બી.એ.પી.એસ. બાળપ્રવૃતિ દ્વારા પૂજ્ય સંતોના વિદ્વત્તાસભર માર્ગદર્શન હેઠળ ‘સત્સંગદીક્ષા હોમાત્મક યજ્ઞ’નું આયોજન કરવામાં આવ્યું હતું.પ્રાચીન પરંપરાને સજીવન કરનારકુલ ૧૫૦૦ જેટલા બાળ બાલિકાઓઆ વૈદિક હોમાત્મક યજ્ઞમાં જોડાયાં હતાં.
મહંત સ્વામી મહારાજની પ્રેરણાથીસંપૂર્ણ મુખપાઠ કરનાર તમામ ૧૫,૬૬૬ બાળકો અને બાલિકાઓનો અભિવાદન સમારોહ ‘મિશન રાજીપો અભિવાદન મહોત્સવ’ તા.૨૯ ઓક્ટોબર, બુધવારે સાંજે ૬:૩૦ વાગ્યાથી ઓનલાઈન માધ્યમ દ્વારા યોજાશે,જેમાં દરેક બાળ-બાલિકા વિદ્વાન પોતાના ઘરેથી જ એમના માતા-પિતા, સગા-સંબંધી, મિત્રો, શિક્ષકો અને પાડોશીઓ સાથે જોડાશે. આ અભિવાદન સમારોહમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આ તમામ બાળકો પર અંતરના આશિષ વરસાવી, વિશિષ્ટ રીતે અભિવાદન કરશે.
આ સમગ્ર મુખપાઠ આયોજનમાં બી.એ.પી.એસ. સંસ્થાના બાળ પ્રવૃત્તિ મધ્યસ્થ કાર્યાલયના સંતો, સ્થાનિક બાળ પ્રવૃત્તિ સંભાળતા પૂજ્યભગવતસેતુસ્વામી અને બાળ કાર્યકરોની ટીમે ખૂબ જહેમત ઉઠાવી છે.
