રમતમાં મેડલ માટેની ખેલાડીમાં પ્રતિબદ્ધતા જરૂરીઃ યોગેશ્વર દત્ત

Spread the love

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો કુશ્તી-શૂટિંગમાં દબદબો પણ ઘરઆંગણે વધુ મેડલની આશા

નરેન્દ્ર આઈ. પંચોલી

અમદાવાદ

ખેલાડી કોઈ પણ રમત પસંદ કરે અને તેમાં સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે મહેનત કરે તો જ મેડલ સુધીની સફર ખેડી શકે, એમ ઓલિમ્પિકના મેડલ વિજેતા રેસલર યોગેશ્વર દત્તે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના બીકોર દ્વારા ગુજરાત અને ભારતમાં ઓલિમ્પિઝમને પ્રોત્સાહન આપવા માટેની રણનીતિક પહેલોના અનાવરણના કાર્યક્રમ સમયે એક ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું.

2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની ગુજરાત (અમદાવાદ)ને મળવા પર ખુશી વ્યક્ત કરતા યોગેશ્વરે કહ્યું હતું કે કોમનવેલ્થ ગેમ્સમાં દેશના ખેલાડીઓને ઘરઆંગણાનો લાભ મળશે અને તેમની પાસે વધુ મેડલની આશા રાખી શકાય. એમેય કોમનવેલ્થ ગેમ્સની કુશ્તી અને શૂટિંગની ગેમ્સમાં ભારતનો દબદબો જોવા મળે જ છે પણ હવે ઘરઆંગણે ખેલાડીઓ વધુ મેડલ જીતે એવી આશા વધારે પડતી નહીં હોય.

2010 બાદ દેશને યજમાન પદ મળતાં મેડલ્સ વધવાનો વિશ્વાસ

ઓલિમ્પિક મેડાલિસ્ટે 2010 બાદ ભારતને કોમનવેલ્થનું યજમાન પદ મળ્યું છે ત્યારે દેશના ખેલાડીઓ ખાસ કરીને કુશ્તીબાજો વધુ મેડલ મેળવશે એવો મને વિશ્વાસ છે. ગુજરાતના ખેલાડી પણ મેડલ સુધી પહોંચે તો નવાઈ નહીં હોય. કેમકે તાજેતરમાં જ ગુજરાતની એક છોકરીએ અંડર-14માં ઉત્કૃષ્ટ દેખાવ સાથે મેડલ જીત્યો છે ત્યારે આ છોકરી જ નહીં અન્ય ખેલાડીઓ પણ મેડલની દોડમાં સામેલ થઈ શકે છે. યોગેશ્વરે વધુમાં કહ્યું કે કોમનવેલ્થમાં છ વેઈટ કેટગરીમાં છોકરા-છોકરીના મળીને 12 જેટલા મડલ્સ હોય છે જેમાં યજમાન તરીકે ભારત આ રમતની કેટગરીમાં વધારો કરી શકે છે એ સ્થિતિમાં દેશના ખેલાડીઓને વધુ મેડલ્સ મેળવવાની તક ચોક્કસ રહેશે. ભારત કોમનવેલ્થમાં કુશ્તીમાં ગ્રીકો –રોમન તથા કબડ્ડી જેવી રમતોને યજમાન તરીકે સામેલ કરી શકે છે.

સરકાર સુવિધા આપે પણ મેડલ માટે ખેલાડીનું લક્ષ્ય સ્પષ્ટ હોવું જરૂરી

ઓલિમ્પિક ઉપરાંત એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સમાં પણ મેડલ જીતી ચૂકેલા યોગેશ્વર દત્તે કહ્યું હતું કે  શરૂઆથમાં તો કોઈ પણ રમતમાં ખેલાડી સંપન્ન હોતો નથી. હવે સરકાર દરેક રમત પર ધ્યાન આપી રહી છે અને ખેલાડીઓ માટે સુવિધાઓ વધારી રહી છે ત્યારે માત્ર આર્થિક સ્થિતિની આડમાં નબળા દેખાવની વાત કરવી યોગ્ય નથી. ખેલાડી જે-તે રમત માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ હોય તો તેના માટે તમામ પડકાર પાર પાડવા શક્ય છે.

ગુજરાતમાં હવે સ્પોટર્સ કલ્ચર ખીવી રહ્યું છે

ગુજરાતમાં અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય મેડલ જીતી શકે એવા ખેલાડીઓ ઓછા હતા પરંતુ હવે જે પ્રકારે 2036માં ઓલિમ્પિકની યજમાની પર નજર રાખીને દેશમાં ખાસ કરીને અમદાવાદમાં જે પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે એ જોઈને રાજ્યમાં હવે સ્પોટર્સનું કલ્ચર જોરદાર રીતે વિકસી રહ્યું હોવાનું ચોક્કસ કહી શકાય. દેશમાં જ નહીં ગુજરાતમાં પણ પ્રતિભાશાળી ખેલાડીઓની કમી નથી પરંતુ તેઓને યોગ્ય તાલીમ અને સુવિધા મળે તો આ પ્રતિભાને મેડલ્સમાં તબદીલ કરી શકાય એમ છે, એમ હરિયાણાના રોહતકમાં પોતાની કુશ્તીની એકેડમીમાં 100થી વધુ યુવા પ્રતિભાઓને નિખારતા યોગેશ્વર દત્તે કહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *