વિન્ડીઝની ટીમેના આઠ વિકેટે 176 રનના જવાબમાં દ.આફ્રિકાની ટીમે 16.1 ઓવરમાં એક વિકેટે177 રન બનાવીને મેચ જીતી લીધીઃ સતત બે મેચ જીતવા છતાં દ.આફ્રિકાનો સ્પર્ધાની સેમિફાઈનલમાં પ્રવેશ નિશ્ચિત થયો નથી. તેની પાછળના કારણ એ છે કે ઝિમ્બાબ્વે ભારત અને વેસ્ટઈન્ડિઝને હરાવીને ચાર પોઈન્ટ મેળવે તથા વેસ્ટ ઈન્ડિઝ ભારતને હરાવીને ચાર પોઈન્ટ મેળવે. જો ઝિમ્બાબ્વે ભારત સામે જીતે તો દ.આફ્રિકાનો સેમિફાઈનલમાં પ્રવેશ નિશ્ચિત થઈ શકશે
અમદાવાદ
સુકાની એડન માર્કરામ (82 નો.આ.), ક્વિન્ટન ડીકોક (47) અને રેયન રિક્લટન (45 નો.આ.)ની શાનદાર અડધી સદીઓની મદદથી દક્ષિણ આફ્રિકાએ ટી20 વર્લ્ડ કપની સુપર એઈટની ગ્રુપ -1ની મેચમાં વેસ્ટઈન્ડિઝને નવ વિકેટે આસાન પરાજય આપી સ્પર્ધાની સેમિફાઈનલ માટેનો તેનો દાવો મજબૂત કર્યો હતો.માર્કરામ 46 બોલમાં સાત બાઉન્ડ્રી, ચાર સિક્સર સાથે 82 રન અને રિક્લટન 28 બોલમાં ચાર બાઉન્ડ્રી બે સિક્સર સાથે 45 રને નોટ આઉટ રહ્યા હતા.
177 રનના પડકારનો પીછો કરવા ઊતરેલી દ.આફ્રિકાની ટીમના ઓપનર્સ માકરામ અને ડીકોકે ટીમ માટે સીર શરૂઆત કરતા પહેલી ત્રણ ઓવરમાં જ વિના વિકેટે 31 રન કરી લીધા હતા. પાંચમી ઓલરના અંતે તો દ.આફ્રિકાએ કોઈ ફણ વિકેટ ગુમાવ્યા વગર 53 રન બનાવી લીધા હતા. છ ઓવરના પાવર પ્લેમાં દ.આફ્રિકાની ટીમે 69 રન બનાવી લીધા હતા. આ ભાગીદારી ચેઝે ડીકોકને હોલ્ડરના હાથમાં ઝિલાવીને તોડી હતી. બન્ને વચ્ચે 49 બોલમાં 95 રનની ભાગીદારીએ મેચ દ.આફ્રિકા તરફે કરી હતી. ડીકોકે 24 બોલમાં ચાર બાઉન્ડ્રી-ચાર સિક્સર સાથે 49 રન બનાવ્યા હતા. માર્કરામે 27 બોલમાં છ બાઉન્ડ્રી અને બે સિક્સર સાથે તેના 50 રન પૂરા કર્યા હતા. દ.આફ્રિકાએ 82 બોલમાં 150 રન કરી લીધા હતા.
અગાઉ દક્ષિણ આફ્રિકાના સુકાની એડન માર્કરામે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો. કેશવ મહારાજે પહેલી ઓવર નાખી હતી.વિન્ડીઝના સુકાની હોપે ત્રીજા જ બોલે સિક્સર અને પછી બાઉન્ડ્રી ફટકારીને ટીમના મજબૂત દેખાવનો મનસુબો સ્પષ્ટ કર્યો હતો.ઓવરના છઠ્ઠા બોલે હોપે ઊંચો ફટકો માર્ટો હતો જે વાઈડ મિડઓન પર ગયો જ્યાં ફિલ્ડર કેચ પકડ શક્યો નહતો અને સિક્સર મળી હતી. પહેલી ઓવરમાં વિન્ડીઝની ટીમે 17 રન ઝૂડી કાઢ્યા હતા. બીજી ઓવર માર્કો જેન્શને નાખી હતી. જેના બીજા જ બોલે બેન્ડન કિંગે બાઉન્ડ્રી ફટકાર્યા બાદ કિંગે આ ઓવરમાં ત્રણ બાઉન્ડ્રી ફટકારી હતી.ઈનિંગ્સની ત્રીજી રબાડાની ઓવરના બીજા જ બોલે હોપ વિકેટકીપર ડી કોકના હાથમાં આસાન કેચ આપી બેઠો હતો તેણે છ બોલમાં એક બાઉન્ડ્રી બે સિક્સર સાથે 16 રન બનાવ્યા હતા. શિમરોન હેતમાયરે આવતાની સાથે આક્રમક વલણ અપનાવવા પ્રયાસ કર્યો પણ તે રબાડાના એક બોલ પર શોર્ટ મિડઓન પર તક મળ્યા બાદ એના પછીના બોલે જ તે શોર્ટ મિડવિકેટ પર કેશવ મહારાજના હાથમાં આસાન કેચ આપી બેઠો હતો. તેણે ત્રણ બોલમાં બે રન બનાવ્યા હતા. આ સાથે વિન્ડીઝનો સ્કોર 2.5 ઓવરમાં બે વિકેટે 31 રન હતો. કિંગે જેન્શનના સ્થાને બોલિંગમાં આવેલા નગીડીના બે બોલ પર બે બાઉન્ડ્રી તો મારી હતી પણ એ પછીના જ બોલે તે વિકેટકીપર ડીકોકના હાથમાં આસાન કેચ આપી બેઠો હતો. તેણે 11 બોલમાં પાંચ બાઉન્ડ્રી સાથે 21 રન બનાવ્યા. રોસ્ટન ચેઝ માત્ર બે રન બનાવીને નગીડીના બોલે બોલ્ડ થઈ ગયો હતો. શેરફેન રુધરફોર્ડે બોસ્ચના બોલે શાનદર સિક્સ ફટકારી પણ પછીના જ બોલે ડીકોકના હાથમાં 12 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. રોવમન પોવેલને નગીડીએ કવર પર બ્રેવિસના હાથમાં નવ રને ઝિલાવી દીધો હતો. આ સાથે વિન્ડીઝે તેની છઠ્ઠી વિકેટ 71 રન પર ગુમાવી હતી.બોસ્ચે મેથ્યુ ફોર્ડને 11 રનના વ્યક્તિગત સ્કોર પર મિડવિકેટ પર રિકલ્ટનના હાથમાં આબાદ ઝિલાવી વિન્ડીઝના સન્માનનિય સ્કોર સામે શંકા ઊભી કરી હતી. તેણે નવ બોલનો સામનો કરતા એક બાઉન્ડ્રી અને એક સક્સર ફટકારી હતી. વિન્ડીઝે તેના 100 રન 13.2 ઓવરમાં પૂરા કર્યા હતા. હોલ્ડરે નગીડીના બોલે સિક્સ ફટકારીને ટીમના સ્કોરને 104 રને પહોંચાડ્યો હતો.એ પછી જેસન હોલ્ડર અને શેફર્ડે આઠમી વિકેટમાં માત્ર 35 બોલમાં 50 રનની ભાગીદારી નિભાવીને ટીમને લડાયક સ્થિતિમાં પહોંચાડી હતી. વિન્ડીઝે 18મી ઓવરમાં સાત વિકેટે 150 રનનો આંકડો પાર કરી લીધો હતો. 18મી જેન્સનની ઓવરમાં શેફર્ડે 23 રન ઝૂડી કાઢ્યા હતા.છેલ્લી બોસ્ચની ઓવરના પાંચમા બોલે હોલ્ડર રન આઉટ થયો હતો. તેણે 31 બોલમાં ચાર બાઉન્ડ્રી ત્રણ સિક્સર સાથે 49 રન બનાવ્યા હતા. શેફર્ડે ઈનિંગ્સના છેલ્લા બોલે બાઉન્ડ્રી ફટકારીને ટીમના સ્કોરને આઠ વિકેટે 176 રને પહોંચાડ્યો હતો. તે 37 બોલમાં ત્રણ બાઉન્ડ્રી ચાર સિક્સર સાથે 52 રને નોટઆઉટ રહ્યો હતો.
