નવી દિલ્હીમાં આયોજિત આઈટીએફ ડબલ્યૂ ૧૫ ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં શાનદાર એન્ટ્રી સાથે જ પ્રોફેશનલ ટેનિસમાં ભારતીય મહિલા ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાના 25 વર્ષ જૂના રેકોર્ડને તોડ્યો
નવી દિલ્હી
ગુજરાતના જૂનાગઢની ૧૪ વર્ષીય ટેનિસ ખેલાડી જેન્સી કાનાબારે નવી દિલ્હી ખાતે રમાઈ રહેલી આઈટીએફ ડબલ્યૂ ૧૫ પ્રોફેશનલ ટુર્નામેન્ટમાં અદભુત રમત દાખવીને ક્વાર્ટર ફાઈનલમાં શાનદાર પ્રવેશ મેળવ્યો છે. આ ઐતિહાસિક સિદ્ધિ સાથે જ તે પ્રોફેશનલ સિંગલ્સ ઈવેન્ટની અંતિમ આઠમાં પહોંચનારી ભારતની સૌથી યુવા મહિલા ટેનિસ ખેલાડી તરીકે પ્રસ્થાપિત થઈ ગઈ છે.
પ્રી-ક્વાર્ટર ફાઇનલ મેચમાં જેન્સીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા પોતાનાથી આઠ વર્ષ મોટી અને ૨૨ વર્ષીય અનુભવી ખેલાડી સંદીપ્તી સિંહ રાવ સામે ૬-૩, ૭-૫ ના સીધા સેટમાં વિજય મેળવ્યો હતો. ખાસ કરીને બીજા સેટમાં જ્યારે તે મુશ્કેલીમાં હતી ત્યારે તેણે ચાર અત્યંત મહત્વના સેટ પોઈન્ટ બચાવીને અદભુત માનસિક મજબૂતાઈનો પરિચય આપ્યો હતો. આ ઐતિહાસિક જીત નોંધાવવા સાથે જ જેન્સી કાનાબારે ભારતીય ટેનિસની મહાન ખેલાડી સાનિયા મિર્ઝાના નામે રહેલો પચ્ચીસ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો.. પ્રોફેશનલ ટેનિસ સર્કિટમાં આ પ્રદર્શન તેની ઉજ્જવળ કારકિર્દીનો મજબૂત પાયો નાખ્યો છે.
સાનિયા મિર્ઝાથી 11 દિવસ નાની વયે સિદ્ધિ હાંસલ કરી
જેન્સી કાનાબારે માત્ર ૧૪ વર્ષ અને ૫ મહિનાની નાની ઉંમરે આઈટીએફ ડબલ્યૂ ૧૫ જેવી પ્રોફેશનલ સિંગલ્સ ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવીને સાનિયા મિર્ઝાનો રેકોર્ડ તોડ્યો છે. અગાઉ સાનિયા મિર્ઝાએ આ જ સિદ્ધિ ૧૪ વર્ષ, ૫ મહિના અને ૧૧ દિવસની ઉંમરે હાંસલ કરી હતી. જેન્સીએ સાનિયા કરતા ૧૧ દિવસ નાની ઉંમરે આ ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કરીને ભારતીય ટેનિસના ઈતિહાસમાં સૌથી યુવા ક્વાર્ટર ફાઇનલિસ્ટ બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.
