રિલાયન્સ રિટેલે પ્રિયંકા ચોપરા જોનાસની બ્રાન્ડ એનોમલી હસ્તગત કરી, બ્યૂટી પોર્ટફોલિયોના વિસ્તરણને વેગ આપશે

Spread the love

ભારત અને વૈશ્વિક બજાર વૃદ્ધિને વેગ આપવા માટે એનોમલીના ટ્રેડમાર્ક્સ અને ડિજિટલ એસેટ્સ હસ્તગત કર્યા ~

રિટેલ નેટવર્ક અને ટીરા‘ દ્વારા ઓમનીચેનલ વ્યાપના વિસ્તારને ઝડપી બનાવશે ~

મુંબઈ

રિલાયન્સ રિટેલ લિમિટેડે (આર.આર.એલ.) આજે પ્રિયંકાની ગ્લોબલ હેરકેર બ્રાન્ડ એનોમલી હસ્તગત કરવાની જાહેરાત કરી છે, જેમાં તેના ટ્રેડમાર્ક્સ, બ્રાન્ડ એસેટ્સ અને ડિજિટલ પ્રોપર્ટીઝનો સમાવેશ થાય છે. આ અધિગ્રહણ રિલાયન્સ રિટેલના ઝડપથી વિકસતા બ્યૂટી પોર્ટફોલિયોના નોંધપાત્ર વિસ્તરણને દર્શાવે છે અને ભારત તેમજ વૈશ્વિક સ્તરે ઉચ્ચ વૃદ્ધિ ધરાવતી કન્ઝ્યુમર બ્રાન્ડ્સ બનાવવા અને તેને વિકસાવવાની તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.

વિશ્વસ્તરીય અભિનેત્રી અને ઉદ્યોગસાહસિક પ્રિયંકા ચોપરા જોનાસ દ્વારા 2021માં સ્થપાયેલી એનોમલી એક સ્વચ્છ, વીગન અને ઉચ્ચ ગુણવત્તાવાળી હેરકેર બ્રાન્ડ છે, જે કીફાયતી કિંમતે ઉપલબ્ધ છે. તેની શરૂઆતથી જ આ બ્રાન્ડ મુખ્ય વૈશ્વિક બજારોમાં વિતરણ સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત ઓળખ બનાવી ચુકી છે.

આ અધિગ્રહણ થકી રિલાયન્સ રિટેલ આ બ્રાન્ડની તમામ બૌદ્ધિક સંપત્તિ અને ડિજિટલ ઇકોસિસ્ટમ પર સંપૂર્ણ માલિકી મેળવશે, જે તેને તેના વિશાળ રિટેલ નેટવર્ક અને ઓમનીચેનલ પ્લેટફોર્મ્સ દ્વારા એનોમલીને તેનો વ્યાપ વધારવામાં સક્ષમ બનાવશે. આ પગલું રિલાયન્સ રિટેલની એ વ્યાપક વ્યૂહરચનાને અનુરૂપ છે, જેનો હેતુ ઝડપથી વિકસતા બ્યૂટી અને પર્સનલ કેર કેટેગરીમાં પોતાની પકડ મજબૂત કરવાનો છે. કંપની બ્રાન્ડના વિકાસને વેગ આપવા અને ગ્રાહકો સુધી તેની પહોંચ વધારવા માટે પોતાના ઓફલાઇન સ્ટોર્સ અને ટીરા સહિતના ડિજિટલ કોમર્સ પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરશે.

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે, “એનોમલીને અમારા પોર્ટફોલિયોમાં સામેલ કરવી એ નવા યુગની અને ઝડપથી વિકસતી બ્યૂટી બ્રાન્ડ્સના અમારા કલેક્શનને વિસ્તારવાની દિશામાં એક વ્યૂહાત્મક પગલું છે. એનોમલીની મજબૂત વૈશ્વિક ઓળખ, ક્લીન ફોર્મ્યુલેશનની ફિલોસોફી અને કીફાયતી કિંમત તેને અમારી ઇકોસિસ્ટમ માટે એક આકર્ષક ઉમેરો બનાવે છે. અમે અમારી ઓમનીચેનલ ક્ષમતાઓ અને ગ્રાહકોની ઊંડી સમજનો ઉપયોગ કરીને ભારતમાં બ્રાન્ડને વિસ્તારવા માટે પ્રિયંકા સાથે સહયોગ કરવામાં અપાર સંભાવનાઓ જોઈએ છીએ, સાથે જ તેની આંતરરાષ્ટ્રીય હાજરીમાં પણ વૃદ્ધિ ચાલુ રાખીશું.”

રિલાયન્સ રિટેલ ભારતને પ્રાથમિક બજાર ગણીને એનોમલીની બ્રાન્ડ ઈક્વિટી અને માર્કેટ શેરમાં વધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. ઇન્ડિયન હેર એન્ડ સ્કાલ્પની જરૂરિયાતો મુજબના નવા સંશોધનો આ વૃદ્ધિમાં મુખ્ય ભૂમિકા ભજવશે, સાથે જ પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને સ્થાનિક સોલ્યૂશન્સને પણ મજબૂત બનાવવામાં આવશે. આ બ્રાન્ડ તેની વૈશ્વિક વિકાસયાત્રાના ભાગરૂપે ઉત્તર અમેરિકા, યુનાઇટેડ કિંગડમ અને મધ્ય પૂર્વ જેવા બજારોમાં પણ પોતાની આંતરરાષ્ટ્રીય હાજરીનો વિસ્તાર કરવાનું ચાલુ રાખશે.

પ્રિયંકા ક્રિએટિવ ડાયરેક્ટર તરીકે બ્રાન્ડની ઉત્ક્રાંતિમાં અભિન્ન ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે, જેમાં તેઓ ઇનોવેશન, બ્રાન્ડ વિઝન અને પ્રોડક્ટ ડેવલપમેન્ટનું નેતૃત્વ કરશે. તેમણે જણાવ્યું હતું કે, “એનોમલી માટે આ એક નિર્ણાયક ક્ષણ છે. જે એક અત્યંત વ્યક્તિગત સફર તરીકે શરૂ થઈ હતી, તે આજે વાસ્તવિક ઉદ્દેશ્ય અને વૈશ્વિક મહત્વાકાંક્ષા ધરાવતી બ્રાન્ડ બની ગઈ છે અને રિલાયન્સ રિટેલ દ્વારા કરવામાં આવેલું આ અધિગ્રહણ એક નવા અને રોમાંચક પ્રકરણની શરૂઆત છે. તેમનો વ્યાપ, રિટેલ ક્ષેત્રનો અનુભવ અને ઇનોવેશન પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અમને એનોમલીને ભારતમાં અને વિશ્વભરના વધુ ગ્રાહકો સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે. હું ખાસ કરીને અદ્વિતીય ઈશા અંબાણી સાથે કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું, જેમના નેતૃત્વને હું ખૂબ મહત્વ આપું છું. ક્રિએટિવ ડાયરેક્ટર તરીકે મારી નવી ભૂમિકામાં હું એનોમલીના વિકાસમાં ઊંડાણપૂર્વક જોડાયેલી રહીશ અને એ સુનિશ્ચિત કરીશ કે અમે શરૂઆતથી જે બનાવવા માંગતા હતા તેને વળગી રહીને સતત પ્રગતિ અને નવીન સંશોધન કરતા રહીએ.”

આ વ્યૂહાત્મક જોડાણ રિલાયન્સ રિટેલના બ્યૂટી પોર્ટફોલિયોમાં ભવિષ્યલક્ષી કન્ઝ્યુમર બ્રાન્ડ્સને પસંદ કરવા અને તેને વિકસાવવા પરના સતત ફોકસને રેખાંકિત કરે છે. તે વૈશ્વિક બ્રાન્ડ ઈક્વિટીને કંપનીની બજાર કુશળતા, રિટેલ વ્યાપ અને ઓમનીચેનલ ક્ષમતાઓ સાથે જોડે છે, જેથી ભારત અને આંતરરાષ્ટ્રીય બજારોમાં એનોમલી માટે વૃદ્ધિના આગામી તબક્કાના દ્વાર ખોલી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *