અમદાવાદની ફાર્મા પેઢીઓ પરના દરોડામાં અંદાજે રૂ. ૧.૨૧ કરોડથી વધુ રકમનો શંકાસ્પદ દવાનો જથ્થો જપ્ત

Spread the love

નાગરિકોના આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન નહીં: નકલી, ગુણવત્તાવિહીન અને નશાકારક દવાઓના ગેરકાયદે વેચાણ સામે ‘ઝીરો ટોલરન્સ’ નીતિ સાથે રાજ્યવ્યાપી કડક કાર્યવાહી: આરોગ્ય મંત્રી, તંત્ર દ્વારા અમદાવાદ સહિત વડોદરા, સાવલી અને ભરૂચ જેવા સ્થળોએ ફાર્મા પેઢીઓ પર દરોડા

રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિવિધ સ્થળોએ દવાના નમૂનાઓનું સતત પરીક્ષણ કરી ભેળસેળ-વેચાણ કરતાં તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે અમદાવાદની ફાર્મા પેઢીઓ પરના દરોડામાં અંદાજે રૂ. ૧.૨૧ કરોડથી વધુ રકમનો શંકાસ્પદ દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તંત્ર દ્વારા વડોદરા, સાવલી અને ભરૂચ જેવા સ્થળોએ ફાર્મા પેઢીઓ પર દરોડા પાડીને શંકાસ્પદ દવાનો જથ્થો જપ્ત કરીને કાર્યવાહી કરવામાં આવી છે, તેમ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ વિગતો આપતા કહ્યું હતું.

ગુજરાતના નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જે અંગે આરોગ્ય મંત્રી પાનસેરીયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, “રાજ્ય સરકાર નાગરિકોના આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરશે નહીં. નકલી, ગુણવત્તાવિહીન અને નશાકારક દવાઓના ગેરકાયદે વેચાણ સામે અમે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવી છે.” આ અંગે આરોગ્ય મંત્રી શ્રી પાનસેરીયાએ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે ગાંધીનગર ખાતે બેઠક યોજીને ગુજરાતના યુવાધનને નશાની લત લગાવતી દવાઓના ગેરકાયદેસર ઉપયોગ કરતી તેમજ નકલી દવાઓનું ખરીદ-વેચાણ કરતી પેઢીઓ સામે કડક પગલાં લેવા સૂચના આપી હતી.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યભરમાં હાથ ધરવામાં આવેલા સઘન સર્ચ ઓપરેશનની વિગતો

અમદાવાદ શહેરમાં પવન ફોર્મ્યુલેશન દ્વારા કોડીન ઘટક ધરાવતી સીરપનું મોટા પ્રમાણમાં સંગ્રહ કરવામાં આવતું હતું. તપાસ દરમિયાન સ્થળ પરમોટા પ્રમાણમાં નાર્કોટિક, આદત બનાવનારી અને દુરુપયોગ માટે સંવેદનશીલ દવાઓ મળી આવી હતી. આ ઉપરાંત તપાસ દરમિયાન ખરીદી અને વેચાણના રેકોર્ડમાં પણ ગંભીર પ્રકારની ક્ષતિઓ જોવા મળી હતી. અહી આશરે રૂ. ૭૬.૫૧ લાખ કરતાં વધુની કિંમતની દવાઓનો જથ્થો પ્રોહિબિટ કરવામાં આવ્યો હતો.
વધુમાં, અમદાવાદના મે. યુસુફ મેડીસીન્સ, ગોમતીપુર ખાતે ‘HABBE AUJA’ નામની આયુર્વેદિક દવામાં એલોપેથિક ‘ડાયક્લોફેનેક’ ઘટક મળી આવતા તેને ‘સ્પૂરિયસ’ (બનાવટી) જાહેર કરી અંદાજિત રૂ. ૧૨ હજારની દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. Times Medicament Pvt. Ltd. મંજૂરી વિના જગ્યા બદલવા અને ‘મોન્જારો’ ઇન્જેક્શનના બિલિંગમાં અનિયમિતતા બદલ રૂ. ૪.૬૦ લાખની દવાઓ જપ્ત કરવામાં આવી છે. મે. AEDMAX LIFECARE, AHMEDABAD દ્વારા REXCRON-T SYRUP-કોડીન સીરપના ગેરકાયદેસસર વેચાણ સાથે સંકળાયેલ પેઢીના પરવાના ૧૫ દિવસ માટે સ્થગિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત Maxila Mediscience Pvt. Ltd. દ્વારા Tramadol અને Alprazolam જેવા સાયકોટ્રોપીક ઘટક ધરાવતી દવાઓનું ઉત્પાદન કરવામાં આવતું હતું જે અંગે વેચાણના રેકોર્ડની ખરાઇ કરીને તપાસ કરવામાં આવી રહી છે.

ઉપરાંત તંત્રના અધિકારીઓ દ્વારા મનહર નગર શોપિંગ સેન્ટરના ઈ-૨૪ના પ્રથમ માળે આવેલ દુકાનમાં પંચોને સાથે રાખી તપાસ કરતા આ જગ્યા ઉપર ધર્મેશભાઈ જયંતીલાલ સથવારા દ્વારા વગર પરવાને દવાનો વેચાણ અર્થે સંગ્રહ કરેલ જોવા મળેલ હતો. જે અંગે કાયદાની જોગવાઈઓ મુજબ જવાબદાર પેઢી ખાતેથી અંદાજિત રૂ. ૪૦ લાખનો જથ્થો જપ્ત કરીને પેઢી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે વડોદરામાં M/S. MEDICAMENT SOLUTIONS (P) LTD દ્વારા મેદસ્વીતા ઘટાડવા માટે વપરાતા “MOUNJARO KWIKPEN” ઇન્જેક્શનનું ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ઓનલાઇન ગેરકાયદે વેચાણ કરવામાં આવતું હતું. આ પેઢી ભ્રામક જાહેરાતો દ્વારા ઓનલાઇન ઓર્ડર મેળવી, દર્દીની તપાસ કર્યા વિના જ કુરિયરથી દવાઓ મોકલતી હતી, જે સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે. જેથી તંત્ર દ્વારા M/S. MEDICAMENT SOLUTIONS (P) LTD નું લાયસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવ્યું છે તેમજ આમાં સંડોવાયેલા તમામ ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

ઉપરાંત વડોદરાની M/S. AMICO FORMULATION LLP નામની દવા ઉત્પાદક પેઢી દ્વારા ‘ટાપેનટાડોલ હાઇડ્રોક્લોરાઇડ’ દવાના ઊંચા ડોઝનું ઉત્પાદન કરવામાં આવતું હતું. આ દવાઓનો આટલો ઊંચો ડોઝ તબીબી સારવારને બદલે માદક દ્રવ્ય તરીકે નશાના હેતુ માટે વપરાય તેવી પૂરી શક્યતા હોવાથી તંત્ર દ્વારા આ પેઢીની ઉત્પાદન પરમિટ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે.

તંત્ર દ્વારા સાવલી તાલુકાના ઘંટીયાળ ગામે દરોડો પાડવામાં આવ્યો હતો. અહી તપાસ દરમિયાન M/S. AMICO FORMULATION LLP પેઢીના કુલ ૨૨ નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જે પૈકી વડોદરાની લેબોરેટરી દ્વારા ‘MIXACRIP CAPLETS’નો નમૂનો “Not of Standard Quality” જાહેર કરવામાં આવ્યો છે. અપ્રમાણસર જાહેર થયેલી દવાનો ‘Stop Sale’ અને ‘Product Recall’ માટે કંપનીને નોટિસ આપવામાં આવી છે તેમજ તમામ દવાનો જથ્થો હાલ સાવલી પોલીસ દ્વારા જપ્ત કરીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.

ઉપરાંત ભરૂચની ALPHARD PHARMA કંપની દ્વારા પણ ‘ટાપેનટાડોલ હાઇડ્રોક્લોરાઇડ’ના ઊંચા ડોઝ ધરાવતી દવાઓનું ઉત્પાદન કરવામાં આવતું હતું. ભારત સરકાર દ્વારા એનઓસી રદ કરવામાં આવતા FDCA ગુજરાતે આ કંપનીની આ બનાવટ્ની એક્સ્પોર્ટ પરમિટ કાયમી રદ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *