એપ્રિલમાં ૪,૧૯૩થી વધુ એકમોની તપાસ; રૂ. ૧.૮૩ લાખનાં ૧,૦૧૮ કિગ્રા શંકાસ્પદ પનીરનો નાશ કરાયો

Spread the love

  • રાજ્યભરમાં “ખોરાક શુદ્ધિ અભિયાન” હેઠળ ભેળશેળિયા તત્વો સામે કરાઈ કડક કાર્યવાહી: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા
  • ઉનાળાની સિઝનનેધ્યાને લઈ તડબૂચ, શેરડીનો રસ અને મેંગો જ્યુસ સહિતના ૧,૭૦૫ નમૂનાની ચકાસણી કરાઈ
  • ગંભીર ઉલ્લંઘન કરનાર ૧૮ બેદરકાર એકમોને સીલ કરાયા
  • મહાનગરપાલિકાઓમાં નિયમોના ઉલ્લંઘન બદલ રૂ. ૨.૮૪ લાખથી વધુનો દંડ વસૂલાયો
  • આરોગ્ય મંત્રીશ્રીએ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સાથે બેઠક યોજી ડ્રાઇવને વધુ વેગવાન બનાવવા સૂચના આપી

ગાંધીનગર

રાજ્ય સરકાર નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ન કરવાની નીતિ પર હંમેશથી મક્કમ છે. આ અંતર્ગત આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આજે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી, રાજ્યમાં ચાલી રહેલી સ્પેશિયલ ડ્રાઇવની સમીક્ષા કરી હતી અને આ સ્પેશિયલ ડ્રાઇવને હજુ વધુ તીવ્ર બનાવવાના આદેશ આપ્યા હતા.

આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, ગુજરાત સરકાર નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને ભેળશેળ કરતા તત્વો સામે ‘શૂન્ય સહનશીલતા’ની નીતિ અપનાવવામાં આવી છે. રાજ્યમાં “ખોરાક શુદ્ધિ અભિયાન” હજુ પણ વધુ વેગવાન બનશે.

ભેળશેળિયા તત્વોને કડક ચેતવણી આપતા મંત્રીએ કહ્યું હતું કે, જે કોઈ પણ લોકો એનાલોગ પ્રોડક્ટને પનીર તરીકે વેચીને નાગરિકો સાથે છેતરપિંડી કરશે, તેમને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. ફૂડ બિઝનેસ ઓપરેટરો તાકીદે નિયમોનું પાલન શરૂ કરે, અન્યથા સરકાર તેમના વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરતા જરા પણ અચકાશે નહીં.

એપ્રિલ માસ દરમિયાન અભિયાન હેઠળ થયેલી કામગીરીની વિગતો આપતાં મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં પનીરના નામે એનાલોગ ડેરી ઉત્પાદનો વેચીને થતી છેતરપિંડી રોકવા માટે હાથ ધરાયેલી આ ડ્રાઇવ હેઠળ મેન્યુફેક્ચરિંગ યુનિટ, રેસ્ટોરન્ટ, ઢાબા અને હોકર્સ સહિત કુલ ૪,૧૯૩ જેટલા એકમોની તપાસ કરવામાં આવી હતી.

આ તપાસ દરમિયાન અંદાજિત રૂ. ૧,૮૩,૨૪૦ મૂલ્ય ધરાવતો આશરે ૧,૦૧૮ કિગ્રા શંકાસ્પદ પનીર/એનાલોગનો જથ્થો મળી આવતા તેને જપ્ત કરી, સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. જેમાં, ગંભીર બેદરકારી બદલ ૨૭૦ જેટલી એકમોને તંત્ર દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. આ ઉપરાંત ૧૧૮ જેટલા શંકાસ્પદ નમૂના લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલાયા છે, જેના પરિણામ આવ્યા બાદ કાયદેસરની કડક કાર્યવાહી કરાશે.

વધુમાં, મ્યુનિસિપલ કોર્પોરેશનો દ્વારા પણ નિયમોનું ઉલ્લંઘન કરનાર પેઢીઓ પાસેથી કુલ રૂ. ૨,૮૪,૩૦૦ નો દંડ વસૂલવામાં આવ્યો છે. આ ઉપરાંત ગંભીર બેદરકારી દાખવનાર ૧૮ જેટલા એકમોને તંત્ર દ્વારા સીલ પણ કરવામાં આવ્યા છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

આરોગ્ય મંત્રીએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, ઉનાળાની સિઝનને ધ્યાને રાખી શેરડીનો રસ, મેંગો જ્યુસ, આઈસ ગોલા અને તડબૂચ વેચતા એકમો પર પણ “ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ” દ્વારા અત્યાર સુધીમાં ૧,૫૭૬ સ્થળોએ સઘન તપાસ હાથ ધરીને ૧,૭૦૫ નમૂનાની ચકાસણી કરવામાં આવી હતી.

આટલું જ નહીં, વેપારીઓ તથા નાગરિકોમાં ખોરાકની શુદ્ધતા અને ભેળસેળ અંગે જાગૃતિ લાવવા માટે આ ડ્રાઇવ અંતર્ગત ૨૮૪ ટ્રેનિંગ કાર્યક્રમ અને ૨૫૫ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે એમ પણ મંત્રીએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *