પંજાબના નવ વિકેટે 169 રનના જવાબમાં ગુજરાતે 19.5 ઓવરમાં છ વિકેટે 167 રન બનાવી લીધા
અમદાવાદ
મોહમ્દ સિરાઝ સહિતના બોલર્સની ચુસ્ત બોલિંગ અને સાંઈ સુદર્શન શાનદાર (57) અને વોશિંગ્ટન સુંદર (40*) ની લડાયક બેટિંગની મદદથી ગુજરાત ટાઈટન્સે આઈપીએલની 46મી મેચમાં પંજાબ કિંગ્સ સામે મેચના છેલ્લા બોલે 4 વિકેટે વિજય મેળવ્યો હતો. ટાઈટન્સ આ વિજય સાથે દસમી મેચમાં છઠ્ઠા વિજય સાથે 12 પોઈન્ટ થયા હતા અને તેણે તેનું પાંચમું સ્થાન જાળવી રાખ્યું હતું. જ્યારે પંજાબની આ નવમી મેચમાં બીજી હાર છે. ગુજરાતે 16 રને શુભમન ગિલ (5)ની વિકેટ ગુમાવી હતી. અર્શદીપના એક બોલ પર ગિલ કોનોલીના હાથમાં કેચ આપી બેઠો હતો. જોશ બટલરે (25) સુદર્શન સાથે 53 રનની ભાગીદારી નિભાવી હતી. તે વૈશાકના બોલે ઐયરના હાથમાં પકડાયો હતો. તેણે 22 બોલનો સામનો કરતા એક બાઉન્ડ્રી અને બે સિક્સર ફટકાર્યા હતા. નિશાંત સિદ્ધુને (15) સ્ટોઈનિસે વૈશકના હાથમાં ઝિલાવી દીધો હતો. એક સમયે ટાઈટન્સનો વિજય અત્યંત સરળ જણાતો હતો પરંતુ વૈશકે સાંઈ સુદર્શને બાર્ટલેટના હાથમાં ઝિલાવીને મેચને થોડી રસપ્રદ બનાવી હતી. સાંઈએ 41 બોલનો સામનો કરતા પાંચ બાઉન્ડ્રી એક સિક્સર સાથે 57 રન બનાવ્યા હતા. રાહુલ તિવેટીયા (2)ને યાન્સને બાર્ટલેટના હાથમાં કેચ આઉટ કરાવ્યો હતો. આ સમયે ગુજરાતનો સ્કોર 140 પર પાંચ વિકેટ થયો હતો. જેસન હોલ્ડર(5) અર્શદીપ સિંહના એક બોલને બાઉન્ડ્રી બહાર ફટકારવા જતાં કોનોલીના હાથમાં કેચ આપી બેઠો હતો. સુંદરે 23 બોલમાં પાંચ બાઉન્ડ્રી અને એક સિક્સર સાથે અણનમ 40 રન બનાવ્યા હતા.
અગાઉ ગુજરાત ટાઈટન્સના સુકાની શુભમન ગીલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો. મોહમ્મદ સિરાઝે તેના સુકાનીના નિર્ણયને યોગ્ય ઠેરવતા પ્રિયાંશ આર્યા (2) અને કૂપર કોનોલી (0)ને સસ્તામાં પેવેલિયન ભેગા કરી દીધા હતા. પ્રિયાંશનો કેચ સિંઘુ અને કોનોલીનો કેચ બટલરે ઝડપ્યો હતો. પ્રભસિમરન સુકાની શ્રેયસ ઐયર સાથે મળીને ટીમની સ્થિતિને સંભાળે એ પહેલા રબાડાએ પ્રભસિમરનને સુથારના હાથમાં ઝિલાવી દીધો હતો. પ્રભસિમરને 14 બોલમાં બે બાઉન્ડ્રી સાથે 15 રન બનાવ્યા હતા. પંજાબની ટીમને જેસન હોલ્ડરે વધુ બે આંચકા આપ્યા હતા. તેણે નેહલ વાઢેરાને (0) બટલરના હાથમાં ઝિલાવ્યા બાદ સુકાની શ્રેયસ ઐયરને (19) બોલ્ડ કર્યો હતો. શ્રેયસે 21 બોલમાં ત્રણ બાઉન્ડ્રી ફટકારી હતી. પંજાબે 47 રનમાં તેની પાંચમી વિકેટ ગુમાવી હતી.
સુકાનીની વિકેટ બાદ કપરી સ્થિતિમાં મુકાયેલી પંજાબની ટીમને સુર્યાંશ શેડગે અને માર્કસ સ્ટોઈનિસે લડાયક સ્કોરે પહોંચાડી હતી. જોકે, પાંચમી વિકેટની 79 રનની આ ભાગીદારી રબાડાએ જ સુર્યાંશને બલરના હાથમાં ઝિલાવીને તોડી હતી. સુર્યાંશે 29 બોલમાં ત્રણ બાઉન્ડ્રી, પાંચ સિક્સર સાથે 57 રન ઝૂડી કાઢ્યા હતા. રબાડાએ તેની ચાર ઓવરના સ્પેલમાં એક મેઈડન નાખવા સાથે 22 રન આપીને બે વિકેટ લીધી હતી. ટાઈટન્સ માટે માનવ સુથાર સૌથી મોંઘો પુરવાર થયો હતો તેણે તેની એક જ ઓવરમાં 27 રન આપ્યા હતા. મોહમ્મદ સિરાઝે 28 રન આપીને બે વિકેટ મેળવી હતી. સ્ટોઈનેસે ટીમના સ્કોરને 141 રને પહોંચાડ્યો પણ જેસન હોલ્ડરે તેને મિડવિકેટ પર વોશિંગ્ટન સુંદરના હાથમાં પકડાવી દીધો હતો. એ પછી હોલ્ડરે બીજા જ બોલે ઝેવિયર બાર્ટલેટ (0)ને બોલ્ડ કરી પંજાબના સન્માનિય સ્કોર તરફની કૂચ પર બ્રેક લગાવી હતી. સ્ટોઈનિસે 31 બોલનો સામનો કરતા પાંચ બાઉન્ડ્રી અને એક સિક્સર ફટકારી હતી. હોલ્ડરે 24 રનમાં ચાર વિકેટ ઝડપી હતી. યાન્સનનો ઈનિંગ્સની રાશિદ છેલ્લી ઓવરના પાંચમા બોલે શુભમન ગિલે કવર પર આસાન કેચ ઝડપ્યો હતો. પંજાબે નવ વિકેટે 163 રન બનાવ્યા હતા.
