સીનિયર નેશનલ્સમાં મેડલ જીતનારી ગુજરાતની પ્રથમ મહિલા આર્ટિસ્ટિક જિમ્નાસ્ટ બની

અમદાવાદ,
ઓડિશાના ભુવનેશ્વર ખાતે યોજાયેલી ‘વિમેન્સ આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ નેશનલ ચેમ્પિયનશિપ 2026’ માં ગુજરાતની 18 વર્ષીય દીયા ઠાકોરે ‘અનઇવન બાર્સ’ (Uneven Bars) ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતીને રાજ્યનું નામ રોશન કર્યું છે. આ સાથે જ દીયા સીનિયર નેશનલ આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સમાં ગુજરાત માટે મેડલ જીતનારી સૌપ્રથમ મહિલા ખેલાડી બનીને ઇતિહાસના પાને પોતાનું નામ અંકિત કર્યું છે.
સંઘર્ષ અને મક્કમતાની જીત
દીયાની આ સિદ્ધિ માત્ર રમતની કુશળતા જ નહીં, પરંતુ તેની અડગ મક્કમતાનું પણ પરિણામ છે. સપ્ટેમ્બર 2024માં દીયાને ઘૂંટણમાં ગંભીર ઇજા (ACL અને મેનિસ્કસ break) થઈ હતી, જેના માટે તેનું મોટું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દોઢ વર્ષ સુધી અત્યંત કઠિન રિહેબિલિટેશન અને ફિઝિયોથેરાપીના તબક્કામાંથી પસાર થયા બાદ તેણે આ શાનદાર વાપસી (Comeback) કરી છે.
પ્રદર્શનના આંકડા
અમદાવાદની સી.એન. સ્પોર્ટ્સ એકેડમી ખાતે કોચ હરીશ ચંદેરા પાસે તાલીમ લેતી દીયાએ ફાઈનલમાં કુલ 10.533 નો સ્કોર મેળવ્યો હતો.
ડિફિકલ્ટી સ્કોર: 2.6
એક્ઝિક્યુશન સ્કોર: 7.933 (જે સમગ્ર સ્પર્ધામાં સૌથી વધુ હતો)
આ સ્પર્ધામાં ઓડિશાની તન્નુએ ગોલ્ડ અને કેરળની અમાંની દિલશાદે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
2030 કોમનવેલ્થ ગેમ્સ પર લક્ષ્ય
પોતાની આ ઐતિહાસિક જીત બાદ ઉત્સાહિત દીયા ઠાકોરે જણાવ્યું હતું કે, “મારું લક્ષ્ય 2030ની કોમનવેલ્થ ગેમ્સમાં મારા રાજ્ય અને દેશ માટે ગોલ્ડ મેડલ જીતવાનું છે. ઇજા બાદનો સમય ખૂબ જ પડકારજનક હતો, પરંતુ મારે ગુજરાત માટે મેડલ જીતવો જ હતો, જે આજે મેં પૂરો કર્યો છે.”
સંસ્થાઓ દ્વારા અભિનંદન વર્ષા
ગુજરાત જિમ્નાસ્ટિક્સ એસોસિએશનના સેક્રેટરી જનરલ કૌશિક બિડીવાલાએ દીયા ઠાકોર, તેના કોચ હરીશ ચંદેરા અને ડિસ્ટ્રિક્ટ જિમ્નાસ્ટિક્સ એસોસિએશનને આ ઐતિહાસિક સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, “છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં મહિલા આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ પ્રત્યે આકર્ષણ વધ્યું છે અને આપણી દીકરીઓ રાષ્ટ્રીય સ્તરે મોટી સિદ્ધિઓ હાંસલ કરી રહી છે.”
નોંધનીય છે કે, આ ટૂર્નામેન્ટમાં ગુજરાતની સીનિયર મહિલા ટીમે પણ શાનદાર પ્રદર્શન કરતા સમગ્ર ભારતમાં 6ઠ્ઠું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
