ભારતીય ટેબલ ટેનિસનો સૌથી સારો સમય છતાં 2036 ઓલિમ્પિક માટે અત્યારથી જ ગ્રાઉન્ડ લેવલ પર તૈયારી જરૂરી : સોમનાથ ઘોષ

Spread the love

ભારતીય ટેબલ ટેનિસ ટીમના કોચ અને ભૂતપૂર્વ ખેલાડી સોમનાથ ઘોષ સાથે ખાસ વાતચીત

નરેન્દ્ર પંચોલી

ગાંધીધામ

ભારતીય ટેબલ ટેનિસ અત્યારે કદાચ તેના સૌથી શ્રેષ્ઠ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. ખેલાડીઓ હવે માત્ર ભાગ લેવા નથી જતા, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ જીતવાની દાવેદારી નોંધાવી રહ્યા છે. એટલે કે ટેબલ ટેનિસ હાલમાં દેશમાં સોથી સારા સમયમાંથી પસાર થઈ રહ્યું છે છતાં 2036ની ઓલિમ્પિકમાં મેડલ માટે ભારતે નીચલા સ્તરેથી ખૂબજ મહેનત કરવી પડશે, એમ ભારતીય ટેબલ ટેનિસ ટીમના કોચ સોમનાથ ઘોષે ખેલાડીઓની તૈયારી, ભવિષ્યના લક્ષ્યો, સરકારી સહાય અને ખાસ કરીને ગુજરાતના ખેલાડીઓના પ્રદર્શન અંગે વિસ્તૃત ચર્ચા કરતાં કહ્યું હતું.

એસી હોલમાં સ્પર્ધા યોજાય એ જરૂરી

 થોડા સમય પહેલાં ગાંધીધામમાં ભર ઊનાળામાં યોજાયેલી સ્પર્ધા અંગે ધોષે કહ્યું કે આયોજન એકદમ શાનદાર હતું અને તમામનો સપોર્ટ મળ્યો હતો. માર્ચ-એપ્રિલ મહિનામાં ભારતમાં ગરમી શરૂ થઈ જાય છે અને તે આપણા હાથમાં નથી, છતાં આયોજકોએ બધું સારી રીતે મેનેજ કર્યું હતું. જોકે આવી મોટી સ્પર્ધા એરકન્ડિશન હોલમાં રમાય તો ખેલાડીઓ માટે વધુ સારું રહેશે.

ગુજરાતનું ભવિષ્ય ઊજળું

ભારતીય ટેબલ ટેનિસ અત્યારે તેના સૌથી સારા સમયમાંથી પસાર થઈ રહ્યું છે. આપણા ઘણા ખેલાડીઓ વર્લ્ડ રેન્કિંગમાં ટોપ 50માં છે. શ્રીજા અકુલા અને મનિકા બત્રા જેવી મહિલા ખેલાડીઓ પણ ટોપ 50માં છે, જે દેશ માટે ગર્વની વાત છે. ગુજરાતની વાત કરીએ તો હરમીત દેસાઈ, માનવ ઠક્કર અને માનુષ શાહ બાદ હવે વિવાન જેવા યુવા ખેલાડીઓ પણ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે.

જુનિયર્સ ખેલાડીને વધુ સહાયતા મળે તો ચેમ્પિયન્સ તૈયાર થઈ શકે

ખેલાડીઓને સરકાર તરફથી કેવો સપોર્ટ મળી રહ્યો છે અને તેમાં શું સુધારાની જરૂર છે? એ બાબતે તેમણે કહ્યું કે, પીવી સિંધુ કે નીરજ ચોપરા જેવી સિદ્ધિ હાંસલ કર્યા પછી સરકાર તરફથી પૂરો સપોર્ટ મળે છે. સ્પોર્ટ્સ ઓથોરિટી અને TOPS (ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ) દ્વારા એલિટ ખેલાડીઓને મદદ મળે છે. પરંતુ મારી સ્પષ્ટ માન્યતા છે કે આર્થિક સપોર્ટ ગ્રાસરૂટ લેવલ (પાયાના સ્તરે) મળવો જોઈએ. અંડર-11 કે અંડર-15ના પ્રોમિસિંગ ખેલાડીઓને જો શરૂઆતથી જ સરકારી સપોર્ટ મળે, તો આપણે વધુ ચેમ્પિયન્સ તૈયાર કરી શકીએ.

મેડલ માટે લાંબા ગાળાનું આયોજન જરૂરી

આપણે લાંબા ગાળાનું પ્લાનિંગ કરવું પડશે. ઉદાહરણ તરીકે, કતારની ફૂટબોલ ટીમે એશિયા કપ જીતવા માટે 12 વર્ષ પહેલાં તૈયારી શરૂ કરી હતી અને કોચને જાળવી રાખ્યા હતા. આપણે પણ જો ઓલિમ્પિકમાં ગોલ્ડ જોઈતો હોય, તો 10-12 વર્ષનો પ્લાન બનાવવો પડે. વિદેશી સ્પેરિંગ પાર્ટનર્સ, સારા કોચ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવો પડશે. માત્ર બે-ચાર મહિનાના કેમ્પથી પરિણામ નહીં મળે.

નેશનલ-આંતરરાષ્ટ્રીય કેલેન્ડરમાં તાલમેલ જરૂરી

નેશનલ કેલેન્ડર ખૂબ જ વ્યસ્ત હોવાથી ખેલાડીઓને તૈયારી માટે ઓછો સમય મળે છે અને ઈજાના પ્રશ્નો પણ રહે છે. મનિકા, શ્રીજા, માનવ અને સાથિયાન જેવા ખેલાડીઓ ઈજામાંથી બહાર આવીને પોતાની રીતે વ્યક્તિગત તૈયારી કરી રહ્યા છે. નેશનલ અને આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ વચ્ચે પૂરતો સમય હોવો જોઈએ જેથી ખેલાડીઓ કેમ્પ કરીને યોગ્ય તૈયારી કરી શકે.

20 ટેબલ સાથેના એસી હોલ જરૂરી

આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા માટે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ ફરજિયાત છે. દરેક શહેરમાં ઓછામાં ઓછા 20 ટેબલ સાથેના AC હોલ હોવા જોઈએ, કારણ કે AC વિના અને AC વાળા વાતાવરણમાં બોલની ગતિ અને સ્પિનમાં મોટો તફાવત આવે છે. હરિયાણા અને ગુજરાત આમાં ઘણું સારું કામ કરી રહ્યા છે. ગુજરાતે વિદેશી કોચ લાવીને જે સુવિધાઓ આપી છે, તેના પરિણામો હરમીત, માનવ અને વિવાનના રૂપમાં સારા ખેલાડી મળી શક્યા છે.

ચીનના ખેલાડીઓની ધાક ઓછી થઈ છે

ખેલાડીઓના માઈન્ડસેટમાં મોટો બદલાવ આવ્યો છે. પહેલા ચાઈનીઝ ખેલાડીઓનો 100% દબદબો હતો, જે હવે ઘટીને 60% જેટલો રહી ગયો છે. તાજેતરમાં જ મનિકા બત્રાએ વર્લ્ડ નંબર 12 ચાઈનીઝ ખેલાડીને હરાવી છે. ભારત અને યુરોપના ખેલાડીઓ હવે શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. હવે ચાઈનીઝ ખેલાડીઓ પણ ભારતીયોની રમતથી ડરીને રોબોટિક પ્રેક્ટિસ કરી રહ્યા છે.

ટેબલ ટેનિસ ફેડરેશનની આંતરિક ખેંચતાણનો તત્કાળ અંત જરૂરી

ફેડરેશનમાં જે પણ આંતરિક ખેંચતાણ ચાલતી હોય તેનો જલ્દી અંત આવવો જોઈએ. રમતના ભલા માટે ખેલાડીઓને વધુ સપોર્ટ, પ્રાઇઝ મનીમાં વધારો અને ઉત્કૃષ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ.

ટેબલ ટેનિસ સ્પોર્ટ્સ છે, જ્યારે ક્રિકેટ એક એન્ટરટેઈનમેન્ટ: કોચ ઘોષ

ટેબલ ટેનિસ એક અત્યંત ઝડપી અને ટેકનિકલ રમત છે. સામાન્ય દર્શકો માટે બોલની સ્પીડ, સ્પિન અને રિફ્લેક્સિસ સમજવા થોડા અઘરા છે. ભારતમાં ક્રિકેટ એક ધર્મ કે એન્ટરટેઈનમેન્ટ બની ગયું છે, પરંતુ ટેબલ ટેનિસ એક હાર્ડકોર ઓલિમ્પિક રમત છે. જોકે, ક્રિકેટર્સ પણ તેમના રિફ્લેક્સિસ અને આઈસાઈટ (દ્રષ્ટિ) સુધારવા માટે ટેબલ ટેનિસ રમતા હોય છે. આ રમતને વધુ લોકપ્રિય બનાવવા માટે સેલિબ્રિટીઝે આગળ આવીને ટેબલ ટેનિસ રમવું અને પ્રમોટ કરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *