શ્રદ્ધા, શિક્ષણ અને સામાજિક સુવિધાઓના ત્રિવેણી સંગમ સમાન આ કેમ્પસમાં અતિભવ્ય મંદિરનું નિર્માણ જારી, સુવિધાનો તમામ લોકો લાભ લઈ શકશે
અમદાવાદ
ઉમિયા માતાજી સંસ્થાન, સોલા દ્વારા સમાજના ઉત્કર્ષ અને સુવિધા માટે ભવ્ય ઉમિયા માતાજી મંદિર, આધુનિક બોઇઝ એન્ડ ગર્લ્સ હોસ્ટેલ બિલ્ડિંગ અને સુવિધાસભર ઉમિયા પાર્ટી પ્લોટના નિર્માણ અને વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. આ સુવિધાઓનું 28 મેના રોજ દેશના ગૃહપ્રધાન અમિત શાહ લોકાર્પણ કરશે.
અત્યાધુનિક સુવિધા સાથેની હોસ્ટેલ્સ
ઉમિયા માતા સંસ્થાના ટ્રસ્ટી સી.કે પટેલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ માટે 2 બેઝમેન્ટ + ગ્રાઉન્ડ ફ્લોર + 13 માળ ધરાવતી આધુનિક બોઇઝ એન્ડ ગર્લ્સ હોસ્ટેલ બિલ્ડિંગનું નિર્માણ કરાયું છે. જેનું કુલ બાંધકામ 4,33,914 ચોરસ ફૂટ (બોઇઝ હોસ્ટેલ: 2,16,807 ચો. ફૂટ અને ગર્લ્સ હોસ્ટેલ:2,19,807 ચો. ફૂટ). જેમાં કુલ 400 રૂમ (ગર્લ્સ: 208, બોઇઝ: 192) માં 1600 વિદ્યાર્થીઓ (932 ગર્લ્સ અને 768 બોઇઝ) રહી શકશે.
1600ની ક્ષમતા સાથેનું ડાઈનિંગ હોલ
ડાઇનિંગ અને કીચન: 1600 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતા 2 આધુનિક રસોડા અને અલગ-અલગ ડાઇનિંગ હોલની વ્યવસ્થા આ હોસ્ટેલમાં કરવામાં આવી છે.
ઇ-લાઇબ્રેરી-2 આધુનિક જીમ
શૈક્ષણિક અને શારીરિક વિકાસના હેતુથી વિદ્યાર્થીઓ માટે 3 કોમન ઇ-લાઇબ્રેરી (2 ગર્લ્સ અને 1 બોઇઝ માટે) તેમજ 2 આધુનિક જીમ (અલગ-અલગ એરિયા) બનાવવામાં આવ્યા છે. UPSC અને GPSC ની તૈયારી માટે ઉમિયા કેરિયર ડેવલપમેન્ટ કાઉન્સિલ (UCDC) કાર્યરત રહેશે.
8 હાઈસ્પિડ લિફ્ટ
અન્ય હાઈટેક સુવિધાઓમાં કુલ 8 હાઈસ્પીડ લિફ્ટ (દરેક બ્લોકમાં 4), લોન્ડ્રી, હાઉસકીપિંગ, ફર્નિચર સાથેના રૂમ, 24 કલાક ગરમ પાણી, મિનરલ વોટર, ગેસ્ટ વેઇટિંગ એરિયા અને અદભુત બેઝમેન્ટ પાર્કિંગ (200 કાર અને 100 સ્કૂટર માટે).
મંદિર સ્થાપત્ય કલાનો અદભુત નમૂનો બનશે
ઉમિયા માતા સંસ્થાના પ્રમુખ બાબુ જે. પટેલે જણાવ્યું હતું કે સોલા કેમ્પસ ખાતે આકાર લઈ રહેલું ઉમિયા માતાજીનું મંદિર સ્થાપત્ય કલાનો અદભુત નમૂનો બનશે. આ ભવ્ય મંદિર સંપૂર્ણપણે નાગરશૈલી પ્રમાણે બનાવવામાં આવી રહ્યું છે. આ ભવ્ય મંદિરની મુખ્ય વિશેષતા એ છે કે મંદિરના બાંધકામમાં કોઈપણ જાતના લોખંડનો ઉપયોગ કરવામાં આવશે નહીં. અંદાજે 2 લાખ ઘનફુટ બંસીપહાડપુરના ગુલાબી પથ્થરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મંદિરની લંબાઇ અંદાજે 255 ફૂટ, પહોળાઈ 160 ફૂટ અને ઉંચાઈ 132 ફૂટ રહેશે. જ્યારે મંદિરમાં કુલ 92 આકર્ષક સ્તંભ હશે અને ગર્ભગૃહ એટલું વિશાળ હશે કે જ્યાં એક સાથે 500 શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે. વડીલો અને દિવ્યાંગોની સુવિધાના ભાગરૂપે મંદિરમાં 2 લિફ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.
એડમિશન અને ફી
હોસ્ટેલ માટેના ઓનલાઈન એડમિશન ચાલુ છે.
નોન-AC રૂમ માટે: રૂા. 65,000/- (વાર્ષિક)
AC રૂમ માટે: રૂા. 85,000/- (વાર્ષિક)
ઉમિયા પાર્ટી પ્લોટ
સામાજિક અને મંગળ પ્રસંગોની ઉજવણી માટે સુવિધાથી સજ્જ પાર્ટી પ્લોટ.
વિશાળ લોન એરિયા: 40,000 ચોરસ ફૂટનો હરિયાળો પ્લોટ જે 2000 લોકોની ક્ષમતા છે.
પાર્કિંગ અને ઓફિસ: વિશાળ પાર્કિંગ વ્યવસ્થા અને 1760 ચો. ફૂટનો ઓફિસ તથા રૂમ એરિયા.
આધુનિક સગવડો: વર-કન્યા માટે 2 ખાસ એરકન્ડિશન્ડ (AC) રૂમ, 2575 ચો. ફૂટનું મોટું કીચન અને સ્ટોરરૂમ તેમજ 1710 ચો. ફૂટનો વિશાળ અને સ્વચ્છ વોશરૂમ એરિયા.
સંસ્થાના હોદ્દેદારોની હાજરી
આ સુવિધાઓની જાહેરાત પ્રસંગે સંસ્થાના પ્રમુખ પ્રમુખ બાબુ જે. પટેલ ( બી જે પી), ઉપપ્રમુખ રમેશ દૂધવાલા, સંસ્થાના મંત્રી જંયતિ પટેલ, સહમંત્રી મુકેશ બડુ, ટ્રસ્ટી સી.કે.પટેલ સોલા કેમ્પસના ચેરમેન પી.સી.પટેલ વાઇસ ચેરમેન પ્રવિણ પટેલ (ઘાટલોડિયા), કો ઓડિનેટર સુરેશ પટેલ, ખજાનચી હસમુખ પટેલ, સંગઠન પ્રમુખ પ્રવીણભાઈ, બાંધકામ કમિટિના ચેરમેન આઈ.સી.પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
