ક્લાઉડ AIનો બેફામ ઉપયોગ અને મેનેજમેન્ટની એક નાની બેદરકારી કંપની પર એટલી ભારે પડી કે માત્ર 1 જ મહિનામાં તેનું બિલ બજેટની તમામ મર્યાદાઓ વટાવી ગયું
નવી દિલ્હી
આજના આધુનિક યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દરેક ક્ષેત્રમાં ધૂમ મચાવી રહ્યું છે. ગૂગલ, એમેઝોન અને મેટા જેવી દુનિયાની દિગ્ગજ કંપનીઓ પોતાના કર્મચારીઓની કાર્યક્ષમતા વધારવા માટે AI ટૂલ્સના ઉપયોગ પર ભારે દબાણ કરી રહી છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કામ સરળ બનાવતું આ ટૂલ કોઈ કંપનીને કંગાળ પણ બનાવી શકે છે? તાજેતરમાં એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ક્લાઉડ AIનો બેફામ ઉપયોગ અને મેનેજમેન્ટની એક નાની બેદરકારી કંપની પર એટલી ભારે પડી કે માત્ર 1 જ મહિનામાં તેનું બિલ બજેટની તમામ મર્યાદાઓ વટાવી ગયું.
મોટું બિલ આવવાનું અસલી કારણ
એક્સિઓસના અહેવાલ મુજબ, એક આઈટી કન્સલ્ટન્ટે ખુલાસો કર્યો છે કે તેમની ક્લાયન્ટ કંપનીએ તેના કર્મચારીઓ માટે ક્લાઉડ AIના લાયસન્સ ખરીદ્યા હતા. જોકે, કંપની મેનેજમેન્ટ કર્મચારીઓ માટે આ ટૂલના વપરાશની કોઈ ઉપલી મર્યાદા નક્કી કરવાનું ભૂલી ગયું.
પરિણામે, કર્મચારીઓએ મર્યાદા વગર આ ટૂલનો ઉપયોગ ચાલુ રાખ્યો અને માત્ર એક મહિનામાં કંપનીને 500,000,000 ડૉલર (આશરે રૂ. 4,770 કરોડ)નું તોતિંગ બિલ આવી ગયું. સામાન્ય રીતે કંપનીઓ જ્યારે લાયસન્સ ખરીદે છે ત્યારે તેની સાથે ‘ટોકન્સ’ની એક લિમિટ આવે છે. AIની ભાષામાં ટોકન એટલે માપનનો એક નાનો એકમ. તમે AI પાસે જેટલું વધારે કામ કરાવો, એટલા વધારે ટોકન્સ વપરાય છે. જો કર્મચારીઓ આ લિમિટ પાર કરે, તો કંપનીએ તેના માટે વધારાનો તગડો ચાર્જ ચૂકવવો પડે છે. આ અનામી કંપનીમાં પણ આવું જ કંઈક થયું હોવાનું મનાય છે.
વધતા ખર્ચથી પરેશાન કંપનીઓ
આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે વિશ્વભરમાં કંપનીઓ AI પાછળ થતા અંધાધૂંધી ખર્ચથી પરેશાન થઈને પોતાના પગ પાછા ખેંચી રહી છે.
માઇક્રોસોફ્ટ: ખર્ચને તાત્કાલિક કાબૂમાં લેવા માટે માઇક્રોસોફ્ટે એક મોટો આંચકો આપતા પોતાના જ હજારો એન્જિનિયરો, ડેવલપર્સ અને ડિઝાઇનર્સ પાસેથી અત્યંત શક્તિશાળી ટૂલ ‘એન્થ્રોપિક ક્લાઉડ કોડ’ની એક્સેસ પાછી ખેંચી લીધી છે અને તેમને જીટહબ કોપપાયલોટ સીએલઆઈ તરફ રીડાયરેક્ટ કર્યા છે. જોકે એન્થ્રોપિક સાથે કંપનીની વ્યાપક વ્યાપારી ભાગીદારી અને અઝુરે સેવાઓનો કરાર અકબંધ રહેશે.
ઉબેર: ઉબેરે પણ મોટો ખુલાસો કરતા જણાવ્યું છે કે કર્મચારીઓ દ્વારા ભારે વપરાશના કારણે તેણે વર્ષના પ્રથમ 4 મહિનામાં જ AI કોડિંગ ટૂલ્સ માટે ફાળવેલું પોતાનું આખું 2026નું બજેટ વાપરી નાખ્યું હતું.
વધતા આર્થિક બોજને કારણે હવે ઓપનએઆઈ ના સીઈઓ સેમ ઓલ્ટમેન જેવા દિગ્ગજો પણ પોતાની જૂની ચેતવણીઓ (કે AI વ્હાઇટ-કોલર નોકરીઓ ખતમ કરી દેશે) પરથી પાછા હટી રહ્યા છે. આ અણધાર્યા ખર્ચ અને નાણાકીય સંતુલન જાળવવાના ભાગરૂપે તાજેતરમાં મેટા, ઓરેકલ અને ક્લાઉડફ્લેર સહિતની દિગ્ગજ કંપનીઓએ મોટા પાયે આઈટી ઇન્ડસ્ટ્રીમાં રીસ્ટ્રક્ચરિંગ અને છટણીના કડક પગલાં લેવાની પણ શરૂઆત કરી દીધી છે.
શું છે ભવિષ્ય?
આ અણધાર્યા ખર્ચનું મુખ્ય કારણ મોટા ભાષા મોડેલોનું ‘ટોકન-આધારિત પ્રાઇસિંગ સ્ટ્રક્ચર’ છે, જેમાં એન્જિનિયરો દ્વારા હજારો લાઇનોનો કોડ પ્રોસેસ કે જનરેટ કરવા માટે મોટી રકમ ચૂકવવી પડે છે. ગોલ્ડમેન સૅક્સ અને ગાર્ટનર જેવી વૈશ્વિક સંશોધન સંસ્થાઓના અંદાજ મુજબ, ભલે સમય જતાં AI ચલાવવાનો યુનિટ કોસ્ટ ઘટે, પરંતુ વ્યવસાયોમાં નવી એજન્ટિક AI સિસ્ટમ્સ તહેનાત થવાથી વર્ષ 2030 સુધીમાં ટોકન વપરાશ અને એન્ટરપ્રાઇઝનો કુલ ખર્ચ અભૂતપૂર્વ રીતે ઉપર જશે.
સોશિયલ મીડિયા પર યુઝર્સની પ્રતિક્રિયા
આ અહેવાલ બહાર આવતા જ ઇન્ટરનેટ પર લોકો જાતજાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
– એક યુઝરે પ્રખ્યાત ફિલ્મ ‘The Big Short’નો સ્ક્રીનશોટ શેર કરતા લખ્યું કે, ‘આપણે આર્થિક બબલ (આભાસી તેજી)ના એવા વળાંક પર પહોંચી ગયા છીએ જ્યાંથી હવે પતન નક્કી છે.’
– અન્ય એક યુઝરે સવાલ ઉઠાવ્યો કે, ‘કોઈ કંપની આવા બેકાબૂ LLM ટોકન્સના વપરાશથી ક્યાં સુધીમાં નાદાર થઈ જશે?’
– તો વળી એક વ્યક્તિએ મજાક કરતા લખ્યું કે, ‘આ જોઈને એનવીડિયા ના સીઈઓ જેન્સન હુઆંગ ખૂબ ગર્વ અનુભવી રહ્યા હશે!’
અત્રે ઉલ્લેખનીય છે કે જેન્સન હુઆંગે અગાઉ એક વિવાદિત નિવેદન આપ્યું હતું કે એન્જિનિયરોનું મૂલ્યાંકન તેઓ કેટલા AI ટોકન્સ વાપરે છે તેના પર થવું જોઈએ. તેમણે દાવો કર્યો હતો કે, ‘જો કોઈ 500,000 ડૉલરની સેલેરી મેળવતો એન્જિનિયર વર્ષમાં ઓછામાં ઓછા 250,000 ડૉલરના ટોકન્સ ન વાપરે, તો મને ચિંતા થાય.’ હવે જોવાનું એ રહેશે કે આ ઘટના બાદ અન્ય કંપનીઓ પોતાના આઈટી બજેટને લઈને કેટલી સતર્ક બને છે.
