AVGC-XR ક્ષેત્રના અગ્રણી પૂર્વ વિદ્યાર્થીઓ એક મંચ પર આવ્યા, ‘અરેના ઓરિજનલ્સ’ પહેલનું પણ લોન્ચિંગ, સંસ્થાએ 30 વર્ષમાં પાંચ લાખથી વધુ છાત્ર તૈયાર કર્યા, દર વર્ષે 25 હજારથી વધુ છાત્રો તૈયાર કરાય છે
અમદાવાદ
મીડિયા અને એન્ટરટેઇનમેન્ટ શિક્ષણ ક્ષેત્રની અગ્રણી સંસ્થા એરિના એનિમેશને અમદાવાદમાં ભવ્ય એલ્યુમ્ની મીટનું આયોજન કરીને એવીજીસી-એક્સઆર અને ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીમાં પોતાની 30 વર્ષની સફળ સફરની ઉજવણી કરી હતી. અમદાવાદની એક હોટલમાં યોજાયેલા કાર્યક્રમમાં પૂર્વ વિદ્યાર્થીઓ, ઉદ્યોગ સાહસિકો અને ભાગીદારોએ હાજરી આપી હતી.
30 વર્ષમાં પાંચ લાખથી વધુ છાત્રોને તૈયાર કર્યા
સંસ્થા અંગેની માહિતી આપતા એરિના એનિમેશનના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તથા નેશનલ સેલ્સ હેડ શાજન સેમ્યુઅલે જણાવ્યું હતું કે સંસ્થાની દેશમાં 200થી વધુ શાખામાંથીર્ દર વર્ષે અંદાજે 25 હજારથી વધુ વિદ્યાર્થીઓ તૈયાર થાય છે. 30 વર્ષમાં સંસ્થામાંથી પાંચ લાખથી વધુ છોકરા તૈયાર થયા છે અને તેઓ વિવિધ ક્ષેત્રમાં તેમનું યોગદાન આપી રહ્યા છે. હાલમાં સંસ્થા 250 કરોડનો વ્યવસાય કરે છે જે વધારીને બે વર્ષમાં 300 કરોડથી ઉપર લઈ જવાનું લક્ષ્ય ધરાવે છે.
પૂર્વ વિદ્યાર્થીઓની સિદ્ધિઓને અપાયું સન્માન
કાર્યક્રમમાં 80થી વધુ પૂર્વ વિદ્યાર્થીઓ અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પૂર્વ વિદ્યાર્થીઓ હાલમાં એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ, કોમિક્સ અને એક્સટેન્ડેડ રિયાલિટી (AVGC-XR) સહિતના સર્જનાત્મક ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ તેમની સિદ્ધિઓને બિરદાવવાનો અને આગામી પેઢીના સર્જકોને પ્રેરણા આપવાનો હતો.
ઉદ્યોગના અગ્રણીઓ રહ્યા હાજર
કાર્યક્રમમાં આર્ટસોલ્સનાના સીઈઓ અવેશ ભાસ, ઈમેજિન કોમ્યુકેશન્સના સ્થાપક અમિત મહેતા, ઈનએક્સટ્રિક્સ ટેક્નોલોજિસના ડિઝાઇન હેડ દીપ અર્દશના અને બોનસાઈના બિઝનેસ હેડ મિહિર ભાવસાર સહિતના જાણીતા પૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. તેમની ઉપસ્થિતિએ એરિના એનિમેશન દ્વારા ઘડાયેલી પ્રતિભા અને ઉદ્યોગ સાહસિકતાની ભાવનાને ઉજાગર કરી હતી.
‘અરોના ઓરિજનલ્સ’ પહેલનું લોન્ચિંગ
પ્રસંગ દરમિયાન એરિના એનિમેશને ‘અરેના ઓરિજનલ્સ’ નામની નવી પહેલ શરૂ કરી હતી. આ પ્લેટફોર્મ વિદ્યાર્થીઓ અને પૂર્વ વિદ્યાર્થીઓને પોતાની ઓરિજિનલ ક્રિએટિવ આઈપી વિકસાવવા અને નવીન કન્ટેન્ટ સર્જવા માટે પ્રોત્સાહિત કરશે. એપટેક લિમિટેડના ચીફ હ્યુમન રિસોર્સ ઓફિસર શૌર્ય કે. ચક્રવર્તી અને એરિના એનિમેશનના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તથા નેશનલ સેલ્સ હેડ શાજન સેમ્યુઅલના હસ્તે આ પહેલનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
નવી ટેકનોલોજી અને કારકિર્દી પર ચર્ચા
કાર્યક્રમ દરમિયાન નવી ટેકનોલોજી, વર્ચ્યુઅલ પ્રોડક્શન, ડિજિટલ કન્ટેન્ટ ક્રિએશન અને બદલાતા કારકિર્દી માર્ગો અંગે ચર્ચાઓ યોજાઈ હતી. પૂર્વ વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો અને સફળતાની કહાનીઓ શેર કરી હતી, જે યુવા સર્જકો માટે પ્રેરણારૂપ બની હતી.
શાજન સેમ્યુઅલે જણાવ્યું હતું કે એરિના એનિમેશનના 30 વર્ષ માત્ર સંસ્થાની સફળ યાત્રાનું પ્રતિક નથી, પરંતુ વર્ષોથી વિકસાવાયેલા મજબૂત ઇન્ડસ્ટ્રી નેટવર્કનું પ્રતિબિંબ પણ છે. તેમણે જણાવ્યું કે અમદાવાદ એલ્યુમ્ની મીટ પૂર્વ વિદ્યાર્થીઓની સિદ્ધિઓની ઉજવણી સાથે આગામી પેઢીના સર્જકો માટે સહયોગી અને પ્રેરણાદાયી માહોલ તૈયાર કરવાનો પ્રયાસ છે. અમદાવાદમાં યોજાયેલ આ કાર્યક્રમે ફરી એકવાર સાબિત કર્યું છે કે એરિના એનિમેશન દેશ અને વિશ્વની ક્રિએટિવ ઇન્ડસ્ટ્રી માટે કુશળ અને પ્રતિભાશાળી યુવાનો તૈયાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.
