રશિયાની કથિત ‘શેડો ફ્લીટ’ સામે કાર્યવાહી; એક ભારતીય નાગરિકની અટકાયત

લંડન
બ્રિટિશ સેનાએ ઇંગ્લેન્ડના દક્ષિણ દરિયાકાંઠે રશિયાના શંકાસ્પદ ઓઇલ ટેન્કર ‘સ્મર્ટોસ’ પર મોટું ઓપરેશન હાથ ધરી સમગ્ર જહાજને પોતાના નિયંત્રણમાં લીધું છે. હેલિકોપ્ટરની મદદથી હાથ ધરાયેલી આ કાર્યવાહી લગભગ છ કલાક સુધી ચાલી હતી. કેમરૂનનો ધ્વજ ધરાવતું આ જહાજ રશિયાની કથિત ‘શેડો ફ્લીટ’નો ભાગ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જહાજમાં 22 ભારતીય નાવિકો સવાર હોવાથી ઘટનાએ ભારતની ચિંતા પણ વધારી છે.
એક ભારતીય નાગરિકની અટકાયત
અધિકારીઓના જણાવ્યા અનુસાર જહાજમાં કુલ 24 ક્રૂ સભ્યો હતા, જેમાં 22 ભારતીય અને બે જ્યોર્જિયાના નાગરિકો સામેલ હતા. રશિયાના ઉસ્ત-લુગા બંદરથી ઇજિપ્તના પોર્ટ સઈદ તરફ જઈ રહેલા આ જહાજ પર બ્રિટનની નેશનલ ક્રાઈમ એજન્સીએ પ્રતિબંધોના ઉલ્લંઘનની શંકાના આધારે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન 38 વર્ષીય એક ભારતીય નાગરિકની અટકાયત કરવામાં આવી છે, જ્યારે અન્ય તમામ ભારતીય નાવિકો સુરક્ષિત હોવાનું જણાવાયું છે.
બ્રિટનનો દાવો, રશિયાને મોટો ફટકો
બ્રિટિશ સંરક્ષણ મંત્રાલયે આ કાર્યવાહી ઇંગ્લિશ ચેનલમાં અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન ગણાવ્યું છે. બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે જણાવ્યું હતું કે આ કાર્યવાહી રશિયાને આર્થિક અને વ્યૂહાત્મક રીતે મોટો ફટકો પહોંચાડશે. તેમણે કહ્યું કે યુક્રેન યુદ્ધને ટેકો આપતા નેટવર્ક સામે કડક પગલાં લેવામાં આવશે. જોકે, આ ઘટનાને લઈને રશિયાની સત્તાવાર પ્રતિક્રિયા હજુ સુધી સામે આવી નથી.
‘શેડો ફ્લીટ’ શું છે?
બ્રિટિશ સરકારના જણાવ્યા મુજબ ‘સ્મર્ટોસ’ રશિયાની ‘શેડો ફ્લીટ’નો ભાગ છે. આ ફ્લીટમાં એવા જહાજોનો સમાવેશ થાય છે, જે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને ટાળીને તેલ અને ગેસના વેપાર માટે ઉપયોગમાં લેવાય છે. નિષ્ણાતોના મતે વિશ્વભરમાં આવા લગભગ 700 જેટલા જહાજો સક્રિય છે. બ્રિટન અત્યાર સુધીમાં આવા 600થી વધુ જહાજો પર પ્રતિબંધ મૂકી ચૂક્યું છે.
આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં વધશે ચર્ચા
વિશ્લેષકોના મતે આ કાર્યવાહીથી બ્રિટન અને રશિયા વચ્ચેનો તણાવ વધુ વધી શકે છે. સાથે જ જહાજમાં ભારતીય નાગરિકોની મોટી સંખ્યા હોવાથી ભારત પણ સમગ્ર ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યું છે. આ કાર્યવાહી વૈશ્વિક ઊર્જા વેપાર અને ભૂરાજકીય સમીકરણોમાં નવી ચર્ચાને જન્મ આપી શકે છે.
